મલ્લવાદી સૂરિ : ચોથી સદીમાં ગુજરાતમાં થયેલ જૈન સૂરિ. મલ્લવાદી નામના શ્વેતપટ ક્ષમાશ્રમણે શીલાદિત્ય રાજાની સભામાં બૌદ્ધોને ઈ. સ. 357(વિ. સં. 414)માં હરાવી સૌરાષ્ટ્રમાંથી દૂર કર્યાની વિગત ‘પ્રભાવકચરિત’માં નોંધવામાં આવી છે. મલ્લવાદીએ બારખંડનો ‘દ્વાદશાનયચક્ર’ નામે નયગ્રંથ તૈયાર કર્યો હતો. એ જૈન ન્યાયનો ઘણો મહત્વનો પ્રાચીન ગ્રંથ ગણાય છે. મૈત્રકકાલમાં આ ગ્રંથ વલભીમાં રચાયો હતો. સોલંકીકાલ પહેલાંના સાહિત્યમાં મલ્લવાદીનું ‘દ્વાદશાનયચક્ર’ નોંધપાત્ર છે. આ ગ્રંથ સંસ્કૃતમાં છે અને એના પર શ્રીસિંહ ક્ષમાશ્રમણે ટીકા રચેલી છે.
આ મલ્લવાદીએ બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિકૃત ન્યાયબિંદુની ધર્મોત્તરકૃત ટીકા પર ‘ધર્મોત્તરટિપ્પન’(સં. 1231માં લખાયેલ તાડપત્રની પ્રત પાટણના ભંડારમાં સચવાયેલી છે.) રચ્યું હોવાનું મનાય છે. મલ્લવાદીએ ‘નયચક્ર’ ઉપરાંત ‘સન્મતિતર્કવૃત્તિ’ આદિ રચેલ જણાય છે. એમનું ચરિત્ર ‘પ્રભાવકચરિત્ર’, ‘પ્રબંધચિંતામણિ’, ‘સમ્યક્ત્વસપ્તતિવૃત્તિ’ અને ‘પ્રબંધકોષ’ મળે છે. હેમચંદ્રાચાર્યકૃત ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં ‘તાર્કિકશિરોમણિ’ (ઉત્કૃષ્ટ તાર્કિક) તરીકે આ આચાર્યનો ઉલ્લેખ થયો છે.
મલ્લવાદીએ ‘પઉમચરિઉ’, (‘પદ્મચરિત’ = રામનું ચરિત) નામે મહાકાવ્ય પણ રચ્યું હતું. વળી સિદ્ધસેન દિવાકરના ‘સન્મતિપ્રકરણ’ પર ટીકા લખી હતી. નાગાર્જુને જ્યાં પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા સ્થાપી હતી તે સ્તંભનક(થાંભણા)ના તીર્થનું સૂરિપદ મલ્લવાદીએ સંભાળ્યું હતું.
રામજીભાઈ ઠા. સાવલિયા