મહાત્મા મૂળદાસ (જ. ?; અ. એપ્રિલ 1779, અમરેલી, સૌરાષ્ટ્ર) : સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના અત્યંત જાણીતા આત્મસિદ્ધ પુરુષ. મૂળ નામ મૂળો. તેમનાં જન્મસ્થળ અને તારીખ કે વર્ષ વિશે કોઈ માહિતી સાંપડતી નથી. લુહાર જેવા સમાજના નીચલા થરમાંથી આવેલી આ વ્યક્તિનો જીવ માયામાં ચોંટતો નહોતો. અંતરમાં ઊંડે ઊંડે કંઈક ખોજ ચાલતી હતી. દરમિયાન કેટલાક પ્રસંગોએ તેમને આત્મજ્ઞાન કરાવ્યું અને સામાન્ય માનવીમાંથી તેઓ સંત મહાત્મા તરીકે આવિર્ભાવ પામ્યા.
તેઓ જંગલનાં સૂકાં લાકડાં સળગાવી કોલસા વેચવાનો ધંધો કરતા હતા. એક વાર સળગતાં સૂકાં લાકડાંમાંથી કીડી, મંકોડા ને અન્ય જીવાતને સળગી જતી જોઈ તેમનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમને વનસ્પતિ, જીવજંતુ અને મનુષ્ય સૌમાં એક જ તત્વની પ્રતીતિ થતાં તેની શોધમાં તેઓ ચાલી નીકળ્યા.
તેમનામાં વૈરાગ્ય જાગૃત થતાં તેમને ઈશ્વરભક્તિની ઉત્કટ અભીપ્સા જાગી.
સ્નાન કરીને પૂજાપાઠ કર્યા પછી ભોજન લેવાના નિયમને કારણે તેમને મજૂરી મળતી બંધ થઈ. નિરાશ થઈને ઝોલાપર ગામ(તા. રાજુલા)ની ધર્મશાળામાં બેસી શ્રીકૃષ્ણનું ધ્યાન ધરતાં તેમને સાક્ષાત્કાર થયો અને સુખસમાધિ પામ્યા. આ ધ્યાનસમાધિમાંથી માતંબર આહીરે તેમને જગાડ્યા હતા અને પોતાના ખેતરે મજૂરીએ રાખ્યા હતા. તે જ વર્ષે આહીરના ખેતરમાં ધાન્યના ઢગલા ખડકાતાં સંત મૂળદાસની વાહવાહ થઈ. ત્યારબાદ ઈશ્વરભજનમાં જીવ પરોવવા તેમણે ખેતરનું કામ છોડ્યું. એ વખતે તે ખેતરના 12 મજૂરો પણ તેમના શિષ્યો બન્યા. ગામના લોકોએ પણ ગામનો ત્યાગ નહિ કરવા તેમને ખૂબ આજીજી કરી. તેમની લાગણીને વશ થઈ તેઓ ગામના સૂકા તળાવને કાંઠે રહ્યા. ગામલોકોની પાણીની ભીડ ભાંગવા તેમણે ઈશ્વરને આર્તનાદે પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના ફળી અને તળાવ જળબંબાકાર થઈ ગયું. તે તળાવ આજે ‘મૂળિયાપાટ’ નામે જાણીતું છે.
તેમના પ્રિય શિષ્ય રામજી લુહારના આગ્રહથી તેઓ દીવ જવા તૈયાર થયા; પણ અંગ્રેજ હાકેમે હોડી આપવાનો ઇન્કાર કર્યો. ત્યારે પણ આ સંતે ચમત્કાર દાખવેલો એમ કહેવાય છે.
જગા નામના એક વણિકપુત્રે ગૌહત્યા કરતાં તેને તેના પાપનું તેમણે પ્રાયશ્ચિત્ત કરાવ્યું હતું. વળી એક બાળવિધવા એક લંપટ યુવાન દ્વારા ફસાતાં ને સગર્ભા થતાં તેને આત્મહત્યામાંથી બચાવી પુત્રી તરીકે પોતાના આશ્રમમાં રાખી હતી. પરિણામે તેમને જે કાંઈ સહન કરવાનું થયું તે તેમણે મક્કમતાથી સહ્યું. લોકોને પછી સાચી હકીકતની જાણ થતાં તેમના પ્રત્યે અહોભાવ પણ જાગ્યો હતો. આમ તેમનામાં તેમના ભક્તો પ્રત્યે અત્યંત પ્રેમભાવ-અનુકંપા હતાં.
વળી તેમની એક દત્તક પુત્રીને ઉત્તર પ્રદેશના એક સંત અનંતરાવ સાથેના લગ્નથી જે પુત્ર જન્મ્યો તેને પોતાનું તેજ અર્પતાં તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી તરીકે પ્રતિષ્ઠિત થયા એવી પણ લોકમાન્યતા છે.
આમ મહાત્મા મૂળદાસ મહાન ચમત્કારી સંત હોવાનું મનાય છે. તેમનાં ભજનો આજે પણ લોકોમાં ગવાય છે. તેમનો શિષ્યસમુદાય વિશાળ હતો. તેમના ભક્તો પણ ઘણા હતા. તેમણે અભ્યાગતો માટે અનેક સદાવ્રતો શરૂ કરાવ્યાં હતાં. 1779માં તેમણે તેમના શિષ્યોની હાજરીમાં અમરેલીમાં જીવતાં સમાધિ લીધી હતી. આજે પણ તે સ્થળ ‘મહાત્મા મૂળદાસની જગ્યા’ તરીકે જાણીતું છે.
બળદેવભાઈ કનીજિયા