મલ્હોત્રા, સંજય

July, 2026

મલ્હોત્રા, સંજય (જ. 14 ફેબ્રુઆરી, 1968, બિકાનેર, રાજસ્થાન, ભારત) : રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના 26મા ગવર્નર અને ભારતના ઉચ્ચ સનદી અધિકારી (IAS). 11 ડિસેમ્બર, 2024ના રોજ પોતાના પુરોગામી શક્તિકાંત દાસ પાસેથી રિઝર્વ બૅંકના ગવર્નર તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે પદભાર સંભાળ્યો. 1990ની રાજસ્થાન બેચના ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારી. LIC (ભારતીય જીવન વીમા નિગમ)નો આઇપીઓ લાવવાની વ્યૂહરચના બનાવવાનું અને વ્યક્તિગત કરદાતાઓને રૂ. 12 લાખ સુધી કરમુક્તિનો લાભ આપતી નવી આવકવેરા વ્યવસ્થા ઊભી કરવાનો શ્રેય મલ્હોત્રાને જાય છે.

પ્રાથમિક શિક્ષણ બિકાનેરની કેન્દ્રીય વિદ્યાલયમાંથી મેળવ્યું. 1989માં કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી (IIT)માંથી કમ્પ્યૂટર સાયન્સમાં ટૅક્નૉલૉજીમાં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યાર બાદ અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં વૂડ્રૉ વિલ્સન ઑફ પબ્લિક ઍન્ડ ઇન્ટરનેશનલ અફેર્સમાંથી પબ્લિક અફેર્સમાં અનુસ્નાતકની ઉપાધિ મેળવી, જેમાં જાહેર વહીવટમાં અર્થશાસ્ત્ર અને વહીવટ પર ભાર મૂકવામાં આવે છે. 1989માં પ્રથમ પ્રયાસમાં સિવિલ સેવાની પરીક્ષામાં 1,00,000થી વધારે ઉમેદવારો વચ્ચે ટોચનું સ્થાન મેળવ્યું અને 1990માં ભારતીય વહીવટી સેવામાં રાજસ્થાન બેચના IAS અધિકારી બન્યા.

1996થી 1998 સુધી ચિત્તોડગઢ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તરીકે નિમણૂક થઈ, જ્યાં તેમણે જિલ્લામાં વહીવટીતંત્રનું માળખું સુધાર્યું, મહેસૂલી આવકમાં વધારો કર્યો અને કાયદાનો અમલ કરતી સંસ્થાઓને મજબૂત કરી. આ સફળતાને પગલે રાજસ્થાન સરકારે ઊર્જા વિભાગમાં મલ્હોત્રાની નિમણૂક પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કરી, જ્યાં તેમણે ચાર શહેરોમાં વીજવિતરણ કંપનીઓની કામગીરીનું નેતૃત્વ કર્યું. આ હોદ્દા પર વીજટ્રાન્સમિશનમાં સરકારી-ખાનગી ભાગીદારીની શરૂઆત કરવાની સાથે મલ્હોત્રાએ મીટરિંગ, બિલિંગ અને કલેક્શન વ્યવસ્થાઓની કાર્યક્ષમતામાં વધારો કર્યો.

2020માં મલ્હોત્રાની કેન્દ્ર સરકારમાં વીજ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે નિમણૂક થઈ, જેમાં તેમણે વીજટ્રાન્સમિશન અને વિતરણ નેટવર્ક સહિત વીજક્ષેત્રની માળખાગત સુવિધાઓનાં વિવિધ પાસાંને મજબૂત કર્યાં. 9 નવેમ્બર, 2020ના રોજ રુરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન લિમિટેડ(REC)ના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ. REC કેન્દ્ર સરકારની ‘મહારત્ન’નો દરજ્જો ધરાવતી કંપની છે. કંપની ગ્રામીણ વિસ્તારોનું વીજળીકરણ, અક્ષય ઊર્જાને પ્રોત્સાહન અને માળખાગત સુવિધાઓની સ્થાપના માટે ધિરાણનું કામ કરે છે. કેન્દ્ર સરકારની સરકારી વીજકંપનીઓની નાણાકીય સ્થિતિ સુધારવા માટે ઉદય યોજના બનાવવાનો શ્રેય પણ મલ્હોત્રાને જાય છે.

ફેબ્રુઆરી, 2022માં મલ્હોત્રાની નાણાં મંત્રાલયમાં ધિરાણ સેવા વિભાગમાં સચિવ તરીકે નિમણૂક થઈ. આ કાર્યકાળ દરમિયાન રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના સરકારનિયુક્ત ડિરેક્ટર તરીકે મલ્હોત્રાએ સેવા આપી. ડેટા-સંચાલિત અભિગમ પર ભાર મૂકવા માટે જાણીતા મલ્હોત્રાએ ધિરાણનું જોખમ ઘટાડવા ઉપયોગી મૉડલ બનાવવા અને નીતિનિર્માણમાં આરબીઆઈ સાથે કામ કર્યું.

1 ડિસેમ્બર, 2022ના રોજ કેન્દ્ર સરકારે નાણાં મંત્રાલયમાં મહેસૂલ વિભાગના મહેસૂલ સચિવ તરીકે મલ્હોત્રાની નિમણૂક કરી, જ્યાં તેમના પુરોગામી તરુણ બજાજ હતા. આ પદ પર મલ્હોત્રાએ પ્રત્યક્ષ કરવેરા, જકાત, કેન્દ્રીય જકાતવેરા તથા ચીજવસ્તુઓ અને સેવા કરવેરા(જીએસટી)ના માળખાંનાં વિવિધ પાસાં પર કામગીરી કરી, જેમાં નીતિનિર્માણ, કરદાતાઓને સેવા અને કાયદાઓના અમલની વ્યવસ્થાઓને સરળ બનાવવાનું સામેલ હતું. કરવેરાના નિયમોનું પાલન વધારવા અને કરદાતાઓનો આધાર વધારવા માટેની કામગીરી બદલ મલ્હોત્રાની પ્રશંસા થઈ.

નવી આવકવેરા વ્યવસ્થા પ્રસ્તુત કરવાનો અને વર્ષ 2023-24માં વ્યક્તિગત કરદાતાઓ માટે તેને સ્વાભાવિક વિકલ્પ બનાવવાનો શ્રેય મલ્હોત્રાને જાય છે. કરમુક્તિ સિવાય આવકવેરાના દર ઘટાડીને નાણાકીય આયોજનના લાભ પર ભાર મૂકતા મલ્હોત્રા સરકારી આવકની સ્થિરતા સાથે કરદાતાઓને સ્વૈચ્છિક રીતે કરવેરાનું પાલન કરવા પ્રોત્સાહન આપવામાં માને છે. 2024-25ના યુનિયન બજેટમાં મલ્હોત્રાની ભલામણને પગલે કેન્દ્ર સરકારે 12 લાખ સુધીની આવકને કરમુક્તિનો લાભ આપ્યો છે. તેમના કાર્યકાળમાં દેશની પ્રત્યક્ષ કરવેરાની આવક વધીને નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 19.58 કરોડ થઈ હતી.

9 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમને મહેસૂલ સચિવની સાથે ધિરાણ સેવા વિભાગના સચિવ તરીકેની વધારે જવાબદારી સુપરત કરવામાં આવી. ત્યાર બાદ 9 ડિસેમ્બર, 2024ના રોજ કેન્દ્ર સરકારે રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના નવા ગવર્નર તરીકે મલ્હોત્રાની નિમણૂકની જાહેરાત કરી અને 11 ડિસેમ્બરના રોજ તેમણે ત્રણ વર્ષ માટે આ પદભાર ગ્રહણ કર્યો.

રિઝર્વ બૅંકના ગવર્નર તરીકે મલ્હોત્રા નીતિગત સાતત્યતા અને નાણાકીય, રાજકોષીય અને કરવેરાક્ષેત્રોમાં સ્થિરતા જાળવવાનું પસંદ કરે છે. હાલ વૈશ્વિક આર્થિક પડકારો અને ભૂરાજકીય જટિલતાઓ વચ્ચે મલ્હોત્રાએ મોંઘવારીમાં નિયંત્રણ સાથે આર્થિક વૃદ્ધિને વેગ આપવા સંતુલિત અભિગમ અપનાવ્યો છે. તેમણે રિટેલ મોંઘવારીને 4 ટકા સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. જોકે, પ્રથમ રશિયા-યુક્રેન અને પછી અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધને પગલે દેશમાં પેટ્રોલ-ડીઝલની ખેંચ ઊભી થવાથી આ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં તેમને પર્યાપ્ત સફળતા મળી નથી.

કેયૂર કોટક