મહાસ્તંભ : વિજયનગર-શૈલીનાં મંદિરોમાં વિશાળ પથ્થરોને કોરીને કરવામાં આવેલા ભવ્ય કલાત્મક સ્તંભ. આમાં મંદિરની મધ્યમાં એક સ્તંભ અને ફરતી નાની સ્તંભાવલિઓ પર દેવી-દેવતા, મનુષ્ય, પશુ તેમજ મનુષ્ય-પશુનાં મિશ્ર વ્યાલ શિલ્પો તેમજ યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેનાં જીવંત અને સુંદર શિલ્પો કંડારેલાં હોય છે.

મહાસ્તંભ

આ શિલ્પો સાધારણ રીતે સ્તંભની કુંભી અને દંડના નીચેના અર્ધ ભાગને આવરી લેતાં જોવામાં આવે છે. આ પ્રકારના શિલ્પ-સમૃદ્ધ વિશાળ મહાસ્તંભો વિજયનગર, કુંભકોણમ્, શ્રીરંગમ્ અને મદુરાનાં મંદિરોમાં છે.

પ્રવીણચંદ્ર પરીખ