મહાબળેશ્વર : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું ગિરિમથક તથા વિહારધામ. ભૌગોલિક સ્થાન : 17o 55´ ઉ. અ. અને 73o 40´ પૂ. રે. તે સતારા જિલ્લાના વાયવ્ય ભાગમાં સહ્યાદ્રિ હારમાળાની ટેકરીઓ પર 1,438 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઊંચાઈએ આવેલી ટેકરીઓના ઉગ્ર ઢોળાવો ધરાવતા સમુત્પ્રપાતો પરથી કોંકણનાં મેદાનોનું રમણીય ર્દશ્ય જોવા મળે છે. કૃષ્ણા નદી અને તેની ઉપરવાસમાં વહેતી ચાર સહાયક નદીઓ અહીં નજીકમાંથી નીકળે છે. હિન્દુઓ તેને તીર્થસ્થાન તરીકે ગણે છે. આ ગિરિમથકનો જૂનો ભાગ બ્રાહ્મણોની વધુ વસ્તીવાળો છે. તેમની આજીવિકા અહીં આવતા યાત્રીઓ પર નભે છે.
અંગ્રેજ લોકો આ વિસ્તારને ખૂંદી વળેલા. તેમણે 1828માં નવું નગર બાંધ્યું, ત્યારે તે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તત્કાલીન ગવર્નર માલ્કમના નામ પરથી માલ્કમપેઠ (Malcolmpeth) તરીકે ઓળખાતું હતું. આ વિસ્તાર અહીં ઉગાડવામાં આવતાં યુરોપીય પ્રકારનાં ફળો અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે. સતારાથી સડકમાર્ગે મહાબળેશ્વર જઈ શકાય છે.
ગિરીશભાઈ પંડ્યા