મહાપુરાણ : ભારતના જૈન ધર્મનો પુરાણ-ગ્રંથ. દિગંબરોના ચારમાંના પ્રથમાનુયોગની શાખારૂપ ‘તિસમિહાપુરિસ ગુણાલંકાર’. એમાં 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવો, 9 બલદેવો અને 9 પ્રતિવાસુદેવો એ 63 મહાપુરુષોનાં ચરિતો છે. અપભ્રંશ ભાષાનું તે સુંદર મહાપુરાણ છે. માણિકચંદ દિગંબર-જૈન ગ્રન્થમાળામાં 1937, 1940 અને 1942માં ત્રણ ખંડોમાં પ્રકાશિત. સંપાદક પી. એલ. વૈદ્ય. તેમાં પ્રાકૃત શબ્દોની સાર્થસૂચિ અન્તે મૂકી છે.
કર્તા પુષ્પદન્ત, કાશ્યપ-ગોત્રીય શૈવ બ્રાહ્મણ. પિતા કેશવભટ્ટ, માતા મુગ્ધાદેવી. પછીથી દિગંબર-જૈન થયેલાં. માન્યખેટ(હૈદરાબાદ પાસે માલખેડ)માં રાષ્ટ્રકૂટ કૃષ્ણરાજ ત્રીજા કે વલ્લભરાજના મહામાત્ય ભરતના આશ્રયે 959થી 965માં આની રચના થઈ. પ્રથમ, વિશાળ અને ઉત્તમ કૃતિ. તેના ઉપર પ્રભાચન્દ્રે 1023માં ટિપ્પણ રચ્યું. તે માટે જે ‘મૂલટિપ્પણ’નો અભ્યાસ કરેલો તે કર્તાનું જ હશે.
ત્રણ ખંડ : પ્રથમ આદિપુરાણ(સંધિ 1–37)માં ઋષભનાથ અને ભરત ચક્રવર્તીનાં ચરિત્ર છે. ઋષભદેવનાં રાજકુમાર-કુમારિકાઓના શિક્ષણમાં સંસ્કૃત-પ્રાકૃત સાથે અપભ્રંશ ભાષાનોય ઉલ્લેખ છે ! દ્વિતીય ખંડ ઉત્તરપુરાણ-પૂર્વાર્ધ (સંધિ 38–80) 20 તીર્થંકરો, 10 ચક્રવર્તીઓ, 8 વાસુદેવો, 8 બલદેવો તથા 8 પ્રતિવાસુદેવોનાં ચરિત્રો નિરૂપે છે. સંધિ 69–79માં રામાયણકથા – ‘પદ્મપુરાણ’ આવે છે. તેમાં ‘વાલ્મીકિ-વ્યાસનાં વચનોમાં વિશ્વાસ રાખીને લોકો કુમાર્ગના કૂવામાં પડ્યા’ એવું વિધાન કર્યું છે ! વારાણસીપતિ દશરથને ત્યાં સુબલાપુત્ર રામ શ્વેત અને કૈકેયીપુત્ર લક્ષ્મણ શ્યામ છે, જે અનુક્રમે 8મા બલદેવ–વાસુદેવ છે. વિદ્યાધર રાવણે ભવિષ્યવાણીથી ડરી સ્વપુત્રી સીતાને મંજૂષામાં સુવાડી જમીનમાં દાટેલી તે જનકને મળી. જનકે તેને ઉછેરી, રામને પરણાવી. સીતા ઉપરાન્ત રામને 7 પત્નીઓ અને લક્ષ્મણને 16 હતી ! નારદમુખે સૌન્દર્યપ્રશંસાથી રાવણ સીતાને હરી જાય છે, ત્યારે દશરથરાજા જીવિત હોય છે. વાલિ અને રાવણને લક્ષ્મણ મારે છે. તૃતીય ખંડ ઉત્તરપુરાણ-દ્વિતીયાર્ધ(સંધિ 81–102)માં મહાભારત-કથા – ‘હરિવંશપુરાણ’ આપેલ છે.
પૂર્વજન્મની તથા અવાન્તર કથાઓના ઝુંડમાં કથાનક વિશૃંખલ બની જાય છે; આમ છતાં વર્ણનો અતિસુન્દર, નવીન ઉપમાનોથી જીવન્ત બને છે. સંધિ 85 તેનો સુન્દર નમૂનો છે. વીર-શૃંગાર-કરુણ-બીભત્સ-શાન્ત-રસની નિષ્પત્તિ સમુચિત છન્દ-યોજના, નાદસૌન્દર્ય અને ભાવવ્યંજના દ્વારા કરાઈ છે. નવીન અલંકાર ‘ધ્વનિત-રૂપક’નો પ્રયોગ અહીં વારંવાર કરાયો છે. લોકોક્તિઓ, સુભાષિતો અને અનુરણનાત્મક શબ્દપ્રયોગો પુષ્કળ મળે છે. છન્દોમાં માત્રામેળનો પ્રયોગ વધારે થયો છે. સર્વત્ર અન્ત્યાનુપ્રાસ સચવાયો છે. અહીં શબ્દો અને વાક્યોની આવૃત્તિ દ્વારા કથનને પ્રભાવક બનાવાયું છે. માનવહૃદયના પારખુ કવિ આન્તરિક જગતનું સુન્દર આલેખન કરી શકે છે. સુલોચના-સ્વયંવરમાં રાજાઓના હૃદગત ભાવો, રામલક્ષ્મણને નિહાળવા ઉત્સુક પુરવધૂઓનું આલેખન, મન્દોદરીનો વિલાપ, વસુદેવ-દર્શન માટેની હૃદય-ક્ષુબ્ધતાનું માર્મિક વર્ણન બહુ સરસ છે. એનું નામ ‘પુરાણ’ હોવા છતાં તે અપભ્રંશ ભાષામાં રચાયેલું મહાકાવ્ય છે.
જયન્ત પ્રે. ઠાકર