મહેતા, ચંદ્રકાન્ત હરિશંકર (‘શશિન’) (જ. 6 ઑગસ્ટ 1939, સરખેજ, જિ. અમદાવાદ) : ગુજરાતી સાહિત્યકાર, પત્રકાર. વતન સરોડા. પિતા આખ્યાનકાર અને હિંદુ ધર્મના અભ્યાસી. માતા મણિબહેન. શિક્ષણ સરોડા તથા કેલિયાવાસણાની શાળાઓમાં તથા અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં. હિંદી વિષયમાં એમ. એ., પીએચ. ડી. તથા કાયદાશાસ્ત્રમાં એલ.એલબી. નવગુજરાત કૉલેજમાં હિંદીના પ્રાધ્યાપક તેમજ કૉલેજમાં મલ્ટિકૉર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના માનદ નિયામક નિમાયા. ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ જર્નાલિઝમમાં રીડર તેમજ અધ્યક્ષ રહ્યા. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ વરાયા. પછી અમદાવાદની સહજાનંદ કૉલેજના મલ્ટિકૉર્સ વિભાગના નિયામક તરીકે રહ્યા. બાદ હીરામણિ વિદ્યાસંકુલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. ધર્મ, સંસ્કૃતિ અને શિક્ષણવિષયક પ્રવચનો માટે તેમણે આફ્રિકા, ફ્રાન્સ, ઇંગ્લૅડ તેમજ સ્વિટ્ઝર્લૅન્ડનો પ્રવાસ કર્યો.
દૈનિક ‘સંદેશ’ની ‘હલ્લો યંગ ફ્રેન્ડ’ અને દૈનિક ‘ગુજરાત સમાચાર’ની ‘એક જ દે ચિનગારી’, ‘ગુફતેગો’, ‘પ્યારા-આકાશ’, ‘જિંદગીને ઝરૂખેથી’, ‘નારી તારાં નવલાં રૂપ’, ‘પંખી નીલગગનનાં’, ‘સ્વપ્નશિલ્પી’ જેવા કટારલેખોના સંગ્રહો તેમણે આપ્યા છે. 1973થી આજ સુધી તેમણે ખેડેલાં સાહિત્યસ્વરૂપોમાં કાવ્ય, જીવનચરિત્ર, વાર્તા, બાળસાહિત્ય અને સવિશેષ ચિંતનાત્મક નિબંધો છે. સાથે સાથે તેમણે હિંદીમાં ‘અનકહા દર્દ’, ‘કહાં રુકા હૈ કાફિલા’, ‘આસમાન મૈં આ રહા હૂં’ જેવાં પુસ્તકો લખ્યાં છે. ‘ધીરે વહે છે ગીત’ (1973) તેમનો પ્રથમ ગઝલ અને ગીતનો કાવ્યસંગ્રહ છે. તેમણે કવિતા, લગ્નગીતો, લોકગીતો, પ્રાર્થના-ભજનો વગેરેનું સંપાદન પણ કર્યું છે. ‘ડૉ. આંબેડકર’, ‘સ્વાતંત્ર્યસેનાની યોગાનંદ’ ચરિત્રપુસ્તિકાઓ, ‘ભીતર ટહુકે મોર’, ‘મન મધુવન’ અને ‘સ્વપ્નલોક’ વગેરે વાર્તાસંગ્રહો, ‘પ્રકાશદીપ’, ‘મારો તડકો મને પાછો આપ’, ‘હું ક્ષણિક, તું ચિરંતન’ જેવા ચિંતનાત્મક નિબંધસંગ્રહો ઉપરાંત ‘આયાસ અને ઉપલબ્ધિ’ જેવા શોધનિબંધો પણ તેમણે આપ્યા છે ‘થોડુંક આકાશ થોડી ધરા’(2001)ના 51 ચિંતનભીના નિબંધોમાં તેમની ઉચ્ચ જીવનભાવના પ્રગટ થાય છે.
‘લોકકવિ મીર મુરાદ’ (1979) એમનો સિંધના મુસ્લિમ સંત અને કવિ મુરાદનાં જીવન-કવનના અભ્યાસનો ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ શોધનિબંધમાં મુરાદવાણી તરીકે ઉમેરાઈ છે.
પત્રકાર તરીકે લોકશિક્ષણનું કામ કરતાં કરતાં પ્રૌઢશિક્ષણ અને સમાજશિક્ષણની યશસ્વી કામગીરી પણ તેમણે બજાવી છે. ‘સંસ્કૃતિ પુરસ્કાર’ (1992), ‘રાજભાષા સંમાન પુરસ્કાર’ (1996) અને ‘સૌહાર્દ ઍવૉર્ડ’ (1999) વગેરેથી તેમને સંમાનિત કરવામાં આવ્યા છે.
પ્રવીણચંદ્ર પરીખ