મહામંદી (The Great Depression) : અમેરિકા અને દુનિયાના અન્ય કેટલાક દેશોનાં અર્થતંત્રોમાં 1929થી 1933 દરમિયાન આવેલી મંદી. આ મંદીનો નાટ્યાત્મક પ્રારંભ ઑક્ટોબર 1929માં અમેરિકાના શૅરબજારમાં થયેલો. જે દિવસે મહામંદીની શરૂઆત થઈ તે એક જ દિવસમાં એક કરોડ કરતાં વધુ શૅર વેચાયા. શૅરના ભાવાંકમાં 40 %નું ગાબડું પડ્યું. એ મંદીની પરાકાષ્ઠા 1932માં આવેલી, માર્ચ 1933 પછી તેનાં વળતાં પાણી થયેલાં, પરંતુ ફરીથી મે 1937થી જૂન 1938 વચ્ચે અમેરિકાનું અર્થતંત્ર મંદીમાં ફસાયું હતું, પણ જેને મહામંદી કે વિશ્વમંદી તરીકે ઓળખવામાં આવે છે તેનો સમયગાળો 1929થી ’33નો ગણવામાં આવે છે. એ અસામાન્ય મંદી અમેરિકામાં 43 મહિના ચાલી હતી. એ દરમિયાન અમેરિકાની રાષ્ટ્રીય આવકમાં 33 %નો ઘટાડો થયો હતો. મંદી તેની પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે 25 % એટલે કે દોઢ કરોડ જેટલા મજૂરો બેકાર બની ચૂક્યા હતા. અમેરિકાનો એક પણ ઉદ્યોગ એવો ન હતો જેમાંથી ઓછીવત્તી સંખ્યામાં મજૂરોને છૂટા કરવામાં ન આવ્યા હોય. 1929ની તુલનામાં 1932માં અમેરિકામાં વપરાશના ઉદ્યોગોના ઉત્પાદનમાં 25 %નો અને મૂડીમાલનું ઉત્પાદન કરતા ઉદ્યોગોના ઉત્પાદનમાં 69 %નો ઘટાડો થયો હતો. અમેરિકાની 24,000 જેટલી બકોમાંથી 1930થી ’32નાં ત્રણ વર્ષો દરમિયાન 5,096 બકોએ નાદારી નોંધાવી હતી, એટલે કે તેમના થાપણદારોને થાપણો પાછી આપવાની અશક્તિ જાહેર કરી હતી.
ઔદ્યોગિક મંદીએ અમેરિકાના ખેડૂતોને બેહાલ કરી નાખ્યા હતા, કેમ કે ખેતપેદાશો અને અન્ય સંલગ્ન પેદાશોના ભાવોમાં મોટો ઘટાડો થયો હતો. 1929–30ના એક જ વર્ષના ગાળામાં ઘઉંના ભાવમાં 19 %નો, રૂના ભાવમાં 27 %નો, ઊનના ભાવમાં 46 %નો અને રેશમના ભાવમાં 30 %નો ઘટાડો નોંધાયો હતો. આ ભાવઘટાડાને પરિણામે ખેતપેદાશોના ઉત્પાદનમાં ઘટાડો થયો ન હોવા છતાં ખેડૂતોની કમાણીમાં મોટો ઘટાડો થયો હતો.
અમેરિકામાં સર્જાયેલી મંદી વિશ્વના અન્ય દેશોને વત્તાઓછા પ્રમાણમાં મંદીમાં ધકેલે તે અનિવાર્ય હતું. 1929માં દુનિયાના 24 મહત્ત્વના ઔદ્યોગિક દેશોના ઔદ્યોગિક ઉત્પાદનમાં અમેરિકાનો હિસ્સો 46 % હતો. નવ મહત્ત્વની પ્રાથમિક ચીજોની 15 અગત્યના દેશોમાં જે વપરાશ થતી હતી તેમાં અમેરિકાનો હિસ્સો લગભગ 40 % હતો. અમેરિકામાં મંદીને કારણે લોકોની ખરીદશક્તિમાં જે મોટો ઘટાડો થયો તેની અસર વિશ્વનાં બજારો પર પડે તે અપેક્ષિત હતું. દુનિયામાં અનાજના વેપારમાં (1932માં) 11 %નો ઘટાડો થયો હતો, કાચા માલના વેપારમાં 18 %નો અને ઔદ્યોગિક ચીજોના વેપારમાં લગભગ 40 %નો ઘટાડો થયો.
અમેરિકાની મંદીની અસર દુનિયાના અનેક દેશો પર પડી હતી; પરંતુ બધા દેશોમાં મંદીની તીવ્રતા એકસરખી ન હતી. જર્મનીમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 47 % જેવો મોટો ઘટાડો થયો હતો, જ્યારે જાપાનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ફક્ત 2 %નો અને નૉર્વેમાં 7 % ઘટાડો થયો હતો; ઇંગ્લૅન્ડમાં ઔદ્યોગિક ઉત્પાદન 16 % ઘટેલું, જ્યારે કૅનેડામાં 42 % અને અમેરિકામાં 47 % ઘટ્યું હતું. યુરોપમાં રશિયા એક અપવાદરૂપ દેશ હતો. ત્યાંનું અર્થતંત્ર એ સમયે આયોજિત હોવાથી તેના ઔદ્યોગિક ઉત્પાદનમાં 83 %નો વધારો થયો હતો.
વિશ્વવ્યાપી મંદીની વિપરીત અસરોથી ભારતીય અર્થતંત્ર મુક્ત રહી શક્યું ન હતું. અલબત્ત, ભારતના આધુનિક ઉદ્યોગો મંદીની અસરથી મહદંશે મુક્ત રહી શક્યા હતા. મંદીની ઘેરી વિપરીત અસર ભારતના ખેડૂતો પર પડી હતી. મહામંદીના 1929થી 1931ના ગાળામાં ખેતપેદાશોના ભાવોમાં મોટો ઘટાડો થવાથી, તેમના ઉત્પાદનમાં ઘટાડો ન થયો હોવા છતાં ખેડૂતોની આવકમાં ધરખમ ઘટાડો થયો હતો. અંગ્રેજોના અમલ નીચેના ભારતના આઠ પ્રાંતોમાં મુખ્ય ખેતપેદાશોનું મૂલ્ય 1928–29માં રૂ. 10 અબજ જેટલું હતું જે ઘટીને 1933–34માં રૂ. 5 અબજથી ઓછું થઈ ગયું હતું. ખેતપેદાશોની બજારકિંમત ઘટી જતાં ખેડૂતોની નાણાકીય આવકમાં જે ઘટાડો થયો તેની ઘેરી પ્રતિકૂળ અસર ખેડૂતો પર પડી. ખેડૂતોના માથે જે દેવું હતું તેનો બોજો ખૂબ વધી ગયો. પૂર્વે રૂ. 100નું દેવું ચૂકવવા માટે તેને જેટલું અનાજ વેચવું પડતું હતું તેના કરતાં હવે તેને લગભગ બમણું અનાજ વેચવું પડે એવી સ્થિતિ સર્જાઈ. એ જ રીતે સરકારને ભરવાના જમીન-મહેસૂલનો બોજો પણ ખૂબ વધી જવા પામ્યો. કેટલાક પ્રાંતોમાં ખેડૂતોને આ આપત્તિ સામે બચાવવા માટે કેટલાંક પગલાં ભરવામાં આવ્યાં હતાં, પરંતુ એકંદરે એમ કહી શકાય કે ભારતમાં ખેડૂતોને તેમના નસીબ પર જ છોડવામાં આવ્યા હતા.
દુનિયાના અન્ય ઔદ્યોગિક દેશોમાં ઉદ્યોગોના ઉત્પાદન પર મંદીની જેવી પ્રતિકૂળ અસર પડી હતી તેવી પ્રતિકૂળ અસર ભારતમાં ઉદ્યોગો પર પડી ન હતી; ઊલટું, કેટલાક ઉદ્યોગોના ઉત્પાદનમાં મંદીનાં વર્ષો દરમિયાન નોંધપાત્ર વધારો થયો હતો; દા.ત., 1929માં ભારતમાં 1.60 અબજ મી. કાપડનું ઉત્પાદન થયું હતું, જે વધીને 1933માં 2.06 અબજ મી. અને 1938માં 3.07 અબજ મી. થયું હતું. પોલાદનું ઉત્પાદન 1929–30માં 4.19 લાખ મેટ્રિક ટન થયું હતું. જે વધીને 1933–34માં 5.6 લાખ મે. ટન અને 1938–39માં 7.38 લાખ મે. ટન થયું હતું. ખાંડનું ઉત્પાદન 1928–29માં 1 લાખ મે. ટન હતું. તે વધીને 1935–36માં 9.77 લાખ મે. ટન થયું હતું.
ભારતના ઉદ્યોગો પર મંદીની કારમી અસર ન પડી તેનું એક મહત્ત્વનું કારણ ઉદ્યોગોને આપવામાં આવેલું સંરક્ષણ હતું. દેશમાં આયાત થતી ઔદ્યોગિક ચીજો પર બે હેતુથી આયાતજકાત નાખવામાં આવેલી હતી. સંખ્યાબંધ ચીજો પર સરકારે આવક મેળવવાના ઉદ્દેશથી આયાતજકાત નાખી હતી અને દેશમાં પસંદગીના ઉદ્યોગોને વિકસાવવાના હેતુથી કેટલીક ઔદ્યોગિક ચીજો પર સંરક્ષણાત્મક જકાત નાખવામાં આવેલી હતી. ખાંડ અને પોલાદના ઉત્પાદનમાં જે વધારો થયો હતો તે સંરક્ષણાત્મક જકાતનું પરિણામ હતું. મુદ્દો એ છે કે દેશમાં જે આધુનિક ઉદ્યોગોના ઉત્પાદનમાં વધારો થયો તે એ ઉદ્યોગોની પેદાશો માટેની માંગ દેશમાં વધવાનું પરિણામ ન હતું, પરંતુ એ વધારો આયાતોના ભોગે (આયાતોની અવેજીમાં) થયેલો હતો. દેશમાં ગૃહઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પર મંદીની કેવી અસર પડી હતી તે વિશે આપણે ચોક્કસ જાણકારી ધરાવતા નથી, પરંતુ ખેડૂતોની ઘટેલી ખરીદશક્તિની માઠી અસર એ પરંપરાગત ઉદ્યોગો પર પડી જ હશે એવું અનુમાન કરી શકાય.
વિશ્વમંદીની ઘણી મોટી અસર દેશના આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી હતી. વેપારના કદમાં ઘટાડો થવાનું એક કારણ નિકાસો અને આયાતોના ભાવમાં થયેલો મોટો ઘટાડો હતો. 1927–28થી 1936–37 દરમિયાન દેશમાંથી નિકાસ થતી ચીજોના ભાવોમાં 43 %નો અને આયાત થતી ચીજોના ભાવોમાં 37 %નો ઘટાડો થયો હતો. આ પ્રકારનો ભાવઘટાડો ઔદ્યોગિક ચીજવસ્તુઓના ભાવો કરતાં ખેતપેદાશની ચીજવસ્તુઓના ભાવો પર સવિશૅરા રૂપમાં પડ્યો હતો. જેને લીધે ઔદ્યોગિક ચીજવસ્તુઓના ઉત્પાદકો કરતાં ખેતપેદાશની ચીજવસ્તુઓના ઉત્પાદકો પર મહામંદીની અસર વધુ ઘેરી થઈ હતી. મંદીનો સામનો કરવા માટે દુનિયાના દેશોએ તેમની આયાતો ઘટાડવા માટે આયાતજકાત અને આયાત-પરિમાણ (ક્વોટા) જેવાં અનેક પગલાં ભર્યાં હતાં. તેની અસર પણ ભારતના વિદેશવેપાર પર પડી હતી.
હર્ષદ ઠાકર