મલ્કાનગિરિ : ઓરિસાના છેક નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 18° 15´ ઉ. અ. અને 82° 00´ પૂ. રે.ની આજુબાજુનો 6,115 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં રાજ્યનો કોરાપુટ જિલ્લો; પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ આંધ્રના પૂર્વ ગોદાવરી અને વિશાખાપટનમ્ જિલ્લા તથા પશ્ચિમ અને વાયવ્ય તરફ મધ્યપ્રદેશનો બસ્તર જિલ્લો આવેલા છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : મલ્કાનગિરિ ઉચ્ચસપાટપ્રદેશ હોવા છતાં જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ લગભગ સમતળ સપાટ મેદાની વિસ્તાર છે. અહીં મચકંદ નદીનો ખીણપ્રદેશ આવેલો છે. ભૂપૃષ્ઠનો ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. તેની ઊંચાઈ 240 મીટરથી 120 મીટર સુધીની છે. આખોય પ્રદેશ જંગલોથી છવાયેલો છે. અહીં આદિજાતિઓનો વસવાટ જોવા મળે છે. જમીનો હલકી કક્ષાની છે. સાગ અને સાલ અહીંનાં મુખ્ય વૃક્ષો છે તે ઉપરાંત અહીં વાંસ અને 3 મીટર જેટલી ઊંચાઈ ધરાવતું ઘાસ પણ થાય છે. અહીંના ખડકો મૅંગેનીઝ-લોહઅયસ્ક, અબરખ અને ચૂનાખડકોના વિશાળ જથ્થા ધરાવે છે તથા તેમનું ખનનકાર્ય પણ ચાલે છે. મચકંદ અહીંની મુખ્ય નદી છે, તે ગોદાવરીને મળતાં અગાઉ પ્રથમ નૈર્ઋત્ય તરફ અને પછીથી દક્ષિણ તરફ વહે છે. જિલ્લાની અન્ય નદીઓમાં સિલેરુ અને કોલાબનો સમાવેશ થાય છે.
ખેતી–પશુધન : આ જિલ્લામાં આદિકક્ષાની ખેતી થાય છે. આદિવાસીઓ ખેતીકાર્યમાં રોકાયેલા છે. તેઓ ખેડાણકાર્યને ‘પોડો’ કહે છે. તેઓ ટેકરીઓના ઢોળાવોને અને ઉપરના ભાગોને માર્ચ-એપ્રિલમાં સાફ કરી, ખોતરીને તેના પર ડાળી-ડાળખાં-પાંદડાં ઠાલવી સુકાવા દે છે. પછી તેને બાળીને તે જમીનને ખેડી ત્યાં વાવણી કરે છે. એક જ જમીન પર ત્રણ વર્ષ સુધી પાકની ફેરબદલી કરીને જુદા જુદા પાકનું ઉત્પાદન લે છે. તે પછી જમીનને પડતર રહેવા દે છે. વધુ સારી પદ્ધતિથી ખેતી થાય તે માટે રાજ્ય સરકારે વિશાળ ક્ષેત્રો કરાવ્યાં છે; જેમાં ડાંગર-ઘઉં, મકાઈ, રાગી અને ચણાનું હવે ઉત્પાદન લેવાય છે. અહીં ગાય, ભેંસ, બળદ, ઘેટાં અને ડુક્કર મુખ્ય પશુઓ છે. ગ્રામીણ અને શહેરી ભાગોમાં મરઘાં-ઉછેર પણ થાય છે. પશુસુધારણા અને પશુસ્વાસ્થ્ય અર્થે અહીં પશુદવાખાનાં, પશુ-ચિકિત્સાલયો, તેમજ કૃત્રિમ ગર્ભાધાન-મથકો ઊભાં કરવામાં આવ્યાં છે.
ઉદ્યોગ–વેપાર : ઔદ્યોગિક ર્દષ્ટિએ આ જિલ્લો પછાત છે. મોટા ઉદ્યોગો અહીં વિકસ્યા નથી; પરંતુ વણાટકામ, લુહારીકામ, ટોપલીઓ બનાવવાનું કામ અને માટી-ઉદ્યોગ જેવા ગૃહઉદ્યોગો કાર્યરત છે. અહીં મુખ્યત્વે માટીમાં પાત્રો, વાંસની સાદડીઓ, લાકડાનાં કૃષિસાધનો તેમજ ઓજારો બને છે. શણ, ડાંગર, તેલીબિયાંની નિકાસ તથા કઠોળ, ઘઉં, ખાંડ, કેરોસીન, કાપડ વગેરેની આયાત થાય છે.
પરિવહન–પ્રવાસન : જિલ્લામથક મલ્કાનગિરિ જવા માટે જયપોરથી સડકમાર્ગ છે, જ્યારે રેલમાર્ગ દૂર છે. અહીંનાં તાલુકામથકો તેમજ સમાજવિકાસ-ઘટકમથકો અન્યોન્ય તેમજ મલ્કાનગિરિ સાથે બસ-સેવાથી જોડાયેલાં છે. મલ્કાનગિરિ ઉપવિભાગમાં આવેલું નાનકડું બાલીમેલા તેની જળવિદ્યુતયોજના માટે જાણીતું બનેલું છે. બાલીમેલાથી 35 કિમી. દૂર ચિત્રકોન્ડા ખાતે સિલેરુ નદી પર એક બંધ બાંધવામાં આવેલો છે. જિલ્લાથી થોડેક દૂર મચ્છકુંડ અથવા મત્સ્યતીર્થ નામનું યાત્રાસ્થળ આવેલું છે. તે જળવિદ્યુતયોજનાનું સ્થળ પણ છે. અહીં કુદરતી હરિયાળી વચ્ચે સુંદર નગર પણ વિકસ્યું છે. જિલ્લામાં વારતહેવારે જુદા જુદા મેળા ભરાય છે તેમજ ઉત્સવો ઊજવાય છે.
વસ્તી : આ જિલ્લાની વસ્તી 1991 મુજબ 4,21,917 છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. અર્થાત્ અહીં સ્ત્રીઓનું પ્રમાણ દર હજાર પુરુષે 985 જેટલું છે. અહીં ઊડિયા, કુઈ, તેલુગુ, પરજી, ખૉંડ અને સવરા ભાષાઓ બોલાય છે. મલ્કાનગિરિ અને બાલીમેલામાં 4 માધ્યમિક અને 5 પ્રાથમિક શાળાઓ છે. અહીં 4 વાચનાલયો અને જાહેર પુસ્તકાલયો પણ છે. આ ઉપરાંત આ જિલ્લામાં આ બંને સ્થળોએ બે હૉસ્પિટલો, એક સ્વાસ્થ્યકેન્દ્ર અને ત્રણ કુટુંબનિયોજન-કેન્દ્રોની સુવિધા પણ છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને એક ઉપવિભાગમાં, ત્રણ તાલુકાઓમાં અને સાત સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં એક લાખથી ઓછી વસ્તીવાળાં ત્રણ નગરો તથા 928 ગામડાં છે.
ઇતિહાસ : 1992માં કોરાપુટ જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવેલી હોઈ તેની ઐતિહાસિક માહિતી કોરાપુટ જિલ્લામાં સમાવિષ્ટ છે.
ગિરીશભાઈ પંડ્યા