મહારાજ લાયબલ કેસ (ઈ. સ. 1861) : વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો અભૂતપૂર્વ બદનક્ષીનો મુકદ્દમો. આ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીઓનાં વહેમ તથા અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર પણ કરતા. આ રીત સત્તરમા સૈકાથી ચાલી આવતી અને ઓગણીસમા સૈકામાં ચાલુ રહી હતી. કરસનદાસ મૂળજી (1832–1871) વલ્લભ સંપ્રદાય પાળતા કુટુંબમાં જન્મેલા સમાજ-સુધારક અને મુંબઈ બુદ્ધિવર્ધક હિંદુ સભાના સક્રિય કાર્યકર હતા. તેઓ ધર્માચાર્યોની અનીતિના ભારે વિરોધી હતા. તેઓ ‘સત્યપ્રકાશ’ નામનું સામયિક ચલાવતા હતા. તેમાં તેમણે વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓને ઉઘાડા પાડવા માંડ્યા. તેમણે તેમના લેખો ‘ગુલામી ખત’, ‘મહારાજોનો જુલમ’, ‘મહારાજોના મંદિરમાં ઝાપટનો માર’, ‘મહારાજના મંદિરમાં અનીતિ’, ‘મહારાજોનો લોભ’, ‘વાણિયા મહાજનની હાલત’, ‘મહારાજોના લાગા’ વગેરે શીર્ષકોથી પ્રસિદ્ધ કર્યા. ઉપર દર્શાવેલા લેખોમાં તેમણે સખત આક્રોશ વ્યક્ત કર્યો. ‘મહારાજોનો જુલમ’ નામના લેખમાં કરસનદાસે લખ્યું :
‘…………છેલબટાઉ જુવાન ચીમનજી મહારાજે જુલમનો એક નવો રસ્તો થોડાએક દિવસ થયાં શોધી કાઢ્યો છે. એ મહારાજ……….. એક મહેલ બંધાવવા ધારે છે. એ બંધાવવાનો ખર્ચ પેદા કરવાનો એ મહારાજે એક સહેલો ઉપાય શોધી કાઢ્યો છે…………. ગયા રવિવારે એ મહારાજે પોતાને ત્યાં આવેલા વૈષ્ણવોને બંદીવાનની પેઠે બેસાડી રાખ્યા હતા. આમ બેસાડવાનો સબબ એટલો જ કે પેલા ગરીબ વૈષ્ણવોને ડુબાડીને પોતાને વાસ્તે મહેલ બંધાવવા સારુ ઊભી કરેલી ટીપમાં નાણું ભરાવવું. તેઓએ મહારાજોને મનગમતી રકમ ભરવાને આનાકાની કરી તેથી મહારાજે આખો દહાડો તેઓને ભૂખ્યા-તરસ્યા બેસાડી રાખ્યા અને જ્યાં સુધી માગેલી રકમ ન ભરી ત્યાં સુધી તેઓને ઊઠવા દીધા નહિ’……. શું જુલમની વાત ! ! વાંચનાર ભાઈઓ, તમારી દોલત આવી રીતે લૂંટી લેવામાં આવે તો તેથી તમને ક્રોધ નહિ ચડે ? અફસોસ ! અફસોસ ! ………..’ આવાં તીખાં લખાણો વૈષ્ણવ મહારાજો જીરવી ન શક્યા. તેથી તેમણે કરસનદાસની કપોળ જ્ઞાતિના પંચ સાથે ગુપ્ત મસલતો કરીને તેમને નાત બહાર કરાવ્યા. આવા સંજોગોમાં સૂરતની ગાદીના મહારાજ જદુનાથજી બ્રિજરત્નજી 1860માં મુંબઈ ગયા. તેમણે કવિ નર્મદ અને કરસનદાસ સહિત બધા સુધારકોને નાસ્તિક જાહેર કર્યા. તેમાંથી વૈમનસ્ય પેદા થયું. કરસનદાસે આ સમયે તેમનો ઇતિહાસપ્રસિદ્ધ લેખ ‘હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ લખ્યો. આ લેખમાં તેમણે મહારાજોની પાપલીલાઓ જાહેર કરી. તેથી જદુનાથજીએ કરસનદાસ સામે રૂ. પચાસ હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. તે ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે જાણીતો થયો. તેમાંથી ‘ભાટિયા કાસ્પિરસી કેસ’ 1861માં થયો. મહારાજોએ તેમના ભાટિયા અનુયાયીઓ ઉપર એવું દબાણ લાદ્યું હતું કે જે કોઈ ભાટિયા સ્ત્રી કે પુરુષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તેને ન્યાત બહાર કરવામાં આવશે. આથી કરસનદાસે મહારાજો સામે અદાલતમાં ફરિયાદ કરી કે તેમણે જ્ઞાતિપંચ દ્વારા પુરાવાઓ દબાવવાની અને ન્યાયમાં રુકાવટ લાવવાની રમત કરી હતી. આ કેસનો ચુકાદો 12 ડિસેમ્બર 1861ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો. તેમાં મહારાજો અને તેમના ભાટિયા અનુયાયીઓને ગુનેગાર ઠરાવીને દંડ કર્યો.
મહારાજ લાયબલ કેસ 25 જાન્યુઆરી 1862ના રોજ શરૂ થયો. આ કેસ દરમિયાન કરસનદાસ ઉપર તેમના દુશ્મનોએ હુમલા કર્યા હતા. કેસ ચાલે ત્યારે અદાલતમાં ખૂબ ભીડ જામતી. મુંબઈ ઇલાકાનાં લગભગ બધાં અખબારો તેના સમાચાર પ્રગટ કરતાં. મહારાજો કેવી રીતે વ્યભિચાર કરતા તેની વિગતો જાહેર થઈ. ભાટિયા અને વાણિયા જ્ઞાતિના તેમના સેવકો તેમના પગની રજકણ ચાટતા, પાણીથી ખરડાયેલા તેમના ધોતિયાને નિચોવીને પાણી પી જતા, તેમનું છાંડેલું અન્ન આરોગતા, તેમનાં ચાવેલાં પાનસોપારી ખાતા, આતુરતાપૂર્વક તેમના કુટુંબની કન્યાઓ અને સ્ત્રીઓ સંભોગ માટે તેમને સોંપતા. તે તમામ વિગતો પુરાવા સાથે અદાલતમાં પ્રકાશમાં આવી. એક સાક્ષીની જુબાની અનુસાર, ‘રાસમંડળી’ તરીકે જાણીતી બનેલી મહારાજો અને સ્ત્રીઓ વચ્ચેની રતિક્રીડાનાં દર્શન કરવા માટે તો ભાવિકોએ મોટી રકમ આપવી પડતી. આ અંગે કરસનદાસે ‘સત્યપ્રકાશ’માં તેમનો પ્રકોપ અને વેદના ઠાલવ્યાં હતાં. મહારાજો તેમની અનુયાયી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા તેનો પુરાવો પણ અદાલતમાં રજૂ થયો. મુંબઈના બે જાણીતા ડૉક્ટરો ભાઉ દાજી અને ધીરજરામ દલપતરામે એવી જુબાની આપી કે જદુનાથજી મહારાજ પરમિયા(સિફિલિસ)ના રોગથી પીડાતા હતા. વ્યભિચાર ઉપરાંત તેઓ તેમના હજારો અનુયાયીઓ પાસેથી ‘લાગા’ના સ્વરૂપમાં ધન પડાવી લેતા અને મંદિરોને તેમની અંગત મિલકત ગણતા હતા. મહારાજ લાયબલ કેસ વખતે તેમણે મંદિરો બંધ કરી દઈને અનેક લોકોને સંતાપ્યા હતા. આ કેસનો ચુકાદો 22 એપ્રિલ 1862ના રોજ આપવામાં આવ્યો. તેમાં કરસનદાસ નિર્દોષ સાબિત થયા. આ કેસ લડવામાં તેમને રૂ. 13,000/-નો ખર્ચ થયો હતો. અદાલતે જદુનાથજી પાસેથી તેમને રૂ. 11,500/- અપાવ્યા.
આ કેસે મુંબઈ ઇલાકાના લોકોમાં નવજાગૃતિ આણવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. કેસ ચાલતો હતો તે દરમિયાન જદુનાથજી મહારાજે કૉર્ટને એવી અરજી કરી હતી કે તેઓ લાખો લોકોના ધાર્મિક અને આધ્યાત્મિક વડા હોઈ તેમને અદાલતમાં જુબાની આપવા માટે ફરજ પાડવામાં ન આવે. પરંતુ ન્યાયાધીશે ઓગણીસમા સૈકાના મધ્યભાગમાં ધર્મગુરુની વિશિષ્ટાધિકારોની આવી માગણીને ઉવેખી, તે એક અભૂતપૂર્વ ઘટના હતી. આ કેસે એવું પ્રતિપાદિત કર્યું કે જે નીતિમત્તાની વિરુદ્ધ હોય તે ધાર્મિક રીતે સ્વીકારી શકાય નહિ. આ કેસે નવાં બૌદ્ધિક મૂલ્યોનું સર્જન કરીને સમાજ-સુધારકોમાં પરિવર્તન માટેની નૂતન આશા જાગ્રત કરી.
મકરંદ મહેતા