મસો, ગુહાંતર્ગત (Polyp) : કોઈ અવયવના પોલાણમાં પ્રવર્ધમાન થઈને મોટો થયેલો રોગવિસ્તાર. તેને ગુહામસો પણ કહી શકાય. આંતરડાં કે અન્ય પોલા અવયવોની દીવાલમાં જ્યારે કોઈ રોગ કે વિકારને કારણે પેશીવૃદ્ધિ થાય ત્યારે તે ઘણી વખત પોલાણમાં મોટી થાય છે અને વધે છે. આવા ઊપસેલા ભાગને ગુહામસો અથવા ગુહાંતર્ગત મસો કહે છે.
જો તે ઘણો મોટો થાય અથવા પેશીનો મસા જેવો (મસાસમ, polypoid) મોટો ગઠ્ઠો બને તો તેને ગાંઠ અથવા અર્બુદ (tumour) કહે છે. સૂક્ષ્મદર્શક વડે તપાસતાં જ ખબર પડે છે કે આવા દોષ-વિસ્તારો(lesions)માં નવવિકસન (neoplasia) થયું છે કે નહિ. નવવિકસિત કોષોના જથ્થાને અર્બુદ કહે છે. ગુહામસો ચામડી પર થતા વિષાણુજ મસા(warts)થી સંપૂર્ણપણે અલગ વિકાર છે. તેવી રીતે તે ગુદામાં થતા મસા (piles, ગુદામસા) અથવા વાહિનીમસા(haemorrhoids)થી પણ સંપૂર્ણપણે અલગ પડતો વિકાર છે. મસા નાક, સ્વરપેટી, આંતરડાં, ગર્ભાશય, ગર્ભાશય-ગ્રીવા (uterine cervix), યોનિ (vagina) વગેરે વિવિધ અવયવોના પોલાણમાં થાય છે. નાકમાં થતા મસા મોટા ભાગના કિસ્સામાં ચેપને કારણે અતિવૃદ્ધિ પામેલી નાકની દીવાલ(શ્લેષ્મકલા)ને કારણે થાય છે; જ્યારે મોટા આંતરડામાં થતા મસામાં ઘણી વખત કૅન્સર ઉદભવે છે. જો મસો કોઈ દંડ (pedicle) વડે પોલાણમાં લટકતો હોય તો તેને સદંડી મસો (pedunculated) કહે છે અને જો તે કોઈ દંડ વગર સીધેસીધો દીવાલને ચોંટેલો હોય તો તેને અદંડી મસો (sessile polyp) કહે છે. દર્દીને એકથી વધુ મસા થયેલા હોય તો તેને મસાવિકાર (polyposis) કહે છે. જો મસામાં ગ્રંથિમય પેશી વિકસેલી હોય તો તેને ગ્રંથિમય મસા (adenomatous polyp) કહે છે.
મોટા આંતરડામાં મસા કરતાં વિવિધ સંલક્ષણો (syndromes) નોંધવામાં આવેલાં છે; જેમ કે, પ્યૂટ્ઝ-જેઘાર (Peutz-Jeghar) સંલક્ષણ, કાઉડેન (Cowden) સંલક્ષણ, બાલ-મસાવિકાર (juvenile polyposis) વગેરે. પ્યૂટ્ઝ-જેઘાર સંલક્ષણમાં મુખ્યત્વે મસા જઠર અને નાના આંતરડામાં થાય છે, પરંતુ તે ક્યારેક મોટા આંતરડામાં પણ થાય છે. જ્યારે મોટા આંતરડામાં 100થી વધુ ગ્રંથિઅર્બુદો (adenomas) હોય ત્યારે તેને કૌટુંબિક ગ્રંથિમય મસાવિકાર (familial adenomatous polyposis, FAP) કહે છે. તે 5મા રંગસૂત્ર (5q21) પર આવેલા વિકૃત APC જનીન દ્વારા દેહસૂત્રી પ્રભાવી વારસાપ્રણાલી (autosomal dominant inheritance) રૂપે કુટુંબોમાં પેઢી-દર-પેઢી ઊતરી આવે છે. જો તેમાં આંતરડાની બહાર પણ મસા થાય તો તેને ગાર્ડનરનું સંલક્ષણ કહે છે. FAPના દર્દીની ઉંમર 17 વર્ષની થાય ત્યારે તેના મોટા મસામાં કૅન્સર થઈ શકે છે. 25 વર્ષની વયે 80 % અને 40 વર્ષની વયે 100 % વ્યક્તિઓમાં મોટા આંતરડાનું કૅન્સર થઈ ચૂકેલું હોય છે. તેથી તે થતું રોકવા માટે સ્થિરાંત્ર-ઉચ્છેદન(colectomy)ની શસ્ત્રક્રિયા કરીને આખું મોટું આંતરડું કાઢી નાખવાનું સૂચવાય છે. FAPના 50 % દર્દીઓમાં જઠરના ઘુમ્મટ-વિસ્તાર(gastric fundus)માં, પક્વાશયમાં, નાના આંતરડાના છેલ્લા ભાગમાં, સ્વાદુપિંડ તથા પિત્તમાર્ગમાં પણ ગ્રંથિઅર્બુદો થાય છે. ગાર્ડનરના સંલક્ષણમાં આ ઉપરાંત પેટમાં ડેસ્મૉઇડ ગાંઠ, જડબાના હાડકામાં અસ્થિઅર્બુદ (osteoma) તથા અધિત્વકીય કોષ્ઠ (epidermal cyst) થાય છે. જો FAPની સાથે મગજમાં કૅન્સર થાય તો તેને ટકૉર્ટ(Turcot)નું સંલક્ષણ કહે છે. મોટા આંતરડાના મસાના નિદાનમાં બેરિયમબસ્તિ-ચિત્રશ્રેણી (barium enema) તથા સ્થિરાંત્ર-નિરીક્ષા (colonoscopy) ઉપયોગી નિદાન-પદ્ધતિઓ છે. દર્દીના મોટા આંતરડામાં ગુદામાર્ગે બેરિયમના ક્ષારનું એક્સ-રેરોધી દ્રાવણ નાંખીને આંતરડાના ચિત્રણો લેવાની નિદાનપદ્ધતિને બેરિયમબસ્તી ચિત્રણ કહે છે. તેવી રીતે દર્દીના મોટા આંતરડામાં ગુદામાર્ગે નળી નાંખીને નિરીક્ષણ કરવાની તપાસને સ્થિરાંત્ર-નિરીક્ષા કહે છે. જો એક અથવા ઓછી સંખ્યામાં મસા હોય તો તેના દંડને તારનો ગાળો કરીને વીંટાળી દેવામાં આવે છે અને કાપી કઢાય છે. સૂક્ષ્મદર્શક વડે તેની પેશીરુગ્ણતા (histopathology) નિશ્ચિત કરીને યોગ્ય સારવારનો નિર્ણય કરાય છે.
શાંતિ પટેલ
શિલીન નં. શુક્લ