મહાપાત્ર, સીતાકાંત (જ. 17 સપ્ટેમ્બર 1937, માહાંગા, ઓરિસા) : ઊડિયા કવિ. શિક્ષણ ઉત્કલ, અલ્લાહાબાદ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. નૃવંશશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ. 1961માં ભારતીય વહીવટી સેવા(આઈ.એ.એસ.)માં જોડાયા. તે પહેલાં રાજ્ય અને કેન્દ્રની યુનિવર્સિટીઓમાં બે વર્ષ માટે અધ્યાપન. ઊડિયા ભાષામાં 12 કાવ્યસંગ્રહો. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ તેમના કાવ્યસંગ્રહ ‘વર્ષા શકાલા’(‘અ મૉર્નિંગ ઑવ્ રેઇન’)ને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનવામાં આવ્યો છે. રાજ્ય અને દિલ્હી સાહિત્ય અકાદમીઓ તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયાં છે; તદુપરાંત ઓરિસા કાઉન્સિલ ઑવ્ કલ્ચર ઍવૉર્ડ, ધ કુમારન્ એશિયન પોઇટ્રી ઍવૉર્ડ અને સોવિયેત લૅંડ નહેરુ ઍવૉર્ડથી એમને સંમાનિત કરવામાં આવ્યા છે. 1998નો જોશુઆ સાહિત્ય ઍવૉર્ડ તેમને મળ્યો હતો, જેમાં એમને એક લાખ રૂપિયા અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. આંધ્ર પ્રદેશ સ્ટેટ કલ્ચરલ કાઉન્સિલ ઍવૉર્ડ કોઈ પણ ભારતીય ભાષામાં માનવતાનાં મૂલ્યો અને બિનસાંપ્રદાયિકતાના આગ્રહ માટે કવિને આપવામાં આવે છે. મહાપાત્રની સાથે મલયાળમના કવિ ઓ. એન. વી. કુરુપ, બંગાળી કવિ શંખ ઘોષ અને હિંદી કવિ કેદારનાથ સિંહને આ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે.
વિ. પ્ર. ત્રિવેદી