મહાદેવભાઈની ડાયરીઓ : મહાદેવભાઈ દેસાઈએ લખેલી અને ડાયરી રૂપે ગ્રંથસ્થ થયેલી ગાંધીજીના જીવન-કાર્યની કડીબદ્ધ તવારીખ. નવેમ્બર 1917માં મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સાથે જોડાયા ત્યારથી જીવનના અંત સુધી લખેલી ડાયરીના 23 ભાગમાં ડાયરીનું નમૂનેદાર સ્વરૂપ તેમજ ગાંધીજીવનની કથા મળ્યાં છે. હજી 7 ભાગ અપ્રગટ છે.
મહાદેવભાઈની ડાયરી એના વસ્તુના ઉદાત્તપણાને લીધે તેમજ તે રજૂ કરવાની શૈલીની સરસતા તથા ચિત્તાકર્ષતાને લીધે સાહિત્યકોટિ સુધી પહોંચી શકી છે; એટલું જ નહિ, એમના થકી ગુજરાતી સાહિત્યમાં ડાયરીના અપ્રચલિત સાહિત્યસ્વરૂપની પ્રતિષ્ઠા થઈ છે. એમાં પ્રસંગોપાત્ત પોતાના જીવન વિશે કેટલીક વિગતો તથા અમુક ઘટનાની એમના પર શી અસર થઈ એ નોંધાયેલ છે; તેમ છતાં એ ડાયરી પ્રધાનપણે ગાંધીજીનાં જીવન અને કાર્યની નોંધવહી છે અને એ લખવા પાછળનું પ્રયોજન ગાંધીજીના જીવન અને કાર્યને લગતી કાચી સામગ્રી સંઘરવાનું છે.
મહાદેવભાઈ ગાંધીજીનું આદર્શ જીવનચરિત્ર લખવાના મનોરથ સેવતા હતા. એમની નજર સમક્ષ બૉઝવેલે લખેલું જૉનસનનું ચરિત્ર આદર્શ રૂપે હતું. મહાદેવભાઈ સવાયા બૉઝવેલ થવા ઇચ્છતા હતા. એમની એ ઇચ્છા તો પૂર્ણ ન થઈ, પણ આ ડાયરીઓ જોતાં એમ લાગે છે કે એમની ઝંખના જુદી રીતે સંતોષાઈ છે. જીવનચરિત્રમાંથી જે રીતે ગાંધીજીની છબી ઊઠી આવત, એ રીતે જીવનચરિત્રની સામગ્રી રૂપે લખાયેલી આ ડાયરીઓમાંથી પણ તેવી છબી ઊઠી આવે છે. ગાંધીજી જીવનની પળેપળ કેવી ઊંચાઈએથી જીવતા હતા, ક્ષણ ક્ષણને કાર્યથી ભરી દઈ દરેકેદરેક કાર્યને કેવા અલૌકિક મહત્વથી અંકિત કરતા હતા, તે આ ડાયરીઓમાંથી પ્રતીત થાય છે. લખાણનો આ પ્રકાર જ એવો છે કે જાણે ગાંધીજી પાસે રહીને આપણે નજરોનજર એમની એકધારી મહાનુભાવિતાનું દર્શન કરી રહ્યા ન હોઈએ, એવો અનુભવ થાય છે.
ડાયરીઓમાં એકના એક જ વિચારની પુનરુક્તિ થતી જોવા મળે છે; પણ એમ થયું છે તે યોગ્ય જ છે. ડાયરીમાં મહાદેવભાઈ એક નિત્ય વિકસતા મહાપુરુષની ચરિત્રસામગ્રી સંઘરતા હતા. એટલે જુદા-જુદા પ્રસંગે ઉચ્ચારાયેલા એમના એક જ સિદ્ધાંતની સૂક્ષ્મ છાયાઓ પકડવા માટે એ રીતનો આશ્રય લેવો રહ્યો.
ગાંધીજીએ ભારતના એમના જીવનકાળ દરમિયાન ત્રણેક વાર દેશવ્યાપી પ્રવાસો કર્યા હતા અને દેશની પ્રવર્તમાન સમસ્યાઓના સંદર્ભમાં અસંખ્ય પ્રવચનો કર્યાં હતાં. વિશ્વના કોઈ પણ મહાપુરુષે ભાગ્યે જ લખ્યા હશે એટલા સાથીઓ, સ્વજનો, પરદેશી પ્રશંસકો અને જિજ્ઞાસુઓને એમણે પત્રો લખ્યા હતા; અનેક દેશી-વિદેશી મહાનુભાવોને મુલાકાતો આપી હતી તથા વિવિધ ક્ષેત્રના લોકો સાથે ચર્ચાઓ કરી હતી. ગાંધીજીનાં એ બધાં ભાષણો, પત્રો, વાર્તાલાપો અને ચર્ચાઓની પૂર્ણ વફાદારી ને ચોકસાઈથી મહાદેવભાઈએ નોંધી લીધી હતી અને એ બધું આ ડાયરીઓમાં સમાવિષ્ટ થયું છે. આ ઉપરાંત ગાંધીજીનાં વિભિન્ન સ્વરૂપો – ગાંધી એક વિચક્ષણ રાજનીતિજ્ઞ તરીકે, ગાંધી એક સત્યાગ્રહી નેતા તરીકે, ગાંધી એક ધર્મપુરુષ તરીકે, ગાંધી એક ક્રાંતિકારી કેળવણીકાર અને સમાજસુધારક તરીકે, ગાંધી એક અહિંસાના કળાકાર તરીકે, ગાંધી એક પ્રેમમૂર્તિ તરીકે, ગાંધી એક આજીવન પ્રયોગકાર તરીકે, ગાંધી ગરીબોના એક મસીહા તરીકે, ગાંધી એક સાધક તરીકે – વગેરેનું આ ડાયરીમાં તંતોતંત નિરૂપણ થયું છે.
ગાંધીજીની સાથે છાયાની જેમ રહેનાર મહાદેવભાઈએ ગાંધીજીને બાળકો, વિદ્યાર્થીઓ, આશ્રમવાસીઓ, રચનાત્મક કાર્યકરો, પતિત બહેનો, રૂઢિચુસ્ત સવર્ણો, અસ્પૃશ્યો, આદિવાસીઓ અને સનાતની શાસ્ત્રીઓ તથા પ્રવાસો, ઉપવાસો, તોફાનો અને શાંતિયાત્રામાં; પરચુરે શાસ્ત્રી જેવા આસન્નમરણ રક્તપિત્તના દર્દીની સેવામાં અને દરરોજ પહેરતા એ બે અંગવસ્ત્રોમાં લંડનના બકિંગહામ પૅલેસમાં બહુવિધ પાત્રો સાથે કે પ્રસંગોમાં જેવા જોયા-જાણ્યા એવા જ આબેહૂબ અહીં આલેખી બતાવ્યા છે. એક મહાપુરુષ ક્ષણક્ષણના જીવનમાં કેમ જીવે અને લોકો સાથે કેમ વર્તે એનો આદર્શ આ ડાયરીઓમાં મૂર્તિમાન થયો છે. ડાયરી મારફતે મહાદેવભાઈએ દુનિયાના કરોડો માણસોને ગાંધીજી પ્રત્યક્ષ કરી આપ્યા.
મહાદેવભાઈ સાહિત્યના જીવ હતા. ગાંધીજી સાથેની ભરચક પ્રવૃત્તિઓમાં ગળાબૂડ રહેવા છતાં કાંઈ ને કાંઈ મહત્વનું સાહિત્ય વાંચવાનો સમય તેઓ કાઢી લેતા. પ્રગટ 23 ડાયરીઓમાં એમણે વાંચેલી વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓનાં સર્વગ્રાહી અવલોકનો અને અનૂદિત પ્રેરક ફકરાઓ જોઈને દિંગ થઈ જવાય છે. આ પ્રકારના રોજિંદા સ્વાધ્યાય દ્વારા એમણે કેટકેટલાં લોકોને સંસ્કારપોષક સત્સાહિત્ય વાંચવાની પ્રેરણા આપી હશે !
આ ડાયરીઓનું એક બીજું મહત્વનું આકર્ષણ તે દર અઠવાડિયે ગાંધીજીનાં કાર્યોની માહિતી આપતા એમના સાપ્તાહિક પત્રો છે. મહાદેવભાઈની પ્રાસાદિક અને મોહક શૈલી તથા વ્યક્તિઓ અને પ્રસંગોનાં જીવંત ચિત્રો ખડાં કરી દેવાની કળાને કારણે એ પત્રો સાહિત્યના ઉત્કૃષ્ટ નમૂનારૂપ બન્યા છે.
પત્રો ઉપરાંત વ્યક્તિવિશેષોનાં ચરિત્રચિત્રો ને સંસ્મરણો રૂપે દીનબંધુ ઍન્ડ્રુઝ, શ્રીનિવાસ શાસ્ત્રી, મહામના માલવીયજી, મૌલાના આઝાદ તથા દેશબંધુ દાસથી લઈને અનેક નાનામોટા કાર્યકરો અને બે બરદાસીઓ સુધ્ધાંનાં ચરિત્રચિત્રોની રોચક સામગ્રી આ ડાયરીમાં સ્થાન પામી છે.
સમર્થ સાહિત્યકારની સ્વતંત્ર કૃતિઓમાં મહાદેવભાઈની ડાયરીનું સ્થાન સૌથી આગળ પડતું છે. ભવિષ્યના કેટલાય ગાંધીચરિત્રકારો અને વિવિધ વિષયના સાહિત્યકારો માટે એમાં તત્કાલીન રાજકીય ઘટનાઓનો પ્રમાણભૂત અનન્ય-અલભ્ય એવો ભવ્ય ઇતિહાસ મોજૂદ છે. સંખ્યાબંધ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં ચરિત્રો માટેની સામગ્રી એમાં ભરી પડી છે અને ઠેર ઠેર વીર કે કરુણ, અદભુત કે હાસ્ય રસ વહાવતું સુવાચન છે. આ બધાંને કારણે મહાદેવભાઈની ડાયરીઓ જગત-સાહિત્યમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કરે તેવી છે.
ગાંધીજી વિવિધ સિદ્ધાંતોના આગ્રહોમાં જડ નહોતા. ગર્ભનિરોધનાં કૃત્રિમ સાધનોના પ્રચંડ વિરોધી હોવા છતાં એક કેસમાં અતિ કામી પુરુષની પશુતા સામે એક લાચાર સ્ત્રીની રક્ષા સારુ પુરુષને વંધ્ય કરવાની અથવા તો સ્ત્રીને ગર્ભનિરોધ શીખવાની સૂચના કરતાં ગાંધીજી ખમચાયા નહોતા (1-24). એ જ રીતે આશ્રમવાસી પ્રેમાબહેન કંટકને, માંસાહાર આશ્રમમાં સર્વથા નિષિદ્ધ હોવા છતાં, જો એમને તબિયત સુધારવા માટે માંસમચ્છી અનિવાર્ય લાગે તો તે લેવાની છૂટ આપતા જણાય છે (1-246). એ વાંચીને ગાંધીજીના જીવનનું ગતિશીલ, ઉદાર અને સંવેદનશીલ સ્વરૂપ જોવા મળે છે.
મહાદેવભાઈને ગાંધીજી માટે ભગવાનમાં હોય તેવી ભક્તિ હતી. એમણે એમનામાં પોતાનું વ્યક્તિત્વ વિલીન કરી દીધું હતું. છતાં ક્વચિત્, ગાંધીજીની ઊણપો તરફ ઇશારો કરતા કે એમના વિચારો સાથે મતભેદ વ્યક્ત કરતા આ ડાયરીઓમાં જણાય છે. જોકે બાપુ માટે મહાદેવભાઈને એટલો પૂજ્યભાવ, એટલી ભક્તિ અને એટલી આત્મીયતા હતી કે તેઓ ઘણુંખરું ગાંધીજીનાં અભિપ્રાયો ને કાર્યોનું સમર્થન કરવામાં જ કૃતકૃત્યતા માનતા. કેટલીક ઝીણી બાબતોમાં પોતાના મતભેદ વગેરે નોંધે છે ત્યાં પણ ઊંડે ઊંડે એવો ભાવ રહેલો લાગે છે કે, જાણે હું એમને પૂરા સમજી શક્યો નથી અને એટલે જ મને આ નથી સમજાતું.
મહાદેવભાઈની ડાયરી પુસ્તક 1થી 5 : સંપાદક : નરહરિ પરીખ. પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ 380 014; મહાદેવભાઈની ડાયરી પુસ્તક 6થી 17 : સંપાદક : ચંદુલાલ દલાલ, પ્રકાશક; સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, અમદાવાદ 380 027; મહાદેવભાઈની ડાયરી પુસ્તક 18થી 23 : સંપાદક : મહેન્દ્ર વાલજીભાઈ દેસાઈ, પ્રકાશક : સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, અમદાવાદ 380 027.
મગનભાઈ જો. પટેલ