મહાભાષ્ય (ઈ. પૂ. 150) : સંસ્કૃત ભાષાનો વ્યાકરણશાસ્ત્રનો મહત્ત્વનો ગ્રંથ. ‘મહાભાષ્ય’ આચાર્ય પાણિનિની અષ્ટાધ્યાયી પર પતંજલિ મુનિએ ઈ. પૂ. 150માં રચેલી સૌથી પહેલી પ્રાચીન અને પ્રમાણભૂત વ્યાખ્યા છે. તેમાં પાણિનિના સૂત્રની સમજ આપવાની સાથે વ્યાકરણશાસ્ત્રના અનેક મુદ્દાઓની પૂર્ણ ચર્ચા કરી તે વિશે અંતિમ નિર્ણયો પણ આપવામાં આવ્યા છે. આ ગ્રંથમાં વિદ્વત્તાપૂર્ણ ચર્ચા સરળ અને ઘરગથ્થુ બોલાતી ભાષામાં પતંજલિએ આપી છે. તેથી મહાભાષ્યનું ગદ્ય બોલાતી ભાષાના રણકાવાળું અને સંસ્કૃત ગદ્યનો આદર્શ નમૂનો છે. એની સ્પષ્ટ અને પ્રાસાદિક ભાષામાં અનેક ન્યાયો અને દાખલાઓ આપવામાં આવ્યા છે. અવારનવાર પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષમાં સંભાષણો આપવામાં આવ્યાં છે. પહેલાં પૂર્વપક્ષની માંડણી નિષ્પક્ષ રીતે કરીને ઉત્તરપક્ષમાં તેનું જોરદાર ખંડન કરવામાં આવ્યું છે. ક્યારેક પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ બંને આપી તે બાબતનો નિર્ણય કરવાનું વાચકો પર છોડવામાં આવ્યું છે. ક્યારેક બંને પક્ષો રજૂ કર્યા પછી એનો નિર્ણય ‘ભગવાન જાણે’ એમ કહીને છોડી દે છે ! ‘સૂત્રનું પ્રયોજન કહેવું’, તેમાં રહેલાં પદોનો અર્થ નક્કી કરવો અને તેના અર્થના ક્ષેત્રનું નિયંત્રણ કરવું – એ ત્રણેય તત્ત્વો આધારભૂત રીતે અહીં રજૂ થયાં છે. વળી વ્યાકરણને તેમાં દર્શનના સ્થાને બેસાડવામાં આવ્યું છે.

‘મહાભાષ્ય’ 85 આહ્નિકોમાં વહેંચાયેલો ગ્રંથ છે એટલે 85 દિવસોમાં આ ગ્રંથ વિદ્યાર્થી ભણી શકે તેવો છે. પાણિનિની ‘અષ્ટાધ્યાયી’માં રહેલાં કુલ 3,995 સૂત્રોમાંથી ‘મહાભાષ્ય’માં 1.689 સૂત્રો પર ભાષ્ય લખવામાં આવ્યું છે. તેમાંનાં 1,228 સૂત્રો પર કાત્યાયને રચેલાં વાર્તિકોનું અને 26 સૂત્રો પર બીજા આચાર્યોએ લખેલાં વાર્તિકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીનાં 435 સૂત્રો પર વાર્તિકો અસ્તિત્વ ધરાવતાં નથી. ભાષ્યમાં વચ્ચે વચ્ચે પતંજલિએ પોતાનાં ઇષ્ટિવાક્યો અને પોતે કરેલી દલીલોના મુખ્ય મુદ્દાઓ સંક્ષેપમાં ગણાવતા સંગ્રહશ્ર્લોકો પણ રજૂ કર્યા છે. કાત્યાયનનાં વાર્તિકો સામે અનેક ઠેકાણે પાણિનિનાં સૂત્રોનો બચાવ કરવામાં આવ્યો છે. પાણિનીય સૂત્રોને વેદવાક્યો  જેટલાં શ્રદ્ધેય માન્યાં છે અને પાણિનિ પ્રત્યે માનભર્યા ઉલ્લેખો કરવામાં આવ્યા છે. વ્યાકરણશાસ્ત્રની ગંભીર બાબતોની ચર્ચા તેમાં મજાકભરી હળવી શૈલીમાં કરવામાં આવી છે.

‘મહાભાષ્ય’ પરની ટીકાઓ : પાંચમી સદીમાં જાણીતા વૈયાકરણ અને ‘વાક્યપદીય’ના લેખક ભર્તૃહરિએ ‘મહાભાષ્ય’ પર ‘દીપિકા’ નામની ટીકા લખી છે; પરંતુ તે સંપૂર્ણ મળતી નથી. 11મી સદીમાં કૈયટે લખેલી ‘મહાભાષ્યપ્રદીપ’ નામની ટીકા સંપૂર્ણ અને પ્રકાશિત છે અને તેને ‘મહાભાષ્ય’ જેટલી જ પ્રમાણભૂત ગણવામાં આવી છે. કૈયટની આ ‘મહાભાષ્યપ્રદીપ’ ટીકા પર ચિંતામણિ, રામચંદ્ર સરસ્વતી, નારાયણ, નિત્યાનંદ પર્વતીય, ઈશ્વરાનંદ વગેરે લેખકોએ અનુટીકાઓ લખી છે. નીલકંઠ દીક્ષિત નામના લેખકે ‘મહાભાષ્યપ્રદીપપ્રકાશ’ અથવા ‘કૈયટપ્રકાશ’ નામની અનુટીકા લખી છે. તે અદ્યાપિ અપ્રાપ્ત છે. એ સર્વ અનુટીકાઓ હસ્તપ્રતમાં રહેલી અને અધૂરી છે. એકમાત્ર 18મી સદીમાં નાગેશ ભટ્ટે લખેલી ‘મહાભાષ્યપ્રદીપ’ પરની ‘ઉદ્યોત’ નામની અનુટીકા સંપૂર્ણ અને એકથી વધુ વાર પ્રકાશિત થયેલી છે.

કૈયટ પછી 12મી સદીમાં મૈત્રેયરક્ષિત નામના લેખકની ‘મહાભાષ્યલઘુવૃત્તિ’ નામની સંક્ષિપ્ત ટીકા લખાઈ છે. એ જ અરસામાં પુરુષોત્તમદેવે ‘પ્રાણપણિત’ નામની ટીકા મહાભાષ્ય પર લખી છે. એ પછી 16મી સદીમાં ‘મહાભાષ્ય’ પર શૅરાનારાયણની ‘યુક્તિરત્નાકર’, વિષ્ણુમિત્રની ‘મહાભાષ્યવિવરણ’, ધનેશ્વરની ‘મહાભાષ્યચિંતામણિ’, 17મી સદીમાં શૅરાવિષ્ણુની ‘મહાભાષ્યપ્રકાશિકા’ અને શિવરામેન્દ્ર સરસ્વતીની ‘મહાભાષ્યરત્નાકર’ વગેરે ટીકાઓ પણ લખાઈ છે, જે અદ્યાપિ અપ્રકાશિત છે.

1938માં કાશીમાંથી પંડિત ગુરુપ્રસાદ શાસ્ત્રીએ કૈયટની ‘પ્રદીપ’ અને નાગેશની ‘ઉદ્યોત’ ટીકાઓ સાથે ‘મહાભાષ્ય’નું સંપાદન રોહતકના આર્યસમાજના ગુરુકુળ દ્વારા પ્રગટ કર્યું. એ પછી નિર્ણયસાગરની એ જ ટીકાઓ સાથે ‘મહાભાષ્ય’ની આવૃત્તિ થોડાં વર્ષો બાદ પ્રગટ થયેલી. જર્મન વિદ્વાન કીલહૉર્ને મહાભાષ્યની પ્રથમ આવૃત્તિ 1948થી 1954 દરમિયાન અને બીજી આવૃત્તિ 1962થી 1969 દરમિયાન પ્રકાશિત કરી છે.

‘મહાભાષ્ય’નો સર્વપ્રથમ સંપૂર્ણ અનુવાદ મરાઠી ભાષામાં મહા. વાસુદેવ શાસ્ત્રી અભ્યંકરે કરેલો. એને ડેક્કન એજ્યુકેશન સોસાયટી, પુણેમાંથી પ્રગટ કરેલો. તે અનુવાદની, વ્યાકરણશાસ્ત્રનો ઇતિહાસ વર્ણવતી પ્રસ્તાવના તેમના પુત્ર મહા. પ્રા. કાશીનાથ વાસુદેવ શાસ્ત્રી અભ્યંકરે રચી હતી. તેમની પ્રેરણાથી પુણેના પ્રા. ડૉ. એસ. ડી. જોશી અને પ્રા. ડૉ. રૉડબર્ગેને મળીને મહાભાષ્યનો અંગ્રેજીમાં અનુવાદ ટિપ્પણી સાથે તાજેતરમાં પ્રગટ કર્યો છે.

‘મહાભાષ્ય’ પાણિનીય સંસ્કૃત વ્યાકરણપરંપરાના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગ્રંથ છે. તેણે આચાર્ય પાણિનિની હરોળમાં પતંજલિને પણ માનભર્યુ સ્થાન અપાવ્યું છે. પાણિનિનાં સૂત્રોની છાનબીન કરતાં કાત્યાયનનાં વાર્તિકો જાળવી રાખવામાં પણ ‘મહાભાષ્યે’ જ ફાળો આપ્યો છે.

ભગવતીપ્રસાદ પંડ્યા

પ્ર. ઉ. શાસ્ત્રી