મહાપાત્ર અશોક કુમાર (ડૉ.) (જ. 29 ડિસેમ્બર 1952, પુરી) : પ્રસિદ્ધ ન્યુરોસર્જન. જે એસ.ઓ.એ.ડી.યુ.ના ચિકિત્સા સલાહકારના રૂપમાં કાર્યરત છે.
પ્રો. (ડૉ.) મહાપાત્રએ 1970માં એમ.કે.સી.જી. મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, જ્યાંથી તેમણે 1975માં એમ.બી.બી.એસ. પૂરું કર્યું. તેઓએ એમ્સ (AIIMS) દિલ્હીમાંથી ન્યુરો સર્જરીમાં એમ.એસ. અને એમ.સી.એચ. પણ કર્યું. 1983થી 2017 સુધી તેમણે એમ્સ, દિલ્હીમાં ન્યુરો સર્જરીના સંકાય(faculty)ના રૂપમાં કામ કર્યું. તેમણે એમ્સમાં વર્ષ 1996માં પ્રોફેસરના રૂપમાં અને વર્ષ 2004માં વરિષ્ઠ પ્રોફેસરના રૂપમાં કામ કર્યું. એમને 2006માં સંજય ગાંધી પોસ્ટ ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ સાયન્સીઝ (એસ.જી.પી.આઈ.) લખનઉના નિર્દેશક અને વર્ષ 2012માં એમ્સ ભુવનેશ્વરના નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એમ્સ, દિલ્હીમાં લગભગ 42 વર્ષ વિતાવ્યાં પછી તેઓ એમ્સ દિલ્હીના ડીન રિસર્ચના પદ પરથી સેવાનિવૃત્ત થયા. તેઓએ ભુવનેશ્વરમાં એસ.ઓ.એ. વિશ્વવિદ્યાલય(માનિત વિશ્વવિદ્યાલય)માં કુલપતિ તરીકે કામ કર્યું અને ડિસેમ્બર, 2022માં સેવાનિવૃત્ત થયા. હાલમાં, તેઓ એસ.ઓ.એ.ડી.યુ.ના ચિકિત્સા સલાહકાર તરીકે કામ કરે છે.

અશોક કુમાર મહાપાત્ર
એમ્સમાં પોતાના કાર્યકાળ દરમિયાન, પ્રો. (ડૉ.) મહાપાત્રએ 870 શોધપત્ર પ્રકાશિત કર્યાં, 16 પુસ્તકો અને 140થી વધુ લેખ લખ્યાં. છેલ્લાં 30 વર્ષોમાં તેમણે 20થી વધુ પરિયોજનાઓનું સંચાલન કર્યું. તેમણે એમ્સમાં પોતાના કાર્યકાળ દરમિયાન 12 પીએચ.ડી. વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું. 1998થી 2008 દરમિયાન તેમનાં ચિકિત્સા પ્રકાશનોની સંખ્યા ભારતમાં ત્રીજા નંબર પર અને એમ્સમાં સર્વાધિક હતી. તેમના ખાતામાં 870 પ્રકાશનો છે, જેમાં 26,800થી વધુ ઉદ્ધરણ અથવા અવતરણ (quotation) છે અને એચ ઇન્ડેક્સ 64 અને આઈ 10 ઇન્ડેક્સ 569 છે. એમની ગણના 2019–2023માં દુનિયાના 2% વૈજ્ઞાનિકો અને ન્યુરો સાયન્ટિસ્ટની દુનિયામાં 5% ન્યુરો સર્જન અને દુનિયાના 1% બાળચિકિત્સા ન્યુરોસર્જનમાં થાય છે.
પ્રો. (ડૉ.) મહાપાત્રએ 3 વર્ષ (2006–2009) સુધી એસ.જી.પી.જી.આઈ.ના નિર્દેશક તરીકે કામ કર્યું અને એ ત્રણ વર્ષ દરમિયાન એમણે સ્કૂલ ઑવ્ ટેલિમેડિસિન, લિવર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, બી.એમ.ટી. સેન્ટર, ઍડવાન્સ પીડિયાટ્રિક સેન્ટર, ટ્રૉમા સેન્ટર વગેરે જેવી 10–12થી વધુ પરિયોજનાઓને સફળતાપૂર્વક પૂરી કરી અને એસ.જી.પી.જી.આઈ. (2006–2009)નું બીજું ચરણ પૂરું કર્યું. એમના કાર્યકાળ દરમિયાન એસ.જી.પી.જી.આઈ.માં 6 વિભાગ શરૂ કરવામાં આવ્યા – 1. હૉસ્પિટલ પ્રશાસન, 2. બાળચિકિત્સા સર્જરી, 3. પલ્મનરી મેડિસિન, 4. માતૃત્વ અને પ્રજનન સ્વાસ્થ્ય, 5. નિયોનેટોલૉજી, 6. મૉલેક્યુલર મેડિસિન.
પ્રો. (ડૉ.) મહાપાત્ર એમ્સ ભુવનેશ્વરના સંસ્થાપક નિર્દેશક હતા, જેની શરૂઆત 2012માં થઈ હતી. ખૂબ જ પ્રારંભિક અવસ્થાથી શરૂ કરતા, 2012–2016 વચ્ચે ચાર વર્ષના ગાળામાં એમ.બી.બી.એસ., બી.એસ.સી. (નર્સિંગ ઑનર્સ), પી.જી. અને ડી.એમ., એમ.સી.એચ.ની શરૂઆત કરવામાં આવી. તેઓએ એમ્સ ભુવનેશ્વરમાં 2015માં બી.એસ.સી. (ઑનર્સ) મેડિકલ ટૅકનૉલૉજીની પણ શરૂઆત કરી છે.
પ્રો. (ડૉ.) મહાપાત્રએ 2011માં ન્યુરોલૉજિકલ સર્જન સોસાયટી ઑવ્ ઇન્ડિયા(એન.એસ.એસ.આઈ.)ની શરૂઆત કરી અને એના સંસ્થાપક અધ્યક્ષ બન્યા. તેઓએ 2011માં ઇન્ડિયન સોસાયટી ઑવ્ પેરિફેરલ નર્વ સર્જરી- (આઈ.એસ.પી.એન.એસ.)ની પણ શરૂઆત કરી. અને એના સંસ્થાપક અધ્યક્ષ હતા. તેઓએ પીડિયાટ્રિક ન્યુરો સર્જરી (1989–2012), ન્યુરો ટ્રૉમા (1991–2020) અને ભારતમાં સ્કલ બેઝ સર્જન સોસાયટી (1998–2020) અને પેરિફેરલ નર્વ સર્જરી(2020–2020)ના વિકાસમાં ઘણું મોટું યોગદાન આપ્યું. એસ.જી.પી.જી.આઈ.માં 2007–2008 દરમિયાન મેડિકલ ટૅકનૉલૉજી સેન્ટર બનાવવામાં આવ્યું હતું. નવી એમ્સ શરૂ થયા પછી તેઓએ એ સુનિશ્ચિત કરાવ્યું કે ભારત સરકાર એમ.સી.એચ. પ્રત્યેક એમ્સમાં મેડિકલ ટૅકનૉલૉજી કૉલેજ શરૂ કરશે. આ એક આવકાર્ય પગલું હતું અને એને બધી 6 એમ્સ માટે સ્વીકૃત કરવામાં આવ્યું.
પાછલાં 40 વર્ષોમાં પ્રો. (ડૉ.) મહાપાત્રને ઘણા પુરસ્કારો મળ્યા છે. તેમણે 75 પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે, 17 વ્યાખ્યાન આપ્યાં છે અને ઘણા લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. તેઓ નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો અને એકૅડેમી ઑવ્ મેડિકલ સાયન્સના સભ્ય હતા.
પૂરવી ઝવેરી