મહેતા, ધીરેન્દ્ર પ્રીતમલાલ

January, 2024

મહેતા, ધીરેન્દ્ર પ્રીતમલાલ (જ. 29 ઑગસ્ટ 1944, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ભુજમાં અનુક્રમે ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ તથા સરકારી કૉલેજમાં. 1961માં મેટ્રિક ; 1966માં ગુજરાતી ભાષાસાહિત્ય સાથે બી.એ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાંથી એ જ વિષય સાથે 1968માં એમ.એ.. ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ’– એ વિષય પર ગુજરાત યુનિવર્સિટીમાંથી 1976માં પીએચ.ડી.. 1970થી ’76 દરમિયાન અમદાવાદની ગુજરાત કૉલેજમાં અને 1976થી 2006 ભુજની આર. આર. લાલન કૉલેજમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન. સાહિત્યસર્જન માટે 1989માં ધનજી કાનજી સુવર્ણચંદ્રક. મુનશી સુવર્ણચંદ્રક, ધૂમકેતુ ચંદ્રક, બકુલેશ-જયંત ખત્રી ઍવૉર્ડ, દર્શક ઍવૉર્ડ, રણજિતરામ સુવર્ણચંદ્રક વગેરે પ્રાપ્ત થયાં છે.

સાતમા દાયકાના અંત અને આઠમા દાયકાના આરંભ દરમિયાન જે સામર્થ્યશીલ સર્જકોનો ઉદય થયો તેમાં, નવલકથાકાર, કવિ, વાર્તાકાર, વિવેચક ધીરેન્દ્ર એમના બલિષ્ઠ છતાં સંયત લેખનથી અલગ તરી આવે છે. ગુજરાતી કથાસાહિત્યમાં, ઘટનાહ્રાસની હવા ફૂંકાઈ ત્યારે, સંવેદનમૂલક તેમજ મનોવિશ્લેષણપરક નવલકથા ‘વલય’(1971)થી કથાલેખનનો આરંભ કરનાર ધીરેન્દ્ર તેમાં નવપલ્લવિત પ્રણયનું તાજગીભર્યું આલેખન કરે છે. અલબત્ત, એમણે વાચક ઉપરાંત વિવેચકનું ધ્યાન આકૃષ્ટ તો કર્યું ‘ચિહ્ન’ (1978) નામની, બહુધા આત્મકથ્યની ભોંય પર લખાયેલી નવલકથાથી. વિકલાંગ કથાનાયકની મનોસૃષ્ટિના આરોહો-અવરોહો અહીં પૂરા સમભાવપૂર્વક તેમજ અપેક્ષિત સર્જકીય તાટસ્થ્ય સમેત નિરૂપાયા છે. ‘દિશાંતર’(1983)માં પણ આ જ કથાવસ્તુ વ્યક્તિલક્ષીને બદલે વિશેષત: સામાજિક પરિપ્રેક્ષ્યથી નિરૂપાયું છે. ‘આપણે લોકો’(1987)માં માનવજીવનની વિભીષિકા નિરૂપણ પામી છે.

નાટ્યકૃતિ ઉપરથી રૂપાંતરિત થયેલી લઘુનવલો પૈકી ‘અદૃશ્ય’(1980)માં મનુષ્યજીવનના પેટાળમાં નિરંતર વહેતા કારુણ્યને વ્યંજનાપૂર્ણ ઢબે આલેખ્યું છે. ‘સમકાલીન’ અને ‘જન્મભૂમિ-પ્રવાસી’માં ધારાવાહીરૂપે અનુક્રમે પ્રગટ થયેલી અને પછી ‘કાવેરી અને દર્પણલોક’(1888)માં ગ્રંથસ્થ ‘કાવેરી’ અને ‘દર્પણ-લોક’માં ભારતીય કુટુંબસંસ્થાની ભૂમિકાએ માનવસંબંધોનું વિધવિધ દૃષ્ટિકોણથી કરાયેલું દર્શન નિરૂપાયું છે. ‘દર્પણલોક’માં પણ કમલ અને સમજુબાનાં પાત્રો દ્વારા, વાંછિત મનોરમ જીવન અને કારુણ્યસભર વાસ્તવ વચ્ચેની કરાળ ખાઈનું નિદર્શન થયું છે. આ ઉપરાંત ‘ખોવાય ગયેલી વસ્તુ’ (2001), ‘ભંડારીભવન’ (2002), ‘છાવણી’ (2006) તેમની નવલકાથાઓ છે. ‘કુમાર’ માસિકમાં ક્રમશ: પ્રકાશિત ‘રવજી માસ્તરનું મૃત્યુ’ અને અન્ય 3 વાર્તાઓ ‘ઘર’, ‘આ બધું’ અને ‘જટાયુ’ ‘ઘર’ (1995) પુસ્તકમાં સંગૃહીત છે. આ ચારેય કથાકૃતિઓમાં ‘ઘર’ સંજ્ઞાથી નીપજતા ભાવબોધનાં નાનાવિધ રૂપો તરવર્યાં છે. કશી અધૂરપ-ઊણપનો અનુભવ ન થવા દેતું લાઘવ – એ ધીરેન્દ્રના કથાસર્જનનો વિશેષ છે. આ સર્જન-લાક્ષણિકતા એમની ટૂંકી વાર્તાઓમાં પણ પ્રતીત થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત ‘સંમુખ’(1985)માંની વાર્તાઓ પ્રયોગધર્મી હોવા છતાં કલાકૃતિ રૂપે રસભાવન સંદર્ભે પર્યાપ્ત સફળ રહે છે. ‘હું એને જોઉં એ પહેલાં’ (1995), ‘એટલું બધું સુખ’ (1998) વાર્તાસંગ્રહો છે.

ઓછું લખવું અને લખેલું ઘૂંટતા રહેવું – એ ધીરેન્દ્રની સર્જક-નિયતિ છે, કારણ કે ધીરેન્દ્ર માત્ર સર્જક નહીં, વિવેચક પણ છે. નંદશંકરથી આરંભીને ઉમાશંકર સુધીની ગુજરાતી નવલકથાઓની વસ્તુલક્ષી તપાસ જેમાં પીએચ.ડી.ના અભ્યાસ નિમિત્તે થઈ છે તે વિવેચનગ્રંથ ‘નંદશંકરથી ઉમાશંકર : ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય’ (1984), ‘ડૉ. જયંત ખત્રી’ (1977), ગુજરાતી નવલકથાને તાકતા વિવેચનલેખોનો સંગ્રહ ‘નિસબત’ (1990) તથા કચ્છી સાહિત્યસર્જનનું મૂલ્યાંકન કરતાં વિવેચનો ‘ઘટડો મિંજ તો ગરે’ (1983) અને ‘મોરચંગના સૂર’(1995)માં ધીરેન્દ્રનું વિવેચનકાર્ય ગ્રંથસ્થ થયું છે. ‘બાતમી’(1998)માં કેટલાક સાહિત્યકારોની લીધેલી મુલાકાત-પ્રશ્નોત્તરીના ફલસ્વરૂપ રસપ્રદ લખાણો સંગૃહીત થયેલાં છે.

નાગરિક જીવનની વ્યસ્તતાની પડછે વ્યક્તિચેતનાને વેદનાનો સાક્ષાત્કાર શી રીતે થઈ રહ્યો છે તેનું સમ્યગ્ નિરૂપણ ધીરેન્દ્રની કવિતામાં થયું છે. ‘પવનના વેશમાં’(1995)માંની રચનાઓમાં આછોતરો રહસ્યવાદી પુટ પણ અછતો રહેતો નથી. એમણે ‘ભૂસકાની ઉજાણી’ (1986) નામક બાલકાવ્યસંગ્રહ પણ આપેલો છે.

આ ઉપરાંત એમણે ‘રણની આંખમાં દરિયો’ (1985) તથા ‘કાલઘટિકા’ (1996), ‘જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ’ (2000), ‘ગુજરાતી કવિતાચયન: 2000’ (2003) નામનાં સંપાદનોમાં આપેલ છે.

રમેશ ર. દવે