મહારાજા જશવંતસિંહ (ઈ. સ. 1659–62 અને 1670–72) : જોધપુરના મહારાજા અને ઔરંગઝેબના ગુજરાતના સૂબેદાર. શાહજહાંના નાના પુત્ર મુરાક્ષના સમય(ઈ. સ. 1657)માં જોધપુરના મહારાજા જશવંતસિંહ માળવાના સૂબેદાર નિમાયેલા. ઈ. સ. 1659માં ઔરંગઝેબે ગુજરાતની સૂબેદારી મહારાજા જશવંતસિંહને સોંપી. દખ્ખણમાં શિવાજી સામે કામગીરી કરી રહેલા શાઇસ્તખાનને મદદ કરવા અને સોરઠના ફોજદાર કુત્બુદ્દીનને નવો સૂબેદાર મોકલાતા સુધી ગુજરાતની સૂબેદારીનો કામચલાઉ હવાલો જશવંતસિંહને સંભાળવાના આદેશ આપાયા. ઈ. સ. 1662માં એમને પરત બોલાવવામાં આવ્યા અને નવા સૂબેદાર તરીકે મહાબતખાનને ગુજરાત મોકલવામાં આવ્યો.
ઈ. સ. 1670માં ફરી મહારાજા જશવંતસિંહને ગુજરાતના સૂબેદાર નીમવામાં આવ્યા. એમના સમયમાં નવાનગરની ગાદી પર જામ તમાચીને પુન: સ્થાપિત કરવામાં આવ્યો. પોતાની સૂબેદારી દરમિયાન તેમણે 1670માં કમાલખાનને પાલણપુરની ગાદી પરથી દૂર કર્યો હતો. સૌરાષ્ટ્રમાં હળવદ રાજ્યની બાબતોમાં મુઘલ દરમિયાનગીરી કરવામાં આવી એ આ કાલનો નોંધપાત્ર બનાવ છે. જશવંતસિંહને ધંધુકા અને પેટલાદનું મહેસૂલ આપવામાં આવ્યું હતું. ધંધુકાને લીધે જશવંતસિંહને ઝાલાવાડ પ્રદેશના ગાઢ સંપર્કમાં આવવાનું થયું. એ સમયે તમામ ઝાલા ઠકરાતોનો વડો જશવંતસિંહ ઝાલા હતો. એની રાજધાની હળવદ હતી. ઈ. સ. 1672માં મોટા ભાઈ ચંદ્રસિંહની હત્યા કરાવી એ ગાદીએ આવ્યાનું મનાય છે. ચંદ્રસિંહની કુંવરી જોધપુરના રાઠોડ કુળના કુંવર સાથે પરણી હતી. એની ચડવણીથી સૂબેદાર જશવંતસિંહે હળવદ પર આક્રમણ કર્યું, જેમાં હળવદના જશવંતસિંહ ઝાલાનો પરાજય થયો અને એ કચ્છમાં નાસી ગયો. હળવદ નજરઅલીખાન બાબીને જાગીર તરીકે અપાયું, જે છ વર્ષ સુધી એના કબજે રહ્યું. ફરી જશવંતસિંહ ઝાલાએ ઔરંગઝેબના ફરમાનથી ઈ. સ. 1680માં હળવદની ગાદી પ્રાપ્ત કરી.
સૂબેદાર મહારાજા જશવંતસિંહના સમયમાં ખંભાતના બંદરની પડતી થઈ. વેપારીઓ અને શાહ સોદાગરોએ એને તજી દીધું, કારણ કે ખંભાતનો અખાત છીછરો બનતો જતો હતો.
મુઘલ દરબારના શ્રેષ્ઠ મનસબદાર મુહમ્મદ અમીનખાનની ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂક થતાં 28 જુલાઈ 1672ના રોજ મહારાજા જશવંતસિંહ પાસેથી સૂબેદારીનો હવાલો લઈ લેવામાં આવ્યો.
રામજીભાઈ ઠા. સાવલિયા