મહેતા, દિનકર (જ. 17 ઑક્ટોબર 1907, સૂરત; અ. 30 ઑગસ્ટ 1989, અમદાવાદ) : સ્વાતંત્ર્ય-સેનાની, જાણીતા સામ્યવાદી કાર્યકર અને અમદાવાદના નગરપતિ. પિતા કૃષ્ણલાલ મહેતા અને માતા વિજયાબહેન મહેતા. તેમણે શાલેય શિક્ષણ સૂરતમાં મેળવ્યું. આ સમય ભારતભરમાં અને વિશેષે ગુજરાતમાં ગાંધીવાદી પ્રવૃત્તિઓનો હતો, તેથી શાળાજીવન દરમિયાન માનસિક ઘડતર થવા સાથે રાષ્ટ્રીય ભાવનાનો પણ વિકાસ થયો. તેઓ 1920થી ગાંધીપ્રભાવ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. સર્વ વિદ્યાર્થીઓએ નક્કી કર્યા મુજબ પ્રથમ વાર તેઓ ગાંધી-ટોપી પહેરી વર્ગમાં ગયા. તે બદલ વર્ગશિક્ષક તરફથી શારીરિક શિક્ષા અને દંડ વેઠ્યાં. આ કાળ દરમિયાન તેમણે ગાંધી-સાહિત્યનું આછું-પાતળું વાચન કર્યું અને ‘દરિદ્રનારાયણ’ શબ્દ અને તેની ભાવના એમને પ્રબળપણે સ્પર્શી ગયાં. ધર્મભાવનાના સંસ્કાર મળ્યા તેનું સ્થાન પછી કૌટુંબિક વારસામાં માનવપ્રેમ લેવા લાગ્યો. ગરીબો પ્રત્યેની લાગણી, માનવપ્રેમ અને તે સાથેની ઊંડી નિસબતનાં બીજ આ કિશોરાવસ્થામાં રોપાયાં, જે તેમને પુખ્તવયે સામ્યવાદ તરફ લઈ ગયાં. આ ઘડતરકાળમાં ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરવાની તક મળે તેની રાહ જોવા લાગ્યા.
તેમણે પ્રારંભનું કૉલેજશિક્ષણ વિલ્સન કૉલેજ, મુંબઈમાં મેળવવા ત્યાં પ્રવેશ લીધો. ‘સાહિત્યસમાજ’ના મંત્રી તરીકે સર્વાનુમતે ચૂંટાયા, સંસ્કૃતની ‘જગન્નાથ શિષ્યવૃત્તિ’ મેળવી. અહીં તેમને વિવિધ પ્રાંતોના વિદ્યાર્થીઓનો સંપર્ક થયો. પરંતુ બીજા જ સત્રમાં એમ. ટી. બી. કૉલેજ, સૂરતમાં પ્રવેશ લઈ મુંબઈ છોડ્યું. પછી એક વર્ષ ચીખલી અનાવિલ છાત્રાલયમાં રહી અભ્યાસ કર્યો. અહીં પણ એક અસ્પૃશ્ય ગણાતી હરિજન છોકરીને મદદ કરી દરિદ્રો પ્રત્યેની પોતાની નિસબત અભિવ્યક્ત કરતા રહ્યા.
તેઓ જૂન 1926માં ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. અહીં તેમની વાચનપ્રવૃત્તિનો વ્યાપ વિસ્તર્યો અને તે સાથે સ્વાશ્રયના પાઠો પણ ભણ્યા. મનથી ગાંધીવાદી હોવા છતાં માર્કસ, લેનિન અને રશિયન ક્રાંતિની વિપુલ વાચનસામગ્રીનો અભ્યાસ કર્યો. માર્કસના ‘દાસ કૅપિટલ’થી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
1927માં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પૂર આવ્યું ત્યારે તેઓ આ રેલસંકટના રાહતકાર્યમાં જોડાયા. તેમણે 1928માં બારડોલી સત્યાગ્રહમાં ભાગ લઈ જેલયાત્રા કરવાનું પસંદ કર્યું, આ તેમની પ્રથમ જેલયાત્રા હતી. આ વર્ષે ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક બન્યા અને 1930માં ફરી જેલવાસ વેઠ્યો. 1928થી 1974 સુધીમાં વિવિધ નિમિત્તે તેમણે 20 વાર જેલ વેઠી.
તેઓ 1930 પછી આઝાદીની ગાંધી પ્રવૃત્તિઓની સાથોસાથ કામદાર પ્રવૃત્તિમાં પણ સક્રિય બન્યા. પ્રારંભે, હરિજન કામદારોનાં વર્તુળો ચલાવતા. 1934માં સૂરતની એક મિલમાં હડતાળ પડેલી ત્યારે તેમાં સીધો ભાગ લીધો. તેમણે 1929થી 1933 પ્રાધ્યાપક તરીકે પણ કામગીરી કરી હતી.
તેમણે 1935થી અમદાવાદને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને સામ્યવાદી પક્ષમાં જોડાયા. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને કામદાર પ્રવૃત્તિઓમાં ખૂંપી જવાનું પસંદ કર્યું. 1935થી 1940 તેમણે અખિલ ભારતીય કૉંગ્રેસ સમાજવાદી પક્ષના સંયુક્ત મંત્રી તરીકે ફરજો બજાવી. 1940થી 1942 સુધી રાષ્ટ્રીય અને સામ્યવાદી લડતના ભાગ રૂપે લગભગ અઢી વર્ષ સુધી ભૂગર્ભવાસ વેઠ્યો.
1943માં સામ્યવાદી મહિલા કાર્યકર નલિની મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. આમ છતાં તેમણે અન્ય સામ્યવાદીઓથી અલગ રીતે પોતાનું ઘર કે કુટુંબ ન વસાવ્યાં અને સમગ્ર જીવન દેશ, શ્રમજીવી જનતા તથા સામ્યવાદી પક્ષ માટે ખર્ચવાનો નિર્ધાર ફરી જાહેર કર્યો. ત્યારબાદ થોડાં વર્ષો જયપ્રકાશ નારાયણના સામાન્ય મંત્રી તરીકે કાર્ય કર્યું. ગુજરાતમાં સ્થપાયેલી મહાગુજરાત જનતા પરિષદમાં કામગીરી બજાવી અને 1957થી 1960 આ પરિષદના ઉપપ્રમુખ તરીકે કાર્ય કર્યું. 1958થી 1960 મુંબઈ વિધાનસભાના સભ્ય તરીકે કામગીરી કરી. 1964માં માર્કસવાદી સામ્યવાદી પક્ષમાં જોડાયા અને 1968 સુધી પક્ષની કેંદ્રીય સમિતિના સભ્ય રહ્યા. આ વર્ષો દરમિયાન 1966થી 1967 તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના નગરપતિ વરાયા. ઉપરાંત તેમણે માર્કસવાદી સામ્યવાદી પક્ષના ગુજરાત એકમના મંત્રી તરીકે પણ 1972 સુધી કામગીરી બજાવી અને શેષ વર્ષો સામ્યવાદી પક્ષને સમર્પિત કર્યાં.
તેઓ વાચનનો શોખ ધરાવતા હોવાથી કૉલેજકાળ દરમિયાન તેમણે આર્મસ્ટ્રૉંગના ‘એજ્યુકેશન ફૉર લાઇફ’નો અનુવાદ પ્રગટ કર્યો હતો. ત્યારબાદ જાહેર જીવન અને રાજકીય કારકિર્દી ધરાવવા છતાં ‘ધરાસણાનો કાળો કેર’ (1930–અંગ્રેજી અને ગુજરાતી) પુસ્તિકા પ્રકાશિત કરી. ‘હ્યૂમૅનિટી અપરૂટેડ’નો અનુવાદ ‘પલટાતું રશિયા’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યો હતો, જેમાં રશિયાના પરિવર્તનનો ચિતાર હતો.
તેમના સ્નેહીઓ અને શુભેચ્છકોએ તેમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે, લોકાયત જ્ઞાનકેંદ્ર ટ્રસ્ટની રચના કરી અને તે દ્વારા તેમની આઝાદીકાળ સુધીની આત્મકથા ‘પરિવર્તન’ (1968) પ્રગટ કરી હતી. 13 એપ્રિલ, 1975ના દિવસે તેમનાં પત્ની નલિનીબહેન મહેતાનું નિધન થયું. 70 વર્ષની જૈફ વયે, 1976માં સ્વાતંત્ર્યના લગભગ ત્રણ દાયકા બાદ ગામડાંઓની સાચી પરિસ્થિતિનો તાગ લેવા તેમણે 110 જેટલાં ગામોનો પ્રવાસ ખેડ્યો અને ‘પલટાતાં ગામડાં’ (1977) દ્વારા ગ્રામીણ જીવનની વાસ્તવિકતાની ઝાંખી કરાવી.
રક્ષા મ. વ્યાસ