મસૂદ, હુસેનખાન (જ. 1919, કરીમગંજ, ફર્રુખાબાદ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ લેખક. તેમના વિવેચનગ્રંથ ‘ઇકબાલ કી નઝરી ઓ અમલી શેરિયત’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ. એ. તથા પીએચ.ડી.ની તેમજ પૅરિસ યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની ડિગ્રીઓ મેળવી હતી. તેમણે અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમાં ઓસમાનિયા યુનિવર્સિટીમાં ઉર્દૂના પ્રાધ્યાપક, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક, નવી દિલ્હી ખાતેની જામિયા મિલિયા ઇસ્લામિયાના ઉપકુલપતિ, અલીગઢ ખાતેની જામિયા ઉર્દૂના માનાર્હ ઉપકુલપતિ તેમજ અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટી ખાતે અતિથિ પ્રાધ્યાપકનાં પદો ઉલ્લેખનીય છે.
તેમણે સાહિત્યિક વિવેચન, ભાષાશાસ્ત્ર અને કવિતા વિશે 12 જેટલા ગ્રંથો આપ્યા છે. તેમણે અનેક ઉર્દૂ પ્રશિષ્ટ ગ્રંથોનું સંપાદન કરવા ઉપરાંત ‘કદીમ ઉર્દૂ’, ‘ફિક્ર ઓ નજર’ જેવાં સંશોધનલક્ષી સામયિકોનું તથા ‘હમારી જબાન’ નામક ઉર્દૂ સાપ્તાહિકનું સંપાદન પણ કર્યું છે. છેલ્લે તૈયાર કરવા હાથ ધરાયેલા ઉર્દૂ શબ્દકોશના તેઓ મુખ્ય સંપાદક રહેલા.
વિષયની વેધક પકડ, વિશ્લેષણાત્મક અભિગમ તથા સંશોધન-સામગ્રીનું વિદ્વત્તાપૂર્ણ નિરૂપણ જેવી વિશેષતાઓને કારણે ઉર્દૂ સાહિત્યમાં તેમનો ઉપર ઉલ્લેખેલ વિવેચનગ્રંથ ગણનાપાત્ર છે.
મહેશ ચોકસી