મહેતા, ચંદ્રકાન્ત હરિપ્રસાદ (જ. 11 નવેમ્બર 1911, ઓલપાડ, જિ. સૂરત) : ગુજરાતી વિવેચક, અનુવાદક. વતન સરસ (જિ. સૂરત). ઈ.સ. 1931માં મૅટ્રિક થયા પછી 1935માં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે બી. એ. 1937માં ગુજરાતી વિષય સાથે એમ.એ. ત્યારબાદ પીએચ.ડી. 1937થી ’45 સુધી મુંબઈની ખાલસા કૉલેજમાં અને 1946થી ’61 સુધી ભવન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. 1961થી 1977 સુધી દિલ્હી યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક. ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના 1978માં મળેલા 29મા અધિવેશનના અધ્યક્ષ.
પીએચ.ડી. માટેના મહાનિબંધ ‘મધ્યકાળના સાહિત્ય-પ્રકારો’(1955)માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મહત્વના સાહિત્યપ્રકારોની તેમણે સ્વરૂપ અને વિકાસના સંદર્ભમાં ચર્ચા કરી છે. ‘કથાવિશેષ’(1970)માં ક. મા. મુનશી અને શિવકુમાર જોષીની નવલકથાઓનું વિવેચન સાંપડે છે, તો ‘કવિતાની રમ્ય કેડી’(1971)માં મધ્યકાલીન અને અર્વાચીન કવિઓની કવિતા વિશેના અભ્યાસલેખો પ્રાપ્ત થાય છે. ‘અનુરણન’(1973)માં ડૉ. મહેતાએ મુખ્યત્વે ગાંધીયુગના સાહિત્યની વિવેચના કરી છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી અંતર્ગત તેમણે ‘કાકા કાલેલકર’ (1980) પર લઘુગ્રંથ આપ્યો છે. ‘કલાપીની કવિતા’, ‘મધ્યકાલીન સાહિત્યસ્વરૂપો’ (1966), ‘આશાપૂર્ણાદેવી’, ‘આનંદશંકર ધ્રુવ’ (1978), ‘તારાશંકર બંદોપાધ્યાય’ વગેરે એમણે લખેલી પરિચયપુસ્તિકાઓ છે. ‘1996નું ગ્રંથસ્થ વાઙમય’માં તેમની વાર્ષિક ગ્રંથસમીક્ષા સાંપડે છે. આ પુસ્તકોમાં ડૉ. મહેતાનું મહદંશે સમભાવશીલ અને આસ્વાદમૂલક વિવેચન પ્રાપ્ત થાય છે.
‘સહજાનંદજી’ (1947) ચરિત્રપુસ્તક છે. તેમણે આ ઉપરાંત ‘સંતુલન’, ‘ગુજરાતી, મરાઠી, બંગાળી અને હિન્દી નવલકથામાં સ્વાતંત્ર્યસંગ્રામ’, ‘બાહ્યાન્તરયાત્રા’, ‘હિન્દ છોડો લડત’, વગેરે પુસ્તકો પણ આપ્યાં છે. ‘સ્વાતંત્ર્યોત્તર કવિતા’નું સંપાદન પણ તેમની પાસેથી પ્રાપ્ત થયું છે. ‘ચિન્તનપરાગ’ નામનું બીજું એક સંપાદન તેમણે ડૉ. કેતકી બલસારા સાથે કર્યું છે.
ડૉ. મહેતાએ અનુવાદક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે. બંગાળીમાંથી તેમણે કરેલા અનુવાદો વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલકથા ‘આરણ્યક’, ‘ગુરુદેવ ટાગોરનાં ચાર એકાંકી’, ‘આશાપૂર્ણાદેવીની વાર્તાઓ’, ‘મહાશ્ર્વેતાદેવીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘બનફૂલની ફોરમ’ આશાપૂર્ણાદેવીકૃત લઘુનવલ ‘વિપથ’ નોંધપાત્ર છે. આ ઉપરાંત તેમણે ‘પ્રિય બાંધવી’, ‘યમુના’, ‘અજવાળી વાટે’, ‘મરજીવા’, ‘બાબલો’, ‘નાગિનીકન્યા’, ‘કિતુ ગોવાળની ગલી’, ‘મહાપ્રસ્થાનને પંથે’, ‘એક છોકરી લતા’, ‘નીલકંઠ પંખીની શોધમાં’, ‘સત્ય-અસત્ય’, ‘ઈશ્વરનો પ્રવેશ’, ‘સતી’, ‘જીવન-સ્વાદ’, ‘આત્મપ્રકાશ’, ‘અમાપ પ્રકાશ’, ‘બે વળાંક’, ‘ફેરડે’, ‘વસમી વેળા’ વગેરે કૃતિઓ પણ બંગાળીમાંથી અનૂદિત કરી છે.
ડૉ. નગેન્દ્રકૃત ‘રસસિદ્ધાંત’ (1969) અને ભગવતીચરણ વર્માકૃત ‘ભૂલેબિસરે ચિત્ર’(1970)ના અનુવાદ ડૉ. મહેતાએ હિન્દીમાંથી કર્યા છે. આ ઉપરાંત હિન્દીમાંથી ગુજરાતીમાં તેમણે ‘તમિળ સંસ્કૃતિ’, ‘સહસ્રફેણ’, ‘જવાબદાર કોણ ?’, ‘ભીમા જોધા’, ‘કાકા કાલેલકર’, ‘સુબ્રહ્મણ્ય ભારતી’, ‘મિર્ઝા ગાલિબ’, ‘આઝાદીનાં સત્તર કદમ’ વગેરે પુસ્તકો પણ અનૂદિત કર્યાં છે.
ડૉ. મહેતાએ ‘વિવિધતામાં એકતા’, ‘સત્યમ્, શિવમ્, સુન્દરમ્’ ભાગ 1-2, ‘બાપુ’ 1-2, ‘ઑગસ્ટ-ક્રાંતિ’, ‘જલિયાંવાલા બાગ’ વગેરે પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનૂદિત કર્યાં છે. ‘ભારતીય દર્શન’ તેમણે મરાઠીમાંથી ગુજરાતીમાં અનૂદિત કર્યું છે.
ડૉ. મહેતાએ ‘Selected Speeches of Morarji Desai’ અને ‘Nonviolence in Zoroastrian Religion’ નામક બે પુસ્તકો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને ‘સાત પદચાપ’ નામક પુસ્તક અંગ્રેજીમાંથી બંગાળીમાં અનૂદિત કર્યું છે.
આ રીતે અનુવાદક્ષેત્રે ડૉ. મહેતાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાહિત્ય અકાદમી, દિલ્હીનો 1996નો અનુવાદ પુરસ્કાર તેમને પ્રદાન થયો હતો. તેમના મોટાભાગના અનુવાદો પ્રાસાદિક અને સહજ છે.
ડૉ. મહેતાએ ‘શરદ્ચન્દ્ર ઓ ગુજરાતી સાહિત્ય’ નામક એક પુસ્તક બંગાળીમાં પણ લખ્યું છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ