મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ (જ. 1886, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 18 ફેબ્રુઆરી 1982, મુંબઈ) : સૂરત જિલ્લાના લોકપ્રિય આગેવાન, સ્વાતંત્ર્યસેનાની, દેશભક્ત, સમાજસુધારક. વાંઝ ગામે અભ્યાસ કરીને ત્યાં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા. બંગભંગની ચળવળ (1905) વખતથી તેઓ દેશસેવા કરવા લાગ્યા અને સ્વદેશી પ્રચારનું કાર્ય શરૂ કર્યું. 1907માં સૂરતમાં ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં હાજર રહીને, લોકમાન્ય ટિળક અને અરવિંદ ઘોષનાં ભાષણો સાંભળીને તેઓ દેશસેવા કરવા પ્રોત્સાહિત થયા. બીજે વર્ષે ટિળકને રાજદ્રોહના આરોપ હેઠળ છ વર્ષની સજા થઈ તેનો વિરોધ કરવા તેમણે વાંઝમાં સભા ભરીને ભાષણ કર્યું. શિક્ષણખાતાના અધિકારીઓ તે સહન કરી શક્યા નહિ અને તેમની બદલી બારડોલી તાલુકાના વરાડ ગામે કરી. ત્યાં તેમણે દેશભક્તિનાં ગીતો ગવરાવવાં, સ્વદેશી વસ્ત્રો પહેરવાનો પ્રચાર વગેરે પ્રવૃત્તિઓ કરી. તેથી તેમની બદલી સુંવાળી ગામે કરવામાં આવી. પરિણામે તેમણે નોકરી છોડીને જાહેર સેવામાં ઝંપલાવ્યું.
તેમણે પોતાની પટેલ જ્ઞાતિમાં સુધારા કરવાના હેતુથી ‘પટેલબંધુ’ નામનું માસિક શરૂ કર્યું. 1911માં સૂરતમાં પાટીદાર આશ્રમ(વલ્લભ વિદ્યાર્થી આશ્રમ)ની સ્થાપના કરી હતી. તેમણે પાટીદારોની ત્રણ પરિષદો પણ ભરી હતી. પાછળથી આ વિદ્યાર્થી આશ્રમ સત્યાગ્રહની વિવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયો હતો. પાટીદાર આશ્રમના ફાળા માટે તેમણે આફ્રિકાનો તથા પછી રંગૂનનો પ્રવાસ પણ કર્યો હતો. સૂરતમાં સ્વદેશી કાપડ, સ્ટેશનરી અને પુસ્તકોની દુકાન શરૂ કરી હતી. તેમણે ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને 1922માં અસહકારની ચળવળ દરમિયાન બારડોલી તાલુકાના ખેડૂતોને નાકરની લડત માટે તૈયાર કર્યા હતા; પરંતુ ચૌરીચૌરા(ઉત્તર પ્રદેશ)માં હિંસા થવાથી એ લડત મુલતવી રાખવામાં આવેલી. બારડોલી તાલુકાનું મહેસૂલ ખોટી રીતે વધારવામાં આવ્યું ત્યારે વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ 1928માં સત્યાગ્રહ શરૂ કરાવી તેની સફળતા પર્યંત તેમણે મહત્વની કામગીરી બજાવી હતી.
સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન (1930) પાટીદાર આશ્રમ જપ્ત કરી, તેમની તથા તેમના ભાઈઓની મિલકતો જપ્ત કરવામાં આવી. તેમની સૂચના મુજબ બારડોલી તાલુકાના હજારો ખેડૂતોએ હિજરત કરીને દેશની આઝાદી માટે અનેક દુ:ખો વેઠ્યાં. સરકારને થાપ આપવાની, ગુપ્તવાસ સેવવાની તથા મહેસૂલ ન ભરવા વાસ્તે વિવિધ યુક્તિઓ અજમાવવાની તેમની ચતુરાઈ અદ્વિતીય હતી. સૂરતની રાષ્ટ્રીય શાળાઓના સંચાલનમાં સુધરાઈને રાષ્ટ્રીય રંગે રંગવામાં તેમની સેવાઓ નોંધપાત્ર હતી. રાષ્ટ્રીય લડતોમાં સરદાર પટેલના તેઓ નિકટના સાથી રહ્યા હતા.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ તેમણે કોઈ હોદ્દાની ઇચ્છા રાખી નહિ અને નિ:સ્વાર્થ સેવા કરતા રહ્યા. છેલ્લાં વરસોમાં તેઓ મુંબઈમાં સ્થાયી થયા. ત્યાં તેમણે યથાશક્તિ લોકસેવા ચાલુ રાખી અને મલાડની નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા. કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તેનું નિવારણ શોધવાની એમની પાસે કોઠાસૂઝ હતી. હાથમાં લીધેલું કામ પાર પાડવાની એમની તમન્ના અનન્ય હતી. જાહેર કાર્યનો પ્રત્યક્ષ અનુભવ લેવા મોરારજી દેસાઈ તેમની પાસે રહ્યા હતા.
જયકુમાર ર. શુક્લ