મહદૂર, ગુલામ અહમદ (જ. 1895, માંગી, પુલબાયા, કાશ્મીર; અ. 1952) : કાશ્મીરી લેખક. મધ્યવર્ગીય પીર કુટુંબમાં જન્મ. એમણે ફારસી તથા અરબી ભાષા શીખી અને કાશ્મીરની બહાર અનેક સ્થળોનો પ્રવાસ કર્યો. 19 વર્ષની વયે તેઓ ગામના તલાટી બન્યા. એમના સમકાલીન કેટલાક ખ્યાતનામ કવિઓ વિશેષત: રસૂલ મીરના સંપર્કમાં આવ્યા અને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. શરૂઆતમાં ઉર્દૂમાં કવિતા લખવા માંડી પણ એમના મનને સંતોષ થયો નહિ; એમનું અંતર્મન જાગ્રત થયું નહિ. કાશ્મીરીમાં કવિતા લખવાથી જ પોતાના મનોભાવો કાશ્મીરની આમજનતા સુધી પહોંચાડી શકાશે એમ લાગતાં એમણે ઉર્દૂ છોડીને કાશ્મીરીમાં કવિતાલેખનની શરૂઆત કરી. એમણે કાશ્મીરની જનતા અને તેમની સમસ્યાઓ પર લક્ષ્ય કેન્દ્રિત કરીને ગઝલો, ઊર્મિગીતો તથા લોકકથાઓ વિશે કાવ્યો લખ્યાં અને કાશ્મીરીમાં પ્રકૃતિકાવ્યોની પહેલ કરી અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એમનું બીજું મહત્વનું પ્રદાન એમનાં રાષ્ટ્રભક્તિનાં કાવ્યો છે. એમની કવિતા દ્વારા જ કાશ્મીરીમાં રાષ્ટ્રભક્તિનાં પગરણ મંડાયાં. સાથે સાથે સામાજિક ક્રાન્તિનાં ગીતો રચીને અને એ ગીતો જાહેરમાં ગાઈને એમણે કાશ્મીરી કવિતાને આમજનતા સુધી પહોંચાડી. એમની રચનાઓ ‘પયાસ-એ-મહજૂદ’ (6 ખંડોમાં) તથા ‘કલામે મહજૂદ’ (9 ખંડોમાં) નામથી પ્રકાશિત થઈ છે. તેમાં કવિ પોતાના સમયનું પ્રતિનિધિત્વ કરે છે. એમની કેટલીક રચનાઓ સમકાલીન રાજકારણવિષયક છે.

ચન્દ્રકાન્ત મહેતા