મસૂદ સઅ્દ સલમાન (જ. 1014, લાહોર; અ. 1089 લગભગ) : ગઝનવી અને સલ્જુક યુગના ફારસી સાહિત્યના એક પ્રખ્યાત કવિ. તેમના પૂર્વજો ઈરાનના હમદાન શહેરના રહેવાસી હતા. તેમના પૂર્વજો પણ વિદ્વાન અને વિદ્યાપ્રિય હતા. ખાસ કરીને તેમના પિતા સઅ્દ અને તેમના દાદા સલમાન તેમના જમાનાના વિદ્વાનો હતા. તેમના પિતા સઅ્દ 60 વર્ષ સુધી ગઝનવી સુલતાનોની સેવામાં રહ્યા હતા. મસૂદની હિંદમાં જાગીર-જાયદાદ પણ હતી. શરૂઆતમાં તેમનો સંબંધ ગઝનવી સુલતાન ઇબ્રાહીમના દરબાર સાથે રહ્યો હતો. સુલતાન ઇબ્રાહીમે પોતાના પુત્ર મહેમૂદને 1076માં હિંદમાં હકૂમતની સોંપણી કરી ત્યારે મસૂદ પણ તેમની સાથે હતા. યુદ્ધ-વિષયક વહીવટી કાર્યોમાં તેઓ હંમેશાં તેમના સહાયક થયા હતા; પરંતુ વિરોધીઓ – શત્રુઓની કાનભંભેરણીને કારણે મસૂદ, સુલતાન ઇબ્રાહીમના અપ્રિય બન્યા અને લગભગ 18 વર્ષ જેટલો લાંબો ગાળો વિવિધ કેદખાનાંઓમાં વિતાવ્યો. જોકે છેલ્લે અલ્પ અરસલાન અને બહેરામશાહ જેવા શાસકોએ તેમને આશ્રય આપ્યો; પરંતુ જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેમણે શાહી દરબાર છોડી દીધો અને બાકીનું જીવન એકાંતવાસમાં વિતાવ્યું.
મસૂદ ફારસી સાહિત્યના કસીદાકારોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જીવનનાં કીમતી વર્ષો તેમણે કારાવાસમાં વિતાવ્યાં હોઈ છેવટે તેઓ બહુ જ વૃદ્ધ, અશક્ત અને હતાશ થઈ ગયા હતા. તેમની વિશેષ નોંધપાત્ર રચનાઓ તેમના કારાવાસ દરમિયાન થયેલી, જે ‘હબસિય્યાત’ નામે ઓળખાય છે. કેદખાનાની અંધારી કોટડીમાં રચાયેલ આ કાવ્યપંક્તિઓમાં એક પ્રકારનું દર્દ, ગમ, મુસીબતો અને અંતરની વાસ્તવિક લાગણીઓનું પ્રતિબિંબ જોવા મળે છે. તેમાં કવિહૃદયનાં રુદન-વિલાપ, દાદ-ફરિયાદ વગેરેનો પડઘો પડે છે; જે ફારસી સાહિત્યના બીજા કવિઓમાં ભાગ્યે જ જોવા મળે છે. તેમના કસીદાઓમાં શિકવા અને શિકાયત તથા વ્યથાપૂર્ણ જીવનની દાસ્તાન પણ છે. તેમણે પોતાના કસીદાઓમાં શાહોને નૈતિક શિક્ષણ અને જીવન-બોધ પણ આપ્યો છે. તેમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓ તરફ પણ ઇશારો થયો છે.
મસૂદના કસીદાઓમાં ખુદ્દારી અને આત્મગૌરવની ઝલક છે. તેમણે ગઝનવી સુલતાનો, વજીરો અને અમીર-ઉમરાવોની પ્રશસ્તિમાં કસીદાઓ રચ્યા છે. તેમણે કેટલીક સુંદર અને મધુર ગઝલો પણ લખી છે. હકીમ સનાઈ, સૈયદ હસન ગઝનવી અને રશીદી સમરકંદી જેવા સમકાલીન કવિઓ સાથે પણ તેમનો ગાઢ સંબંધ હતો.
ઈસ્માઈલ કરેડિયા