મસૂર : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lens culinaris Medic. syn. L. esculenta Moench; Ervum lens Linn. (સં. મ. હિં. મસૂર; ક. ચન્નંગી; ત. મિસૂર, પુરપુર; બં. મુસૂરિ; તે. ચિશન ભલુ; અં. લેંટેલ) છે. તે નાની, 15 સેમી.થી 75 સેમી. ઊંચી, ટટ્ટાર, મૃદુ-રોમ ધરાવતી શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો સંયુક્ત પીંછાકાર (pinnate) હોય છે. તેની પર્ણિકાઓ 1.0 સેમી. લાંબી અને 0.3 સેમી. પહોળી હોય છે. પુષ્પો સફેદ, ગુલાબી, લાલ અથવા જાંબલી, 5 મિમી. લાંબાં અને પતંગિયા-આકાર હોય છે. તે એકાકી (solitary) અથવા નાના કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તે દ્વિલિંગી હોય છે અને 1.0 પુંકેસરો અને 1 સ્ત્રીકેસર ધરાવે છે. ફળ શિંબી (legume) પ્રકારનું, ચપટું, લીસું, લંબચોરસ (oblong) કે ચતુષ્કોણી (rhomboid) અને 1.0 સેમી.થી 1.5 સેમી. જેટલું લાંબું હોય છે. આ ફળમાં 5 x 5 x 5 મિમી. કદ ધરાવતાં, લીસાં, ચપટાં, લેન્સ આકારનાં (lenticular) અને આછા ગુલાબીથી રાતા રંગનાં બે બીજ આવેલાં હોય છે. 100 બીજનું વજન 1થી 2 ગ્રા. જેટલું હોય છે.
તેનો ઘણા પુરાણા કાળથી ખોરાક તરીકે ઉપયોગ થાય છે. તે સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, ગ્રીસ, મોરૉક્કો, અલ્જિરિયા, ઇજિપ્ત, ઇથિયોપિયા, જૉર્ડન, સીરિયા, તુર્કી, ભારત, પાકિસ્તાન, આર્જેન્ટિના, ઈક્વેડોર અને ચિલીમાં બહોળા પ્રમાણમાં ઉગાડાય છે. ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામમાં વાવવામાં આવે છે. તે લઘુ એશિયા (Asia Minor), ઈરાન અથવા સંભવત: હિંદુકુશની મૂલનિવાસી છે. મસૂરની વન્ય (wild) જાતો મોટેભાગે મધ્ય અને પશ્ચિમ એશિયાઈ પ્રદેશોમાં, ભૂમધ્ય પ્રદેશ અને એબિસિનિયામાં મળી આવે છે. તેમને બે ઉપજાતિઓ – ‘macrospermae’ અને ‘microspermane’માં વર્ગીકૃત કરવામાં આવે છે. ‘macrospermae’ ઉપજાતિ ભૂમધ્ય સમુદ્રના અને આફ્રિકાના પ્રદેશોમાં થાય છે અને તેનાં બીજ મોટાં હોય છે. બીજી ઉપજાતિ પશ્ચિમ અને નૈર્ઋત્ય એશિયામાં થાય છે અને તેનાં બીજ નાનાં થાય છે. આ બંને ઉપજાતિઓમાં રંગસૂત્રો સરખાં (n = 14) હોય છે. તે બંનેનું સંકરણ કરતાં વંધ્ય સંકર જાત ઉત્પન્ન થાય છે. નેપાળમાં થતી var. himalayansis તુંડ શલભ [(snout moth) = Etiella zinckenella Tr.]ની અવરોધક જાત છે. મસૂરના છોડનાં સ્વરૂપ, પ્રકાંડ અને પર્ણનો રંગ, પુષ્પનિર્માણનો સમય, પુષ્પનો રંગ, બીજનું કદ, રંગ અને તેના પર આવેલાં ચિહ્નોને આધારે ભારતમાં તેની 66 જેટલી જાતો અલગ તારવવામાં આવી છે. તે પૈકી એન. પી. 11 અને એન. પી. હાઈબ્રીડ 1ની વિતરણ માટે પસંદગી કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં ‘પ્રકાર-3’ લગભગ 1,458 કિગ્રા.થી 1,680 કિગ્રા./હેક્ટર જેટલું અને ‘પ્રકાર-36’ 2,197 કિગ્રા./હેક્ટર જેટલું ઊંચું ઉત્પાદન આપતી જાતો ગણાય છે.
આ પાક વિવિધ પ્રકારની આબોહવા માટે અનુકૂલનની બહોળી માત્રા દર્શાવે છે. તે ઉત્તર ભારતમાં 3,450 મી.ની ઊંચાઈ સુધી હલકી ગોરાડુ કે કાંપયુક્ત(alluvial) ભૂમિમાં અને દક્ષિણ ભારતમાં કાળી કપાસભૂમિ (black cotton soil)માં થાય છે. તે મધ્યમ આલ્કલીયતા (alkalinity) સહી શકે છે. વધારે પડતી ભેજવાળી ફળદ્રૂપ ભૂમિમાં તેનાં પર્ણો પુષ્કળ પ્રમાણમાં વૃદ્ધિ પામે છે, પરંતુ બીજ અને ફળના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ચણાની જેમ તેની ખેતી વરસાદના સંગૃહીત ભેજમાં બિનપિયત રીતે પણ થઈ શકે છે. તેનું અન્ય રવી પાકોની સાથે ઑક્ટોબર–નવેમ્બરમાં વાવેતર થાય છે. આ પાક વાવેતર બાદ લગભગ 3.0થી 3.5 માસમાં લણણી માટે તૈયાર થાય છે.
આ પાકને પર્ણનો ગેરુ Uromyces fabae (Pers.) de Bary નામની ફૂગ દ્વારા થાય છે. રોગનિયંત્રણ માટે લણણી બાદ વનસ્પતિનો પર્ણ સહિતનો કચરો બાળી નાખવામાં આવે છે અને બીજને રાસાયણિક ચિકિત્સા આપવામાં આવે છે. તેને સુકારાનો રોગ Fusarium orthoceras (App. et Wr.) var. lentis Vasudev & Srinivasan-નામની ફૂગ દ્વારા થાય છે.
મસૂરનો ઉપયોગ દાળ તરીકે થાય છે. તે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર ગણાય છે. ફોતરાંવાળી દાળને આકર્ષક દેખાવ આપવા મૅગ્નેસાઇટ પાઉડર કે કણમય (gritty) પાઉડર વડે પૉલિશ કરવામાં આવે છે. તેની ખીચડી પણ બનાવાય છે. તેના બજારના એક નમૂનાનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ભેજ 12.4 %; પ્રોટીન 25.1 %; લિપિડ (ઈથર-નિષ્કર્ષ) 0.7 %; કાર્બોદિતો 59.7 % અને ખનિજ દ્રવ્ય 2.1 %. તેમાં રહેલા કાર્બોદિતોમાં હેમિસેલ્યુલૉસ સ્ટાર્ચ, પેરાગેલૅક્ટોએરેબેન, સ્ટાર્ચિયોઝ અને અપચાયક (reducing) શર્કરાઓનો સમાવેશ થાય છે. એન. પી. 11ના બીજમાં 30 % જેટલું પ્રોટીન હોય છે. મસૂરનું પ્રોટીન વાલ અને વટાણાના પ્રોટીન જેવું હોય છે. તેના કુલ પ્રોટીનનું વિભાગીકરણ કરતાં મળી આવતા અંશોનું પ્રમાણ આ પ્રમાણે છે : જલદ્રાવ્ય અંશ 25.9 %, ગ્લોબ્યુલિન 44.0 %, પ્રોલેમિન 1.8 % અને ગ્લુટેલિન 20.6 %. જલદ્રાવ્ય અંશ મોટેભાગે પ્રોટીનરહિત (nonprotein) નાઇટ્રોજનનો બનેલો હોય છે. બે પ્રોટીઓસની હાજરી પણ તેમાં માલૂમ પડી છે. મસૂરના પ્રોટીનમાં મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન નામના ઍમિનો-ઍસિડનું પ્રમાણ નહિવત્ હોય છે. અંકુરિત બીજના પ્રોટીનનું જૈવિક મૂલ્ય વધારે ઊંચું હોય છે.
મસૂર પ્રજીવક ‘બી’ સંકુલનો સારો સ્રોત છે. તે થાયેમિન 0.26 મિગ્રા.; રાઇબોફ્લેવિન 0.21 મિગ્રા.; નિકોટિનિક ઍસિડ 1.7 મિગ્રા.; કોલાઇન 223 મિગ્રા.; ફૉલિક ઍસિડ 107 મિગ્રા.; ઇનોસિટોલ 130 મિ.ગ્રા.; પેન્ટોથેનિક ઍસિડ 1.6 મિગ્રા., બાયૉટિન 13.2 મિગ્રા.. અને પાયરિડૉક્સિન 0.49 મિગ્રા./100 ગ્રા. ધરાવે છે. અન્ય પ્રજીવકોમાં કૅરોટિન 1.6 મિગ્રા.; ઍસ્કૉર્બિક ઍસિડ 4.2 મિગ્રા; પ્રજીવક ‘કે’ 0.25 મિગ્રા. અને ટોકૉફેરોલ 2.0 મિગ્રા/100 ગ્રા.નો સમાવેશ થાય છે. અંકુરણ-સમયે ફૉલિક ઍસિડ અને પેન્ટોથેનિક ઍસિડ સિવાયનાં બધાં પ્રજીવકોમાં વધારો થાય છે.
મસૂરના પ્રોટીનનું જૈવિક મૂલ્ય અને સુપાચ્યતા-આંક (digestibility coefficient) નીચેની સારણીમાં આપવામાં આવેલ છે :
મસૂરના પ્રોટીનનું જૈવિક મૂલ્ય અને સુપાચ્યતા–આંક
અંતર્ગૃહિત પ્રોટીનની કક્ષા (%) | જૈવિક મૂલ્ય (%) | સુપાચ્યતા-આંક (%) |
6 | 53 | 92 |
11 | 32 | 90 |
15 | 25 | 92 |
10 | 58 | 78 |
10 | 41 | 88 |
12 | 45 | 92 |
મસૂરમાં ખનિજદ્રવ્યનું પ્રમાણ આ પ્રમાણે છે : કૅલ્શિયમ 38.6 મિગ્રા.; ફૉસ્ફરસ 242.0 મિગ્રા.; લોહ 7.62 મિગ્રા.; સોડિયમ 36.0 મિગ્રા.; પોટૅશિયમ 67.3 મિગ્રા.; મૅગ્નેશિયમ 76.5 મિગ્રા.; સલ્ફર 122.0 મિગ્રા. અને ક્લોરિન 63.6 મિગ્રા./ 100 ગ્રા.; આયોડિન 25–30 માઇક્રોગ્રામ/કિગ્રા. આ ઉપરાંત તે બ્રોમીન, મૅંગેનીઝ, ઍલ્યુમિનિયમ, તાંબું, જસત અને આર્સેનિક પણ ધરાવે છે.
મસૂરમાં ઍમાયલેઝ, પ્રોટિયેઝ, ફૉસ્ફેટેઝ અને ફાઇટેઝ નામના ઉત્સેચકો હોય છે. અંકુરણ-સમયે ડાઇપેપ્ટિડેઝની વધારે સક્રિયતા જોવા મળે છે. ઍસ્ક્યુલેનિન નામના સૅપોનિનનું સારા પ્રમાણમાં અલગીકરણ કરવામાં આવે છે. ભ્રૂણમાં ઍસ્પેરેજિન પણ હોય છે.
મસૂર વ્યાપારિક સ્ટાર્ચ(ઉત્પાદન 28.5 %)નો સ્રોત ગણાય છે. તેનો ઉપયોગ વસ્ત્ર-ઉદ્યોગ અને સુતરાઉ કાપડના છાપકામમાં થાય છે. સ્ટાર્ચના નિષ્કર્ષણ પછી વધેલો અવશેષ (residue) ઢોરોના ખાણમાં વાપરવામાં આવે છે. તે [વાયુશુષ્ક(air-dry)ને આધારે] ભેજ 8.32 %, પ્રોટીન 38.95 %, સ્ટાર્ચ 21.99 %, અશુદ્ધ રેસો 26.75 % અને ભસ્મ 4.26 % ધરાવે છે.
મસૂરનાં ફોતરાં અને ભૂસાનો ઉપયોગ પશુધનના ખોરાક તરીકે થાય છે. તેનાં લીલાં કે સૂકાં પર્ણો અને પર્ણદંડો પણ ઘાસચારા તરીકે ઉપયોગી છે. કેટલીક વાર લીલું ખાતર મેળવવા માટે પણ તે ઉગાડવામાં આવે છે.
આયુર્વેદની ર્દષ્ટિએ તે મધુર, શીતલ, ગ્રાહક, વાતકર, લઘુ, રુક્ષ, વર્ણકર, બલકર તેમજ બૃંહણ હોવા ઉપરાંત કફ, રક્તદોષ, જ્વર મૂત્રકૃચ્છ અને રક્તપિત્ત-નાશક છે. તેનાં પર્ણોની ભાજી કડવી અને હલકી છે. તેનો ઉપયોગ દ્વિદોષજનિત ઊલટી ઉપર પણ થાય છે.
બાલકૃષ્ણ જોશી
બળદેવભાઈ પટેલ