મહમ્મદ-ઇબ્ન-મૂસા-અલ-ખ્વારિઝ્મી

January, 2002

મહમ્મદ-ઇબ્ન-મૂસા-અલ-ખ્વારિઝ્મી (જ. 780, ઇરાક; અ. 850, બગદાદ) : અરબી ગણિતશાસ્ત્રી. તે અલ-મામુ અને અલ-મુઆઝીમ ખલીફના શાસનકાળ એટલે કે ઇસ્લામિક વિજ્ઞાનના સુવર્ણયુગ દરમિયાન થઈ ગયો. અલ-ખ્વારિઝ્મીએ હિંદુ અંકોનો અરબસ્તાન મારફતે યુરોપના દેશોને પરિચય કરાવ્યો. વળી શૂન્ય તેમજ સંખ્યા દર્શાવવા માટેની હિંદુ અરબ દશાંકપદ્ધતિનો પણ પરિચય કરાવ્યો.

કિતાબ-અલજબ્ર-વા-અલમુકાબલા (The book on Integration and Equation) ગ્રંથ લખ્યો. તેના શીર્ષકના એક અંશ ઉપરથી હાલનું બીજગણિત (algebra) પ્રચલિત થયું. તેની કિતાબ ‘અલજબ્ર’માં પ્રાથમિક ભૂમિતિમાં આવતાં સુરેખ અને દ્વિઘાત સમીકરણના ઉકેલ અંગેના નિયમો અને અન્ય માહિતીનું સંકલન કરેલું છે. બારમી સદીમાં  ગ્રીસમાં આ કિતાબનું લૅટિનમાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. સંપત્તિની વહેંચણીના પ્રમાણ અંગે પરંપરાગત ચાલ્યા આવતા નિયમોનું પણ તેમાં સંકલન કરેલું છે. આ માહિતી ઈ. પૂ.ની બીજી સહસ્રાબ્દી અને ત્યારબાદ હેલીનિસ્ટિક, હિબ્રૂ અને હિંદુ ગણિતના સંકલનમાંથી તારવેલી જણાય છે. હિંદુ અરબ અંકો અંગેનું તેનું પ્રદાન હિંદુઓની ગણતરી કરવા અંગેની પદ્ધતિ (અલગૉરિધમ–દ’–ન્યૂરો–ઇન્ડોરમ) શીર્ષકવાળા લૅટિન ભાષાંતર દ્વારા જળવાઈ રહેલી છે. આ ગણિતજ્ઞના નામ પરથી જ ‘અલગૉરિધમ’ (પ્રવિધિ) શબ્દ ઉદભવ્યો.

અલ-ખ્વારિઝ્મીએ ખગોળ અંગેના કોઠાઓનું સંપાદન કર્યું, જે સાતમી સદીમાં રચાયેલા સંસ્કૃત ગ્રંથ ‘બ્રહ્મ-સિદ્ધાંત’ પર આધારિત એવી અરબી આવૃત્તિ છે. ગ્રીક સંસ્કૃતિનો પ્રભાવ પણ તેના પર જોવા મળે છે.

શિવપ્રસાદ મ. જાની