મલ્કાનગિરિ  જિલ્લો

January, 2002

મલ્કાનગિરિ  જિલ્લો : ઓડિશા રાજ્યના છેક નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તેમજ જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે 18  25 ´ ઉ. અ.થી 82  13´ પૂ. રે. પર સ્થિત છે. તેનો વિસ્તાર આશરે 5,791 ચો.કિમી. છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 195 મીટર ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની ઉત્તરે અને પશ્ચિમે છત્તીસગઢ રાજ્યનો બસ્તર જિલ્લો, પૂર્વે કોરાપુટ જિલ્લો જ્યારે દક્ષિણે આંધ્રપ્રદેશ રાજ્યના ખમ્મામ અને પૂર્વ ગોદાવરી જિલ્લા આવેલાં છે.

મલ્કાનગિરિ જિલ્લો

આબોહવા : અહીંની  આબોહવા ઉષ્ણકટિબંધીય ગરમ પ્રકારની છે. ઉનાળો સૂકો અને શિયાળો પ્રમાણમાં ખુશનુમા રહે છે. શિયાળો પ્રમાણમાં ઠંડો અનુભવાય છે. તાપમાન આશરે 13  સે.થી 25  સે. જેટલું રહે છે. ઉનાળો ગરમ અને સૂકો રહેતો હોવાથી તાપમાન આશરે 40  થી 45  સે. જેટલું રહે છે. કેટલીક વાર 47  સે. સુધી પણ પહોંચી જાય છે. વર્ષાઋતુ દરમિયાન વરસાદ આશરે 1700 મિમી. જ પડે છે. વર્ષાઋતુ દરમિયાન ભેજનું પ્રમાણ અધિક રહે છે.

ભૂપૃષ્ઠ – જળપરિવાહ – વનસ્પતિ : મલ્કાનગિરિ ઉચ્ચસપાટ પ્રદેશ હોવા છતાં જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ સમતળ અને મેદાની છે.  ભૂપૃષ્ઠનો ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. તેની ઊંચાઈ 120 મીટરથી 240 મીટર સુધીની છે.

આ જિલ્લાની મુખ્ય નદીઓ કોલાબ, પોટ્ટેરુ, સીલેરુ અને સાબરી છે. કોલાબ નદી આ જિલ્લાની સીનકારામ ટેકરીઓમાં ઉદગમ પામે છે અને તે દક્ષિણથી પશ્ચિમ તરફ વહે છે. હેઠવાસમાં આગળ જતાં ગોદાવરીને મળે છે. આ ચાર નદીઓ સિવાય અન્ય નાની નદીઓ પણ વહે છે. પરિણામે આ જિલ્લો જળસંપત્તિની દૃષ્ટિએ સમૃદ્ધ છે.

આ સમગ્ર પ્રદેશ ગીચ વનસ્પતિનાં જંગલોથી છવાયેલો છે. મોટે ભાગે આ જંગલોમાં પાનખર પ્રકારનાં વૃક્ષો સાગ, સાલ, સાદડ, સમરકાઈ વગેરે છે. અહીંની વન્ય પ્રાણીસૃષ્ટિમાં વાઘ, દીપડો, જરખ, નીલગાય વગેરે જોવા મળે છે. જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓનું વૈવિધ્ય જોવા મળે છે. આ જંગલોમાં વાંસ અને ત્રણ મીટર ઊંચાઈ ધરાવતું ઘાસ પણ જોવા મળે છે.

ખેતીપશુધન : આ જિલ્લામાં આદિકક્ષાની ખેતી થાય છે. આદિવાસીઓ ખેતીકાર્યમાં રોકાયેલા છે. તેઓ ખેડાણકાર્યને ‘પોડો’ કહે છે. તેઓ ટેકરીઓના ઢોળાવોને અને ઉપરના ભાગોને માર્ચ-એપ્રિલમાં સાફ કરી, ખોતરીને તેના પર ડાળી-ડાળખાં-પાંદડાં ઠાલવી સુકાવા દે છે. પછી તેને બાળીને તે જમીનને ખેડી ત્યાં વાવણી કરે છે. એક જ જમીન પર ત્રણ વર્ષ સુધી પાકની ફેરબદલી કરીને જુદા જુદા પાકનું ઉત્પાદન લે છે. તે પછી જમીનને પડતર રહેવા દે છે. વધુ સારી પદ્ધતિથી ખેતી થાય તે માટે રાજ્ય સરકારે વિશાળ ખેતરો કરાવ્યાં છે; જેમાં ડાંગર-ઘઉં, મકાઈ, રાગી અને ચણાનું હવે ઉત્પાદન લેવાય છે. અહીં પશુપાલનમાં ગાય, ભેંસ, બળદ, ઘેટાં અને ડુક્કર મુખ્ય પશુઓ છે. ગ્રામીણ અને શહેરી ભાગોમાં મરઘાં-ઉછેર પણ થાય છે. પશુસુધારણા અને પશુસ્વાસ્થ્ય અર્થે અહીં પશુદવાખાનાં, પશુ-ચિકિત્સાલયો, તેમજ કૃત્રિમ ગર્ભાધાન-મથકો ઊભાં કરવામાં આવ્યાં છે.

ઉદ્યોગવેપાર : ઔદ્યોગિક દૃષ્ટિએ આ જિલ્લો પછાત છે. મોટા ઉદ્યોગો અહીં વિકસ્યા નથી; પરંતુ વણાટકામ, લુહારીકામ, ટોપલીઓ બનાવવાનું કામ અને માટી-ઉદ્યોગ જેવા ગૃહઉદ્યોગો કાર્યરત છે. અહીં કુટિર-ઉદ્યોગમાં મુખ્યત્વે માટીનાં પાત્રો, વાંસની સાદડીઓ, લાકડાનાં કૃષિસાધનો તેમજ ઓજારો બને છે. શણ, ડાંગર, તેલીબિયાંની નિકાસ તથા કઠોળ, ઘઉં, ખાંડ, કેરોસીન, કાપડ વગેરેની આયાત થાય છે.

કુટિર-ઉદ્યોગ

પરિવહનપ્રવાસન : જિલ્લામથક મલ્કાનગિરિ જવા માટે જયપોરથી સડકમાર્ગ છે, જ્યારે રેલમાર્ગ દૂર છે. અહીંનાં તાલુકામથકો તેમજ સમાજવિકાસ-ઘટકમથકો અન્યોન્ય તેમજ મલ્કાનગિરિ સાથે બસ-સેવાથી જોડાયેલાં છે. મલ્કાનગિરિ ઉપવિભાગમાં આવેલું નાનકડું બાલીમેલા તેની જળવિદ્યુતયોજના માટે જાણીતું બનેલું છે. બાલીમેલાથી 35 કિમી. દૂર ચિત્રકોન્ડા ખાતે સિલેરુ નદી પર એક બંધ બાંધવામાં આવેલો છે. જિલ્લાથી થોડેક દૂર મચ્છકુંડ અથવા મત્સ્યતીર્થ નામનું યાત્રાસ્થળ આવેલું છે. તે જળવિદ્યુતયોજનાનું મથક પણ છે. અહીં કુદરતી હરિયાળી વચ્ચે સુંદર નગર પણ વિકસ્યું છે. જિલ્લામાં વારતહેવારે જુદા જુદા મેળા ભરાય છે તેમજ ઉત્સવો ઊજવાય છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી (2025 મુજબ) આશરે 7,50,000 છે. સાક્ષરતાનું પ્રમાણ 50% જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 1016 મહિલાઓ છે. વસ્તીગીચતા આશરે દર ચો.કિમી. 106 છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 22.55% અને 57.83% છે. ભારતના સૌથી પછાત જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હોવાથી ‘Backward Regions Grant Fund’ અન્વયે જિલ્લાને આર્થિક મદદ મળે છે. આ જિલ્લામાં બોલીઓનું વૈવિધ્ય છે. જેમાં ઊડિયા (34.06%), કોયા (23.40%), બંગાળી (21.48%), દેશીઆ (4.18%), તેલુગુ (12.97%), કુવી (2.59%), ભુયાન (1.72%), પોરજા (1.72%) અને હલ્બી (1.36%) ભાષા બોલાય છે. આ સિવાય રેમો અને ગ્ટા ભાષા પણ બોલાય છે.

અહીં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ છે. આ સિવાય વાચનાલયો, જાહેર પુસ્તકાલયો પણ આવેલાં છે. આ જિલ્લાને સાત તાલુકાઓમાં વહેંચેલ છે. આ જિલ્લામાં બાંગ્લાદેશ અને શ્રીલંકાના નિર્વાસિતો આવી વસ્યા છે. આ બહારની પ્રજા નકસલવાદીઓ સાથે ભળી ગઈ હોવાથી આ વિસ્તાર ‘Red Corridor’ તરીકે ઓળખાય છે. વર્ષ 2024-25ના વર્ષમાં અનેક નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

ઇતિહાસ : અહીંની લોકવાયકા છે કે પાંડવોએ અહીંનાં ગીચ જંગલોમાં વનવાસનો સમય ગાળ્યો હતો. 1936ના વર્ષમાં મદ્રાસ પ્રેસિડેન્સીના કોરાપુટ જિલ્લાનો ભાગ હતો. 1936 પછી કોરાપુટ જિલ્લાને ઓડિશા અને મલ્કાનગિરિ તાલુકામાં વહેંચવામાં આવ્યો હતો. 1958માં પૂર્વ પાકિસ્તાનમાંથી આવેલા નિર્વાસિતોને દંડકારણ્ય પ્રકલ્પ અન્વયે અહીં વસાવ્યા હતા. 1992માં કોરાપુર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવેલી હોઈ તેની ઐતિહાસિક માહિતી કોરાપુટ જિલ્લામાં સમાવિષ્ટ છે.

મલ્કાનગિરિ (શહેર) : ઓડિશા જિલ્લાનું જિલ્લામથક અને શહેર.

તે 18  35´ ઉ. અ. અને 81  90´ પૂ. રે. પર સ્થિત છે. તેનો વિસ્તાર આશરે 9.62 ચો.કિમી. છે. આ શહેર સમુદ્રસપાટીથી આશરે 178 મીટર ઊંચાઈએ આવેલું છે. આ શહેર ચોતરફ ટેકરીઓથી ઘેરાયેલું છે. તેની પૂર્વે પશ્ચિમઘાટ તેમજ પશ્ચિમે નાની ટેકરીઓ આવેલી છે. પૂર્વ દિશાએ તીવ્ર ઢોળાવ ધરાવતા ઘાટ, ઉચ્ચપ્રદેશ અને ખીણપ્રદેશ આવેલા છે. આ શહેર પાસેથી કોલબા અને તેની શાખા નદીઓ પોટ્ટેરુ અને સીલેરુ વહે છે.

આ શહેરની આબોહવા પ્રમાણમાં ગરમ અનુભવાય છે. ઉનાળામાં મહત્ત્મ અને લઘુતમ તાપમાન અનુક્રમે 13  સે. અને 42  સે. અનુભવાય છે. શિયાળામાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 18  સે.થી 13  સે. જેટલું રહે છે. વર્ષાઋતુમાં સરેરાશ વરસાદ 1700 મિમી. જેટલો પડે છે. ચોમાસામાં ભેજનું પ્રમાણ અધિક રહે છે. વરસાદની માત્રા જ્યારે વધુ અનુભવાય છે ત્યારે પૂરને કારણે શહેરમાં કાદવકીચડનું પ્રમાણ વધી જતાં પડોશી શહેરો સાથેનો સંબંધ તૂટી જાય છે.

શહેરની આજુબાજુમાં વસતા લોકોની પ્રવૃત્તિ ખેતી છે. આથી આ શહેર ખેતપેદાશોનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર બન્યું છે. અહીં ખેતીનાં ઓજારો, વણાટકામ, વાંસમાંથી ગૃહઉપયોગી વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ વધુ જોવા મળે છે. શહેરની કુલ વસ્તીના આશરે 46% લોકો કુટિરઉદ્યોગમાં રોકાયેલા છે. અહીંનો બીજો ઉદ્યોગ ‘પ્રવાસન ઉદ્યોગ’ છે.

જડુગુડા ઈકોટૂરિઝમ પાર્ક

આ શહેર પાસેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 326 પસાર થાય છે. આ સિવાય રાજ્યના ધોરી અને તાલુકા માર્ગો પણ આ શહેર સાથે સંકળાયેલા છે. ઓડિશા રાજ્યમાં પડોશી રાજ્યોની માર્ગ-પરિવહનની બસો જેમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યોની બસો પણ ઉપલબ્ધ છે.

આ શહેર પાસેથી રેલમાર્ગ પસાર થતો નથી, પરંતુ નજીકનું રેલવેસ્ટેશન જેપોર છે. જે શહેરથી 110 કિમી. દૂર છે. ભદ્રાચલમ અને મલ્કાનગિરિ વચ્ચે રેલમાર્ગ નિર્માણ કરવાનું આયોજન છે. અહીં મલ્કાનગિરિ હવાઈ મથક આવેલું છે. જે શહેરથી નૈર્ઋત્યે આશરે 10 કિમી. દૂર છે. આ હવાઈ મથકનો પ્રારંભ 9 જાન્યુઆરી, 2024ના રોજ થયો હતો. જેનું ઉદઘાટન ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાટકે કર્યું હતું.

આ શહેરની વસ્તી (2025 મુજબ) આશરે 44,000 છે. જેમાં 52% પુરુષો અને 48% મહિલાઓ છે. અહીં હિન્દુ 92.95%, મુસ્લિમ 1.28%, ક્રિશ્ચિયન 4.498%, શીખ 0.13%, જૈન 0.02% જ્યારે અન્ય ધર્મના લોકોનું પ્રમાણ 0.51% છે. સાક્ષરતાનું પ્રમાણ 57% છે.

મલ્લિકેશ્વર મંદિર

આ શહેરની આજુબાજુ જોવાલાયક સ્થળોમાં સતીગુડા ડૅમ અને ઇકોટૂરિઝમ પાર્ક, બલીમેલા ડૅમ અને ઈકોટૂરિઝમ પાર્ક, અમ્માકુંડા, કાંગેર વેલી નૅશનલ પાર્ક, જડુગુડા ઈકોટૂરિઝમ પાર્ક, મલ્કાનગિરિનો આરક્ષિત જંગલવિભાગ, ભૈરાવલ મંદિર, મલ્લિકેશ્વર મંદિર, દંડકારણ્ય પ્રકલ્પ વગેરે છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી