મહાપાત્ર, લક્ષ્મીકાંત (જ. 1888, કટક; અ. 1953) : ઊડિયા ભાષાના સાહિત્યકાર. તેમણે કટકની રૅવન્શૉ કૉલેજ તથા કૉલકાતાની રિપન કૉલેજમાં અભ્યાસ કર્યો. સ્નાતક થયા બાદ તરત જ તેઓ રક્તપિત્તનો ભોગ બન્યા અને લગભગ પચાસેક વર્ષ સુધી અપંગાવસ્થાનાં કષ્ટ અને યાતના વેઠ્યાં. તેમ છતાં વાચન, લેખન અને સંગીત જેવી મુખ્ય પ્રવૃત્તિઓ તેમણે જારી રાખી. મોટાભાગનું જીવન તેમણે પોતાના ગામ તાલપદ તથા ભદ્રકમાં ગાળ્યું; તાલપદમાં ગોપીનાથે સંગીતસમાજ સ્થાપીને તેના ઉપક્રમે ભજવવા માટે પૌરાણિક તથા ઐતિહાસિક વિષયનાં સંગીત-નાટકો તથા ગદ્ય નાટકો લખ્યાં. આ સમાજ 5 વર્ષ સુધી પ્રવૃત્ત રહ્યો અને તે દરમિયાન તેમની મોટાભાગની કૃતિઓ સફળતાપૂર્વક ભજવાઈ.
1929માં ભદ્રકમાં છાપખાનું સ્થાપીને તેમણે ‘ડાગરો’ નામનું હાસ્યલક્ષી સામયિક 1936માં પ્રગટ કર્યું. તેમાં તેમણે પોતાનાં મોટા-ભાગનાં લખાણો ઉપનામથી પ્રગટ કર્યાં. તેમાં કાવ્યો, ટૂંકી વાર્તાઓ અને રાજકીય તેમજ સામાજિક કટાક્ષિકાઓનો સમાવેશ થતો હતો. તેમના જીવનકાળ દરમિયાન બહુ જૂજ લખાણ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયું હતું. 1964માં તેમની સઘળી રચનાઓ ‘કાન્ત સાહિત્યમાળા’ નામે 2 ગ્રંથ રૂપે પ્રગટ કરાઈ હતી.
અપંગ હોવા છતાં તેમનું વ્યક્તિત્વ ઉલ્લાસપૂર્ણ અને લેખનશક્તિ અથાક હતી. તેમણે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નાટકો, બાળ-વાર્તાઓ, નિબંધો, કીર્તનો, પદાવલિઓ તથા સામાજિક તેમ રાજકીય કટાક્ષિકાઓ વગેરે લખ્યાં છે. તેઓ ભક્તિગીતો તથા રાષ્ટ્રગીતોના લેખક તરીકે વિશેષ જાણીતા હતા. ‘કનમમુ’ તેમની છેલ્લી નવલકથા છે. તે ‘કાન્ત કવિ’ને નામે ઓળખાતા અને તેમનાં ગીતો ‘કાન્ત સંગીત’ કહેવાતાં. વિડંબનાનાં કાવ્યો લખવામાં પણ તેઓ અજોડ હતા.
મહેશ ચોકસી