મસ્ક, ઇલોન (જ. 28 જૂન, 1971, પ્રીટોરિયા, દક્ષિણ આફ્રિકા) : આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ. ટેસ્લા, સ્પેસX, X (અગાઉ ટ્વિટર) અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી(DOGE)માં નેતૃત્વ માટે પ્રસિદ્ધ ઉદ્યોગસાહસિક ઇલોન રીવે મસ્ક. વર્ષ 2021થી દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ અને મે, 2025માં ફૉર્બ્સના અંદાજ મુજબ નેટવર્થ 424.7 અબજ ડૉલરની છે. 2024માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક અને તેમની સાથે મતભેદો થવાથી 2025માં ટ્રમ્પની સરકારમાંથી રાજીનામું આપ્યું.

ઇલોન મસ્ક

પિતાનું નામ એરૉલ મસ્ક. પિતા દક્ષિણ આફ્રિકન ઇલેક્ટ્રોમિકૅનિકલ એન્જિનિયર, પાઇલૉટ, સેલર, કન્સલ્ટન્ટ અને પ્રોપર્ટી ડેવલપર. માતા માયે હેલ્ડમેન મૉડલ અને ડાયેટિશિયન. તેઓ મૂળે કૅનેડિયન અને ઉછેર દક્ષિણ આફ્રિકામાં થયો. આ કારણસર મસ્કને જન્મથી કૅનેડા અને દક્ષિણ આફ્રિકાની નાગરિકતા મળી. નવ વર્ષની વયે મસ્કનાં માતાપિતાએ છૂટાછેડા લીધા અને પછી મસ્કે પિતા સાથે રહેવાનું પસંદ કર્યું. બાળપણથી પુસ્તકોના વાંચનનો શોખ. 10 વર્ષની વયે કમ્પ્યૂટિંગ અને વીડિયો ગેઇમ્સમાં રસ વિકસ્યો. 12 વર્ષની વયે ઇલોને બેસિક આધારિત ગેઇમ બ્લાસ્ટરનું વેચાણ 500 ડૉલરમાં પીસી ઍન્ડ ઑફિસ ટૅક્નૉલૉજી મૅગેઝિનને કર્યું.

પ્રીટોરિયામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ મેળવ્યું. પાંચ મહિના પ્રીટોરિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી કૅનેડિયન માતા હોવાના કારણ કૅનેડિયન પાસપૉર્ટ મેળવવા અરજી કરી. જૂન, 1989માં કૅનેડામાં મસ્કનું આગમન થયું. 1990માં ઓન્ટારિયોમાં કિંગ્સ્ટનમાં ક્વીન્સ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો. બે વર્ષ પછી પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો અને 1995 સુધી અભ્યાસ કર્યો. જોકે યુનિવર્સિટીએ 1997માં ફિઝિક્સમાં સ્નાતકની અને વ્હોર્ટન સ્કૂલની યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં વિજ્ઞાન શાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી.

1994માં મસ્કે સિલિકોન વેલીમાં બે ઇન્ટર્નશિપ કરી – એક, પિનાકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એનર્જી સ્ટોરેજ સ્ટાર્ટઅપમાં અને બીજી, પાલો અલ્ટો સ્થિત સ્ટાર્ટઅપ રૉકેટ સાયન્સ ગેઇમ્સમાં. 1995માં મસ્કના પિતા પાસેથી ફંડ મેળવીને ઝિપ2 નામની વેબ સૉફ્ટવેર કંપની સ્થાપિત કરી. ફેબ્રુઆરી, 1999માં કોમ્પેક દ્વારા 307 મિલિયન ડૉલરમાં ઝિપ2ને ખરીદી લેવામાં આવી અને મસ્કને 7 ટકા હિસ્સા સ્વરૂપે 22 મિલિયન ડૉલર મળ્યા. 1999માં મસ્કે  X.com નામની ઑનલાઇન ધિરાણ સેવાઓ અને ઇ-મેલ પેમેન્ટ કંપની બનાવી. પછીના વર્ષે કંપનીનું વિલીનીકરણ ઑનલાઇન બૅન્ક કન્ફિનિટીમાં થઈ ગયું. તેમાં મસ્ક સીઈઓ બન્યા. વર્ષ 2000માં કંપનીએ મસ્કને સીઈઓ તરીકે દૂર કર્યા અને 2001માં કંપનીનું નામ બદલાઈને પેપાલ થઈ ગયું. 2002માં પેપાલને ઇબેએ 1.5 અબજ ડૉલરમાં ખરીદી લીધી, જેમાં 11.72 ટકા હિસ્સા ધરાવતા મસ્કને 175.8 મિલિયન ડૉલર મળ્યા. વર્ષ 2017માં મસ્કે X.com પેપાલ પાસેથી ખરીદી લીધું.

મે, 2002માં મસ્કે સ્પેસX કંપનીની સ્થાપના કરી અને કંપનીના સીઈઓ અને ચીફ એન્જિનિયર બન્યા. 2008માં કંપનીને ફાલ્કન 1 અંતરિક્ષની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં પહેલી વાર સફળતા મળી. 2020માં કંપનીએ પ્રથમ ક્રૂ ફ્લાઇટ ડેમો-2 લૉંચ કરીને ભ્રમણકક્ષામાં અંતરિક્ષયાત્રીઓને લઈ જનારી દુનિયાની પ્રથમ ખાનગી કંપની બની. 2024માં નાસાએ કંપનીને આઇએસએસ (આંતરરાષ્ટ્રીય અંતરિક્ષમથક)ને ભ્રમણકક્ષામાંથી મુક્ત કરવા 843 મિલિયન ડૉલરનો કૉન્ટ્રાક્ટ આપ્યો.

2015માં પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં ઉપગ્રહો તરતા મૂકવા સ્ટારલિંક વિકસાવી, જે સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ આપે છે. મે, 2025 સુધીમાં 7,600થી વધારે સ્ટારલિંક સેટેલાઇટ કાર્યરત છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં મસ્કે યુક્રેનને સ્ટારલિંકની સેવા ફ્રીમાં આપી.

ફેબ્રુઆરી, 2024માં 6.35 મિલિયન ડૉલરનું રોકાણ કરીને ટેસ્લામાં સૌથી મોટા શૅરધારક બનીને મસ્ક ટેસ્લાના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં ચૅરમૅન તરીકે જોડાયા. લિથિયમ-આયન બૅટરી સેલનો ઉપયોગ કરીને બનેલી સંપૂર્ણ ઇલેક્ટ્રિક કારનું 2008 પછી મોટા પાયે ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું. વર્ષ 2020ના અંતે એસએન્ડપી 500માં ટેસ્લાએ પ્રવેશ કર્યો. એપ્રિલ, 2022માં અંદાજે 44 અબજ ડૉલરમાં અગાઉ ટ્વિટર અને હવે X તરીકે જાણીતી કંપની ખરીદી લીધી.

મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપ્રમુખ તરીકે સમર્થન આપ્યું. અગાઉ 2008 અને 2012માં બરાક ઓબામાને, 2016માં હિલેરી ક્લિન્ટનને, 2020માં જો બાઇડેનને સમર્થન આપનાર મસ્કે 2022માં ટ્રમ્પને ટેકો આપવાની શરૂઆત કરી. રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા પછી ટ્રમ્પે મસ્કને DOGEમાં સલાહકાર બનાવ્યા અને સાથે સાથે રાષ્ટ્રપ્રમુખના વરિષ્ઠ સલાહકાર બનાવ્યા. તેમાં મસ્કની ભૂમિકાની ટીકા થવાથી 28 મે, 2025ના રોજ રાજીનામું આપ્યું.

2002માં અમેરિકન નાગરિકતા મેળવનાર મસ્ક 2000થી 2020 સુધી કૅલિફૉર્નિયામાં રહેતા હતા. પછી ટેક્સાસની કેમેરોન કાઉન્ટીમાં સ્થળાંતરણ કર્યું. પ્રથમ પત્ની કૅનેડિયન લેખિકા જસ્ટિન વિલ્સન થકી છ બાળકો. વર્ષ 2008માં દંપતીએ છૂટાછેડા લીધા. 2010માં અંગ્રેજી અભિનેત્રી તાલુલાહ રિલે સાથે લગ્ન કર્યાં. 2016માં છૂટાછેડા લીધા. 2018માં મસ્ક અને કૅનેડિયન સંગીતકાર ગ્રીમ્સ સાથે રહેવા લાગ્યા અને તેમને ત્રણ બાળકો છે. ઑક્ટોબર, 2023માં તેની સાથે પણ મસ્કે છૂટાછેડા લીધા.

ઑગસ્ટ, 2025 સુધીમાં 371 અબજ ડૉલરની નેટવર્થ સાથે ઇલોન મસ્ક દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ છે. એશ્લી વાન્સે મસ્કની અધિકૃત જીવનકથા લખી છે. ટાઇમ મૅગેઝિને 2010, 2013, 2018 અને 2021માં મસ્કને દુનિયામાં સૌથી વધુ પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપ્યું.

કેયૂર કોટક