મહેતા, ઝુબિન (જ. 29 એપ્રિલ 1936, મુંબઈ) : સુદીર્ઘ સંગીતરચના(symphony)ના વાદકવૃંદના વિશ્વખ્યાત સંગીતસંચાલક (conductor). પિતા મેહલી મહેતા વાયોલિનવાદક હતા. તેઓ બૉમ્બે સ્ટ્રિંગ ક્વૉર્ટેટ તથા બૉમ્બે સિમ્ફની ઑરકેસ્ટ્રાની સ્થાપનામાં અગ્રેસર હતા. શૈશવથી જ ઝુબિનનો પશ્ચિમી સંગીતના વાતાવરણમાં ઉછેર. 1954થી ’60 દરમિયાન ઑસ્ટ્રિયામાં વિયેના ખાતે હૅન્સ સ્વૅરોવ્સકી પાસે વાદકવૃંદના સંચાલનની તાલીમ. 1958માં લિવરપૂલ ઇન્ટરનૅશનલ કન્ડક્ટર્સ કૉમ્પિટિશનમાં પ્રથમ પારિતોષિકના વિજેતા. એક વર્ષ માટે રૉયલ લિવરપૂલ ફિલહાર્મૉનિકના સહ-સંગીત સંચાલક નિમાયા. હેક્ટર બાર્લિયૉઝ જેવા નામી ફ્રેંચ સંગીત-નિયોજકની રોમૅન્ટિક શૈલીની સંગીતરચનાઓને પરિણામે તેમને બહોળી અને ઝડપી પ્રસિદ્ધિ સાંપડી. વિશ્વભરમાં તેમણે અતિથિ-કલાકાર તરીકે કાર્યક્રમ આપ્યા.
1961થી ’67 મૉન્ટ્રિયલ સિમ્ફનીના સંગીત-દિગ્દર્શક. 1962થી લૉસ ઍંજેલસ ફિલહાર્મૉનિકમાં પણ એવી જ જવાબદારી સ્વીકારી.
1965માં ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન ઑપેરામાં સર્વપ્રથમ કાર્યક્રમ(debut)ની રજૂઆત. લંડનમાં સર્વપ્રથમ ઑપેરા કાર્યક્રમ થયો 1970માં. 1968માં ઇઝરાયલ ફિલહાર્મૉનિક ઑરકેસ્ટ્રાના આજીવન મુખ્ય સલાહકાર નિમાયા. 1978માં ન્યૂયૉર્ક ફિલહાર્મૉનિક ઑરકેસ્ટ્રાના સંગીત-દિગ્દર્શક તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
ઉત્તરકાલીન રોમૅન્ટિક પરંપરાના તેમજ પ્રારંભકાલીન આધુનિક સંગીતનિયોજકોમાં તેમને વિશેષ રસ છે. સંગીતબદ્ધ થયેલી તેમની રચનાઓ ખૂબ પ્રભાવક નીવડે છે. તેમના કાર્યક્રમની રજૂઆતમાં અભિરુચિની સૂક્ષ્મતા તેમ શિષ્ટોચિતતાના સ્થાને ભાવક-ચિત્તને આંજી દે તેવી ભપકાદાર સફાઈ પરત્વે વિશેષ ઝોક હોય છે એવો પણ એક મત છે.
મહેશ ચોકસી