મહાવર્તુળ માર્ગ (great circle route) : પૃથ્વીના ગોળા પરનાં બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું (સૌથી નાનું) અંતર. આ અંતર, જે સપાટી (plane) પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થાય તેમાં સમાવાય છે. આ હકીકતનો ખ્યાલ ગણિતજ્ઞોને કોલંબસના સમય પહેલાંથી હતો; પરંતુ અઢારમી સદી પછી પૃથ્વી પરની આડી રેખાઓ, હવાઓના પ્રવાહો વગેરેની જાણકારી વધી એટલે મહાવર્તુળ તેમજ મહાવર્તુળ દરિયાઈ મુસાફરી (લંબાઈ) અંગેની ઇંતેજારી વધી. ઓગણીસમી સદીમાં દરિયાઈ જહાજોમાં વિકાસ થતાં દરિયાઈ મોજાં અને જોરદાર પવનની વિપરીત અસરમાંથી જહાજો મુક્ત થયાં અને વધુ ચોકસાઈ સાથે, ભૌમિતિક રીતે નક્કી કરેલ માર્ગ પર તેમની મુસાફરી શક્ય બની.
મહાવર્તુળ માર્ગના નામાભિધાનમાં સમયાંતરે ફેરફાર કરાય તોપણ આ વર્તુળમાર્ગો, વિષુવવૃત્તથી ઉપર આવેલાં લાંબા અંતરનાં સ્થાનો માટે ખૂબ મહત્વ ધરાવે છે. ખાસ કરીને હવાઈ જહાજો લાંબા અંતરનાં સ્થળો માટે મહાવર્તુળ માર્ગ પ્રમાણે ગતિચલન કરે તો સમય અને ઊર્જામાં ઘણો બચાવ કરી શકે.
કેન્દ્રક ધ્રુવીય ખમધ્ય પ્રક્ષેપો(gnomonic polar zenithal projection)નો આધાર લઈ સાદા (સપાટ) કાગળ પર મહાવર્તુળ માર્ગોનું આલેખન તૈયાર થાય છે અને લાંબી દરિયાઈ અને હવાઈ મુસાફરી માટે ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી થઈ શકે છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ