મહેતા, જીવરાજ (ડૉ.) : (જ. 29 ઑગસ્ટ 1887, અમરેલી, ગુજરાત; અ. 7 નવેમ્બર 1978, મુંબઈ) : કુશળ તબીબ, સંનિષ્ઠ રાજનીતિજ્ઞ અને ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન. પિતા નારાયણ મહેતા. માતા ઝમકબહેન મહેતા. અંધ પિતામહીએ પણ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાવું પડે તેવી ગરીબીમાં તેમનો જન્મ થયો હતો. કિશોરાવસ્થા દરમિયાન અમરેલીના સિવિલ સર્જન ડૉ. એદલજી દાદાચાનજી જેવા પારસી તબીબની નિ:સ્વાર્થ સેવાથી તેઓ ભારે પ્રભાવિત હતા અને મનોમન તબીબી વ્યવસાય કરવાનો નિર્ધાર કરેલો. ફી-માફી, શિષ્યવૃત્તિ મેળવી અને વ્યક્તિગત રાહે ભણાવવાની કામગીરી કરી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. 1903માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. તબીબ બનવાનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા તેમણે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ગુણવત્તા, શિષ્યવૃત્તિ અને જ્ઞાતિના છાત્રાલયમાં રહી ‘લાયસન્સિયેટ ઈન મેડિસિન ઍન્ડ સર્જરી(L. M. & S.)’ની પરીક્ષા વિશેષ યોગ્યતા સાથે ઉત્તીર્ણ કરી. આ પરીક્ષામાં અસાધારણ બુદ્ધિપ્રતિભા દાખવતાં તેઓ વિશેષ માનના અધિકારી બન્યા. આ કૉલેજના સો વર્ષના ઇતિહાસમાં તેઓ એકમાત્ર એવી વ્યક્તિ હતા, જેમણે કુલ ઇનામોમાંથી 94 % ઇનામો મેળવ્યાં હતાં.
1909માં જમશેદજી નસરવાનજી ટાટા ફંડમાંથી આર્થિક મદદ તેમજ મુંબઈ યુનિવર્સિટીની ટ્રાવેલિંગ સ્કૉલરશિપ મેળવી વધુ અભ્યાસાર્થે તેઓ ઇંગ્લૅંડ ગયા. ત્યાં 1914માં એમ. ડી. થયા. આ પરીક્ષામાં સર્વોચ્ચ સ્થાન મેળવવા બદલ લંડન યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો. 1915માં કૉલેજ ઑવ્ ફિઝિશિયન્સમાંથી ઉચ્ચ કક્ષાના તબીબ બની તેઓ ભારત પાછા ફર્યા. ઇંગ્લૅન્ડના આ સાત વર્ષના વસવાટ દરમિયાન તબીબી અભ્યાસ સાથે ત્યાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લીધો; એટલું જ નહિ, પણ સરોજિની નાયડુ, મહમદઅલી ઝીણા વગેરેની સહાયથી લંડન ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના કરી, જે સંસ્થા ભારતીય વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડેલી. 1914માં ગાંધીજી તબીબી તપાસાર્થે લંડન ગયા ત્યારે વિદ્યાર્થી-સ્વરૂપે તેઓ ગાંધીજીને મળ્યા હતા. ગાંધીજી સાથેનો આ પ્રાથમિક પરિચય ઘણો વિકસ્યો અને તેઓ ગાંધીજીના અંગત તબીબ તરીકે વારંવાર સેવાઓ આપતા.
તેમણે ભારત પાછા ફરી તબીબી વ્યવસાય આરંભ્યો. શ્રેષ્ઠ કોટીના તબીબ તરીકે તેમની ખ્યાતિ બંધાતાં તેમને ધીકતી આવક થવા લાગી. 1916માં રતન ટાટા અને લેડી ટાટાની તબીબી સારસંભાળ લેવા તેમની સાથે ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો. પહેલા વિશ્વયુદ્ધનાં આ વર્ષોમાં તેમનું દરિયાઈ જહાજ ટૉર્પીડોનો ભોગ બન્યું; તેમ છતાં ટાટા દંપતીની અંગત કાળજી લેવાનું કામ તેઓ ચૂક્યા નહીં.
1919માં ભારત પાછા ફર્યા ત્યારે જલિયાંવાલા બાગની કત્લેઆમની ઘટના ઘટી હતી. આ ઘટના વિરુદ્ધના રાષ્ટ્રીય પ્રતિકારમાં જોડાવાનું કામ પિતાના અવસાનને કારણે તેમને મુલત્વી રાખવું પડ્યું. આ બનાવ અંગત રીતે તેમને માટે ભારે મોટો આઘાત હતો. તે પછી જલિયાંવાલા બાગની ઘટનાની તપાસ માટે રાષ્ટ્રીય કૉંગ્રેસે એક તપાસસમિતિ નીમેલી, જેમાં તેમણે સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપેલી. 1920માં તેઓ પોતે ક્ષયરોગનો ભોગ બનતાં સારવાર લેવા સ્વિટ્ઝર્લૅન્ડ ગયા. અહીં તેમને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે પરિચય થયો. સયાજીરાવે તેમની વડોદરા રાજ્યની તબીબી સેવામાં નિમણૂક કરી અને 3 વર્ષ સુધી તેમણે મહારાજાને અંગત તબીબ તરીકે સેવાઓ આપી. 1924માં તેઓ વડોદરાની સ્ટેટ જનરલ હૉસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી (ચીફ મેડિકલ ઑફિસર) નિમાયા. આ જ વર્ષે હંસાબહેન મહેતા સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા.
1925માં મુંબઈની શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના વડા અને પ્રખ્યાત કિંગ એડ્વર્ડ મેમૉરિયલ (K. E. M.) હૉસ્પિટલના ડીન નિમાયા. આ સંસ્થાઓમાં લગાતાર 17 વર્ષ સુધી સેવાઓ આપીને માનવતાવાદી તબીબ અને કુશળ વહીવટકાર તરીકે તેમણે આગવી પ્રતિભા ઊભી કરી. આ સેવા દરમિયાન તેમનાં પિતામહીનું તેઓ કૃતજ્ઞતાપૂર્વક વારંવાર સ્મરણ કરતા. ડૉ. જીવરાજ મહેતાની માનવ્યપૂર્ણ કારકિર્દીને બિરદાવતાં મુંબઈ સરકારે 1926માં તેમને ‘જસ્ટિસ ઑવ્ પીસ’ (જે. પી.) ઘોષિત કર્યા, જે બહુમાન 1930–32માં તેઓ મીઠાના સત્યાગ્રહમાં જોડાતાં સરકારે પાછું ખેંચી લીધું.
આ કાર્યોની વણજાર વચ્ચે દેશની ચિંતા પણ તેમને સતાવતી હતી. તેથી તેઓ ગાંધીજીના સત્યાગ્રહમાં ભાગ લેવા લાગ્યા અને 1932માં ગાંધીજી સાથે જેલયાત્રા કરી અને તે જ વર્ષે માતાની છાયા ગુમાવી. 1942માં કે. ઈ. એમ. હૉસ્પિટલના ડીન તરીકે નિવૃત્ત થયા તે સાથે ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા અને જેલયાત્રા સ્વીકારી.
1944માં તેઓ કામાણી ઉદ્યોગગૃહના નિયામક તરીકે નિમાયા. આ દરમિયાન 1930, ’43 અને ’45માં ઇન્ડિયન મેડિકલ કૉન્ફરન્સનું પ્રમુખ-સ્થાન શોભાવેલું. 1946થી ’48નાં વર્ષો દરમિયાન મુંબઈ રાજ્યની ધારાસભાના સભ્ય રહ્યા. 1947માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમણે આરોગ્યવિભાગમાં નિયામક તરીકે સેવાઓ આપી. 1948માં વડોદરા રાજ્યના ભારત સરકાર સાથેના જોડાણ અંગેની કામગીરી કરવા સરદાર વલ્લભભાઈ પટેલે તેમને દીવાન તરીકે નીમ્યા. 1949માં મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ વિભાગના અને 1952માં નાણાવિભાગના મંત્રી રહ્યા.
1960માં દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન સમયે તેઓ સહજ રીતે વિવિધ વર્તુળોમાંથી પસંદગી પામ્યા અને નવા સર્જાતા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વરાયા. આ નવા રાજ્યને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા અને વિકાસને પંથે લઈ જવા માટે તેમણે કેટલુંક પાયાનું કાર્ય કુશળતાપૂર્વક કર્યું. તેમણે અત્યંત પરિશ્રમપૂર્વક અને ચીવટ સાથે નવા રાજ્યના આર્થિક નુકસાનની વિગતસભર નોંધો તૈયાર કરી. તેને થતી ખોટ નિવારવા તબક્કાવાર પદ્ધતિએ રૂ. 40 કરોડની સહાય કેન્દ્ર સરકાર પાસેથી મેળવી. ગુજરાતના ભાવિ નકશાને લક્ષમાં લઈ ડાંગ જિલ્લો ગુજરાતમાં આવરી લેવામાં તથા ઉકાઈ બંધ માટે વિશાળ પટ મેળવવામાં તેમની કુશળ રાજનીતિજ્ઞ તરીકેની દૂરંદેશી જોવા મળે છે. ગુજરાત માટે જમીન ટોચમર્યાદા ધારો અને પંચાયતી રાજ્ય ધારો ઘડાવીને મજબૂત ગુજરાતનું ચણતર કર્યું. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના આંતરિક મતભેદોને કારણે 1963માં તેમણે મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી રાજીનામું આપ્યું. તે જ વર્ષે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને લંડન ખાતેના ભારતીય હાઇકમિશનર નીમ્યા. 1966માં આ હોદ્દા પરથી નિવૃત્ત થઈ, તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને સેવાઓ આપી. 1971ની સામાન્ય ચૂંટણીમાં અમરેલી મતવિસ્તારના સાંસદ તરીકે ચૂંટાયા. ઉત્તરાવસ્થામાં વતન અમરેલીની અનેક સંસ્થાઓને તેમણે માનાર્હ સેવાઓ આપી સમૃદ્ધ બનાવી હતી.
રક્ષા મ. વ્યાસ