મહાનોર, નામદેવ ધોંડો [જ. 16 સપ્ટેમ્બર 1942, પળસખેડે, (અજંતાની ગુફાઓ પાસે), જિ. ઔરંગાબાદ] : મરાઠીમાં દલિત સાહિત્યના જાણીતા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘તીચી કહાણી’ માટે 2000ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
માત્ર 200 ઘરની વસ્તીવાળા નાનકડા ગામના ખેડૂત પરિવારમાં જન્મ. અનેક મુશ્કેલીઓ વેઠીને પળસખેડે, પિંપળગાંવ, શેંદુર્ણીમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી જળગાંવમાં યુનિવર્સિટીના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ. ત્યારબાદ ખેતીકામમાં જોડાયા. નાનપણથી જ આદિવાસીઓનાં જીવન અને રહેણીકરણી સાથે ગાઢ સંપર્કમાં રહ્યા. તેમનાં વાદ્યો વગાડતા, ગીતો ગાતા તેમજ તેમની સાથે નૃત્યો કરતા. સદભાગ્યે અંતરિયાળ ગામના સારા પ્રાથમિક શિક્ષકોએ તેમને ‘પુસ્તકોના વિશ્વ’માં ડોકિયું કરાવ્યું અને આદિવાસીઓના સંપર્કે તેમને કાવ્યરચનાની ભૂમિકા પૂરી પાડી.
સાહિત્ય અકાદમીએ પહેલી વાર તેમનાં પ્રકૃતિના સૌંદર્યનું વિવરણ કરતાં 8 કાવ્યોનો સંગ્રહ ‘પ્રતિષ્ઠાન’ નામના સામયિકમાં પ્રસિદ્ધ કર્યો. તે લોકપ્રિય બનેલો. ત્યારપછી ‘સત્યકથા’ નામના સામયિકમાં એક કાવ્યરચના પ્રસિદ્ધ કરાયેલી.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘રાનાતલ્યા કવિતા’ (1967); પછી ‘વહી’ (1970) અને ‘પાવસાચી કવિતા’ (1982) પ્રગટ થયેલા. તે પછીની અન્ય કૃતિઓમાં ‘ગાંધારી’ (નવલકથા, 1972), અને ‘ગપસપ’ (1972) તથા ‘ગાવાતલ્યા ગોષ્ટી’ (1981) (બંને લોકકથાસંગ્રહ) તેમજ ‘પળસખેડચી ગાણી’ (1982, લોકગીતસંગ્રહ) ઉલ્લેખનીય છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘તીચી કહાણી’ 32 કાવ્યોનો સંગ્રહ છે. તેમની કૃતિઓ ‘રાનાતલ્યા કવિતા’, ‘વહી’ અને ‘ગાંધારી’ને મહારાષ્ટ્ર સરકાર તરફથી પુરસ્કાર-પારિતોષિકો મળ્યાં છે. મરાઠીમાં મહત્વપૂર્ણ કાવ્યરચના બદલ તેમને ગ. દિ. માડગુળકર પારિતોષિક મળ્યું છે (1981–82). તેઓ મહારાષ્ટ્રમાં સાહિત્યિક કલાવંતોના પ્રતિનિધિ કહેવાયા. 1991માં તેમને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’નો ઇલકાબ આપવામાં આવેલો.
લતા મંગેશકરે તેમને સ્મિતા પાટિલ અને મોહન અગાશે અભિનીત મરાઠી ફિલ્મ ‘જૈત રે જૈત’માં ગીતો રચવા નિમંત્રેલા. તેમની પ્રસિદ્ધ ફિલ્મોમાં ‘જૈત રે જૈત’, ‘મુક્તા’ અને ‘સર્જા’નો સમાવેશ થાય છે.
1992માં તેમણે ઇઝરાયલમાં જળસંરક્ષણ અંગેના ઍગ્રિટેક સેમિનારમાં ભાગ લીધો અને ત્યાંના પાણીના વપરાશ વિશે ઊંડો અભ્યાસ કર્યો. તેના આધારે તેમના ગામમાં ચેકડૅમ બાંધવામાં મદદ કરી. વળી આ અંગે તેમણે તૈયાર કરેલી કેટલીક યોજનાઓ મહારાષ્ટ્ર સરકારને સૂચવી. તે પૈકી મોટાભાગનીનો સ્વીકાર થયો છે. તેમને ‘કૃષિભૂષણ’ એવૉર્ડ અને ‘વનશ્રી’ ઍવૉર્ડ પણ આપવામાં આવેલા છે.
1978માં તેમની મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
બળદેવભાઈ કનીજિયા