મહેતા, અશોક (જ. 24 ઑક્ટોબર 1911, ભાવનગર; અ. 1984) : ભારતીય સમાજવાદી ચિંતક અને અગ્રણી રાજકીય નેતા.
ભારતીય રાજકારણના બુદ્ધિજીવી રાજપુરુષોમાં અશોક મહેતાનું સ્થાન અતિ મહત્વનું છે. તેમનો જન્મ અગ્રણી સાહિત્યકાર રણજિતરામ વાવાભાઈ મહેતાને ઘેર થયેલો. માતા શાંતિગૌરીની ઊંડી ધર્મશ્રદ્ધાના સંસ્કાર તેમને બાળપણમાં મળ્યા હતા. તેથી જ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીના વિચારોથી તેઓ આકર્ષાયા હતા. આ મહાનુભાવોના ચિંતનના પ્રભાવે અશોક મહેતાએ પણ અંગત-જીવનને ગૌણ ગણી, બ્રહ્મચર્યનું વ્રત લઈ રાષ્ટ્રના ઉત્થાન માટે આજીવન કામ કર્યું. યુવાનીમાં તેઓ કાર્લ માર્કસના વિચારોથી પ્રભાવિત થતાં સમાજવાદી ચળવળમાં જોડાયા હતા; આમ છતાં આ બંને વિચારપ્રવાહોની અસર તેમના ચિંતન ઉપર છવાયેલી રહી. તેમણે ભારતની આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યાઓના ઉકેલ માટેની ર્દષ્ટિ પણ ભારતીય હોવી જોઈએ એવો આગ્રહ સેવ્યો.
તેમણે અર્થશાસ્ત્રનો વિષય લઈ મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ.ની અને મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવીઓ લીધી. ત્યારબાદ અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે અધ્યાપન કાર્ય કર્યું. 1932માં તેઓ ભારતની સવિનય કાનૂન ભંગની લડતમાં જોડાયા. જેલવાસના દિવસો દરમિયાન તેઓ શ્રી જયપ્રકાશ નારાયણ અને અચ્યુત પટવર્ધન જેવા કૉંગ્રેસના સમાજવાદી જૂથના નેતાઓની નિકટ આવ્યા. 1934થી 1939 દરમિયાન તેમણે ‘કૉંગ્રેસ સોશ્યાલિસ્ટ વિકલી’નું સંપાદન કર્યું.
સ્વતંત્ર ભારતમાં સમાજવાદી પક્ષની સ્થાપનામાં અને તેના પ્રચાર-પ્રસારમાં તેમની ભૂમિકા પ્રભાવશાળી રહી. સમાજવાદી વિચારોના પ્રચાર માટે આ દિવસોમાં તેમણે યુરોપના દેશોનો પ્રવાસ પણ કરેલો. હિંદ મજદૂર સભાના સ્થાપક સભ્ય તરીકે મજદૂર ચળવળમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું. પરંતુ આ સાથે સાચું ભારત ગામડાંમાં રહેલું છે તેવી ગાંધીજીની શ્રદ્ધા પણ તેઓ ભૂલ્યા ન હતા. તેથી જ ખેડૂતોના પ્રશ્નો માટે પણ તેમણે આંદોલનોની આગેવાની લીધી હતી. તેના લીધે સ્વતંત્રતા બાદ પણ તેમણે એક વર્ષની જેલ ભોગવી હતી.
1954માં કૉંગ્રેસે સમાજવાદી કાર્યક્રમ સ્વીકાર્યા પછી, પ્રજાસમાજવાદી પક્ષની અલગ ભૂમિકા ન જણાતાં તેઓ કૉંગ્રેસ અને વડાપ્રધાન જવાહરલાલ નેહરુની નિકટ આવ્યા. તેમણે ભારત આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે અને કૅબિનેટ મંત્રી તરીકે કેટલોક સમય કામગીરી બજાવી. બે વાર સંસદસભ્ય તરીકે ચૂંટાઈને ભારતની સંસદીય પ્રથાના વિકાસમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી.
1974માં ગુજરાતના નવનિર્માણના આંદોલન અને 1975થી 1977ની દેશમાં લદાયેલી આંતરિક કટોકટીને લીધે તેઓ પુન:કૉંગ્રેસથી દૂર ગયા. 1977થી 1979ના જનતા સરકારના શાસન દરમિયાન પંચાયતી રાજના અભ્યાસ માટેની રાષ્ટ્રીય સ્તરની સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે સેવા આપી. આ અભ્યાસ-સમિતિનો અહેવાલ પંચાયતી રાજના ક્ષેત્રે દૂરગામી પરિવર્તન લાવી શકે તેવો અગત્યનો હતો. પરંતુ 1980માં શ્રીમતી ઇંદિરા ગાંધીની કૉંગ્રેસ સરકાર સત્તા ઉપર આવતાં રાજકારણને લીધે પંચાયતી રાજ અંગેના અગત્યના અહેવાલનો અમલ થયો નહિ. કર્ણાટકમાં શ્રી રામકૃષ્ણ હેગડે, આંધ્રમાં શ્રી એન. ટી. રામારાવ અને પ. બંગાળમાં શ્રી જ્યોતિ બસુની રાજ્ય સરકારોએ અશોક મહેતા સમિતિના અહેવાલને ધ્યાનમાં લઈને પોતાનાં રાજ્યોમાં પંચાયતી રાજને લગતા અગત્યના સુધારા કર્યા હતા. 1980માં નવસારી સૂરતની સંસદની બેઠકની ચૂંટણી અશોક મહેતા શ્રી મોરારજી દેસાઈના આગ્રહથી લડેલા. પરંતુ જનતા સરકારના ભાગીદાર પક્ષોના અંદરોઅંદરના કુસંપને લીધે પક્ષની બગડેલી છાપ તેમના પરાજય માટેનું મહત્વનું કારણ બની હતી.
આર્થિક સંશોધનો અને જાહેર વહીવટમાં ઊંડો રસ અને તેનું લેખનકાર્ય તથા વૈશ્વિક બાબતો સાથે સંકળાયેલી ઘણી સંસ્થાઓના સક્રિય સભ્ય, ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ તરીકે તેમણે શ્રેષ્ઠ કામગીરી બજાવેલી. આમ છતાં અંગત લાભ લેવાની વૃત્તિનો અભાવ, વ્યક્તિગત મહેચ્છા કરતાં રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપવાનું વલણ અને વ્યવહારુ રાજકારણને બદલે અભ્યાસનિષ્ઠ ભાવનાત્મક ર્દષ્ટિના આગ્રહને લીધે તેઓ આમ જનસમુદાયમાં થવા જોઈએ તેવા લોકપ્રિય ન થઈ શક્યા. તેમની ત્યાગવૃત્તિ, ઉમદા સ્વભાવ અને અનન્ય રાષ્ટ્રભક્તિ માટે ગુજરાત અને ભારતભરના જાહેરજીવનમાં તેમનું નામકામ સ્મરણીય બની રહ્યું છે.
ગજેન્દ્ર શુક્લ