મલેશિયા
મલાયા, સાબાહ-સારાવાક (ઉત્તર બૉર્નિયો) મળીને બનતો મલેશિયા સંઘ. ભૌગોલિક સ્થાન : તે આશરે 1°થી 7° ઉ. અ. અને 100°થી 105° તથા 110°થી 119° પૂ. રે. વચ્ચેનો 3,29,758 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પૈકી મલાયા (પૂર્વ-પશ્ચિમના ટાપુઓ સહિત 1,31,347 ચોકિમી.), સાબાહ (76,134 ચોકિમી.) અને સારાવાક (1,25,000 ચોકિમી.) જેટલો વિસ્તાર ધરાવે છે. મલાયાની ઉત્તરમાં થાઇલૅન્ડ, પૂર્વમાં દક્ષિણ ચીની સમુદ્ર, દક્ષિણમાં સિંગાપોર ટાપુ અને પશ્ચિમમાં હિન્દી મહાસાગર આવેલા છે. સાબાહ-સારાવાકની ઉત્તર અને પશ્ચિમમાં દક્ષિણ ચીની સમુદ્ર, પૂર્વમાં પૅસિફિક મહાસાગર તથા દક્ષિણમાં કાલીમાન્તાન (બૉર્નિયો) આવેલા છે. મલેશિયા સંઘ સ્પષ્ટપણે બે વિભાગોમાં વહેંચાયેલો છે : પશ્ચિમ મલેશિયા અને પૂર્વ મલેશિયા. પશ્ચિમ મલેશિયામાં મલાયા દ્વીપકલ્પ, પશ્ચિમ કિનારા તરફના પેનાંગ અને લંગકાવી ટાપુઓ તથા પૂર્વ કિનારા તરફના નાના ટાપુઓનો સમાવેશ થાય છે. પૂર્વ મલેશિયામાં સાબાક-સારાવાકનો સમાવેશ થાય છે. પશ્ચિમ મલેશિયા પર્લિસ, કેદાહ, પેનાંગ, પેરાક, સેલંગર, મલાક્કા, નેગ્રી સેમ્બિલાન, જોહોર, પેહાંગ, ટ્રેન્ગાનુ અને કેલન્ટ જેવાં અગિયાર પેટા રાજ્યોમાં વહેંચાયેલું છે.
મલાયા
ભૂસ્તર–ભૂપૃષ્ઠ : મલાયા દ્વીપકલ્પનું ભૂપૃષ્ઠ પહાડી હોવાથી બહુ ઓછા મેદાની વિસ્તારો ધરાવે છે. ભૂસ્તરીય રચનાની ર્દષ્ટિએ તે પ્રાચીન સુન્દા પ્લૅટફૉર્મનો જ ભાગ છે. આ ભાગ ઉપર અંતિમ મેસોઝોઇક દરમિયાન થયેલી ગેડીકરણની ઘટનાથી નિર્માણ પામેલા પર્વતો ઉત્તર-દક્ષિણ વિસ્તરેલા જોવા મળે છે. અહીં સાતથી આઠ મુખ્ય પર્વતમાળાઓ આવેલી છે, તેમાં 1219થી 2133 મીટરની ઊંચાઈ ધરાવતાં શિખરો આવેલાં છે. ગ્રૅનાઇટથી બનેલા ખડકો પર થયેલા ઘસારાના પરિબળથી ખુલ્લી થયેલી સ્ફટિક સપાટી પર સૂર્યનાં કિરણો પડતાં પ્રકાશનું પરાવર્તન થવાથી અત્યંત ચમકી ઊઠે છે. પૂર્વના પહાડી ભાગોમાં ક્વાર્ટ્ઝાઇટ અને શેલ ખડકો જોવા મળે છે. પશ્ચિમ ભાગોમાં રહેલા ચૂનાખડકો કાર્સ્ટ સ્થળ ર્દશ્યનું વિશિષ્ટ લક્ષણ દર્શાવે છે. અહીંની પર્વતમાળાઓ ‘ઇન્ડોમલાયન પર્વતમાળા’ તરીકે ઓળખાય છે. 4°થી 5° ઉ. અ. વચ્ચે આ દ્વીપકલ્પ વધુમાં વધુ પહોળાઈ ધરાવે છે. ત્યાં પશ્ચિમે પેરાકથી પૂર્વમાં ટ્રેન્ગાનુ સુધી ઊંડી ખીણો સહિતની ચાર મુખ્ય પર્વતમાળાઓ એકબીજીને લગભગ સમાંતર ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી જોવા મળે છે. એક પર્વતમાળા તો છેક ઉત્તરથી દક્ષિણમાં આવેલા મલાક્કા સુધી વિસ્તરેલી છે. મલાક્કાથી દક્ષિણે જોહોરનું ઘસારાનું મેદાન આવેલું છે. મેદાની વિસ્તારમાં ગોળાકાર શિરોભાગવાળી છૂટીછવાઈ ટેકરીઓ જોવા મળે છે. પર્વતીય ભાગોને બાદ કરતાં ભિન્ન ભિન્ન પહોળાઈવાળાં કાંપનાં મેદાનો પણ રચાયેલાં છે.
જળપરિવાહ : અહીંની ભૂસ્તરીય રચના અને અતિવૃષ્ટિને કારણે મલાયા દ્વીપકલ્પનું જળપરિવાહ-માળખું જાળાકાર ભાતવાળું (Trellis pattern of drainage) બની રહેલું છે. થાઇલૅન્ડ કે મ્યાનમારની જેમ અહીં મોટી નદીઓ આવેલી નથી. પેહાંગ (321 કિમી.), પેરાક (274 કિમી.) કેલાન્તન, મુદા જેવી નદીઓના મોટાભાગના પ્રવાહો ભૂમિફાટોમાંથી પસાર થાય છે. અનેક નાની નદીઓ પર્વતોમાંથી નીકળી પૂર્વ-પશ્ચિમ કિનારા તરફ વહે છે. સરિતાહરણ(river capture)ની ઘટના અહીં અવારનવાર બને છે.
આ રીતે મલાયા દ્વીપકલ્પનું ભૂપૃષ્ઠ મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે : (1) પર્વતમાળાઓ, (ii) કિનારાનાં મેદાનો અને (iii) નીચી ટેકરાળ ભૂમિ.
પર્વતમાળાઓ : અહીંની પર્વતમાળાઓ એકબીજીને સમાંતર ગોઠવાયેલી છે. મુખ્ય પર્વતમાળા મધ્ય-પશ્ચિમ ભાગમાં ઉત્તર-દક્ષિણ સળંગ વિસ્તરેલી છે. ક્યાંય પણ 2,200 મીટર કે તેથી વધુ ઊંચાઈ જોવા મળતી નથી. કોરબુ (Korbu) શિખર 2,182 મીટરની ઊંચાઈ ધરાવે છે. પૂર્વ તરફની હારમાળાઓમાં બેનૉમ અને તાહાન હારમાળા જાણીતી છે. 2,190 મીટરની ઊંચાઈવાળું તાહાન શિખર મલાયા દ્વીપકલ્પનું સર્વોચ્ચ શિખર છે. ઈશાન તરફ ટ્રેન્ગાનુનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, તે સમુદ્ર-સપાટીથી આશરે 306 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતશ્રેણીઓની વચ્ચે ગાલાસ અને લાબિરના ખીણપ્રદેશો આવેલા છે.
કિનારાનાં મેદાનો : અહીંનાં કિનારાનાં મેદાનો અસમતળ છે તથા સમુદ્રસપાટીથી વધુ ઊંચાઈએ આવેલાં નથી. પૂર્વ કિનારાના મેદાન કરતાં પશ્ચિમ કિનારાનું મેદાન વધુ પહોળું છે. કોઈ કોઈ જગાએ ચૂનાખડકોની ટેકરીઓ જેવા ઊંચા ભૂમિભાગો છૂટાછવાયા જોવા મળે છે. મલાક્કાની સામુદ્રધુનીમાં ઠલવાતી નદીઓએ પશ્ચિમ કિનારાની મેદાનપટ્ટીમાં કાંપની જમાવટ કરી છે, જ્યારે પૂર્વ કિનારાના ઈશાન ભાગમાં રેતીનું પ્રમાણ વિશેષ છે. પહાડોની પૃષ્ઠભૂમિમાં કળણના ભાગો રચાયેલા છે. ઈશાન કિનારે કેલન્ટનનો અને પૂર્વ કિનારે પેહાંગનો ત્રિકોણપ્રદેશ તૈયાર થયેલો છે.
નીચી ટેકરાળ ભૂમિ : દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં ઘસારાના મેદાની વિસ્તારમાં ગોળાકાર શિરોભાગવાળી ટેકરીઓ આવેલી છે. અહીં બેસર અને માઉન્ટ ઑફિર જેવાં શિખર-સ્વરૂપો જોવા મળે છે. સેયાંગ અને સેદિલી બેસર નદીઓ તેમની સહાયક નદીઓ સહિત વહે છે.
સાબાહ
ભૂપૃષ્ઠ : સાબાહનું ભૂપૃષ્ઠ ચાર વિભાગોમાં વહેંચાયેલું છે : (i) પશ્ચિમ કિનારાનાં મેદાનો, (ii) ક્રોકર પર્વતમાળા, (iii) મધ્યનો ઉચ્ચપ્રદેશ અને (iv) પૂર્વ કિનારાનાં મેદાનો.
(i) પશ્ચિમ કિનારાનાં મેદાનો : અહીં આવેલાં મેદાનો પ્રમાણમાં સપાટ છે. એને કિનારે અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. સાબાહની કુલ વસ્તીના 70 % લોકો અહીં વસે છે.
(ii) ક્રોકર પર્વતમાળા : આ પર્વતમાળા કિનારાને સમાંતર વિસ્તરેલી છે. અગ્નિ એશિયાનું સર્વોચ્ચ શિખર (4,100 મીટર) કિનાબાલુ આ શ્રેણીમાં આવેલું છે. તૂટક તૂટક વિસ્તરેલી આ પર્વતમાળાની વચ્ચે ખીણો અને મેદાની થાળાંના પ્રદેશો આવેલા છે. આ પૈકી રાનાઉ(Ranau)નું મેદાન મહત્વનું ગણાય છે. આ પર્વતમાળા પશ્ચિમે છેક સારાવાક સુધી અને ઈશાન તરફ સાબાહના મારુદુના અખાત સુધી વિસ્તરેલી છે. અહીં ખેતીની પ્રવૃત્તિને લીધે થોડીઘણી વસ્તી જોવા મળે છે.
(iii) મધ્યનો ઉચ્ચપ્રદેશ : આ પ્રદેશમાં કેનિનગાઉ, ટેનોમ, ટામ્બુનાનનાં મેદાનો વધુ જાણીતાં છે. ક્રોકર પર્વતમાળા કરતાં અહીં વસ્તી ઓછી છે.
(iv) પૂર્વ કિનારાનાં મેદાનો : અહીં આવેલાં મેદાનોમાં ટાવાઉ, સેમ્પોરના, લાહાદ દાતુ અને સેંદાકાન શહેરો આવેલાં છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય સ્વાવલંબી ખેતી અને લાકડાં કાપવાનો છે.
સારાવાક
ભૂપૃષ્ઠ : સારાવાકનું ભૂપૃષ્ઠ બે વિભાગોમાં વહેંચાયેલું છે : (i) કિનારાનાં મેદાનો અને (ii) આંતરિક પર્વતો.
(i) કિનારાનાં મેદાનો : અહીં સ્થાનભેદે 16થી 160 કિમી. પહોળાઈ ધરાવતાં કાંપનાં ફળદ્રૂપ મેદાનો આવેલાં છે. કેટલીક જગાઓમાં વિવિધ ઊંડાઈ ધરાવતા કળણ-વિસ્તારો આવેલા છે. અહીંનો કિનારો કાદવ-કીચડવાળો રહે છે. આ પ્રદેશમાં મેન્ગ્રૉવ વનસ્પતિનો વિકાસ થયેલો છે.
(ii) આંતરિક પર્વતો : અંદરના ભૂમિભાગમાં આવેલા પર્વતો જુદાં જુદાં લક્ષણો દર્શાવે છે. 2,423 મીટર ઊંચાઈ ધરાવતું માઉન્ટ મુરુડ અહીંનું સર્વોચ્ચ શિખર છે. આ વિસ્તારમાં ઉચ્ચપ્રદેશો, કોતરો, અભેદ્ય જંગલો અને જટિલ પર્વતો આવેલાં છે. આ પ્રદેશની સરેરાશ ઊંચાઈ 1,523 મીટર જેટલી છે. દક્ષિણ ચીની સમુદ્રમાં તેમજ જાવા સેલિબિસ સાગરમાં ઠલવાતી નદીઓ માટે આ પર્વતપ્રદેશ જળવિભાજક બની રહેલો છે.
આબોહવા : મલેશિયા વિષુવવૃત્તની તદ્દન નજીક હોવાથી તાપમાન ઊંચું રહે છે, પરંતુ મોસમ અનુસાર બદલાતા પવનો અને પ્રવાહોની અસર પણ અહીં અનુભવાય છે. સામાન્ય રીતે અહીંની આબોહવા પ્રમાણમાં ગરમ અને ભેજવાળી રહે છે. મેદાની પ્રદેશોમાં સરેરાશ તાપમાન 25°થી 28° સે. જેટલું રહે છે. ઊંચાઈએ આવેલાં ક્ષેત્રોમાં સરેરાશ તાપમાન 20° સે. જેટલું રહે છે. તાપમાનનો વાર્ષિક ગાળો 6° થી 4.5° સે. જેટલો તથા દૈનિક ગાળો 12.2°થી 9.4° સે. જેટલો રહે છે. વિષુવવૃત્તીય શાંત પટ્ટો એપ્રિલ-મે તથા ઑક્ટોબર-નવેમ્બરના ગાળામાં સ્થપાયેલો રહે છે, તેથી મહત્તમ વરસાદ આ બે મોસમના વચગાળાના મહિનાઓમાં પડે છે. મલય દ્વીપકલ્પમાં સરેરાશ વરસાદ 2,500 મિમી. જેટલો પડે છે, જ્યારે સાબાહ અને સારાવાકમાં અનુક્રમે 3,300 મિમી. અને 2,300 મિમી. જેટલો પડે છે. દક્ષિણ ચીની સમુદ્ર પરથી વાતા પવનોના કારણે પશ્ચિમે મલેશિયાના પૂર્વ કિનારે તેમજ સાબાહ-સારાવાક પર ભારે વરસાદ થાય છે. પશ્ચિમ કિનારો વર્ષાછાયાના પ્રદેશમાં આવતો હોવાથી ત્યાં વરસાદ ઓછો પડે છે. જૂન અને સપ્ટેમ્બર માસમાં નૈર્ઋત્યના મોસમી પવનો પૂર્વ અને પશ્ચિમ મલેશિયામાં વરસાદ આપે છે. ઉપરની બે મોસમના વચગાળાના સમયમાં એટલે કે એપ્રિલ-મે અને ઑક્ટોબર-નવેમ્બરમાં ઉષ્ણતાનયનનો ભારે વરસાદ પશ્ચિમ મલેશિયા અને સારાવાકમાં પડે છે. વાયવ્યના મોસમી પવનોના ગાળામાં વંટોળિયા પણ ભારે વરસાદ આપી જાય છે. આ વંટોળિયા ‘સુમાત્રા’ના નામે ઓળખાય છે.
વનસ્પતિ : અહીં ઉષ્ણકટિબંધીય વર્ષા-જંગલોના પ્રકારની કુદરતી વનસ્પતિ જોવા મળે છે. ગરમ અને ભેજવાળી આબોહવાને કારણે વનસ્પતિનો વિકાસ ઝડપી થાય છે. સમુદ્રસપાટીથી 600 મીટરની ઊંચાઈના પ્રદેશોમાં ગીચ જંગલો આવેલાં છે. મલેશિયાની કુલ ભૂમિના 75 % ભાગમાં જંગલો છવાયેલાં છે. આ જંગલોમાં આવેલાં વૃક્ષોની ઊંચાઈ આશરે 35થી 45 મીટર જેટલી હોય છે. આ વૃક્ષોને 30 મીટરની ઊંચાઈ પછી જ ડાળીઓ શરૂ થાય છે. વૃક્ષો સીધાં અને જાડાં થડવાળાં જોવા મળે છે. તેમનાં લાકડાં નક્કર અને વજનમાં ભારે હોય છે. તેમનો ઉપયોગ રાચરચીલું બનાવવામાં વિશેષ થાય છે. અહીં ખાસ કરીને ચેંગલ, બાલાઉ, મેરબાઉ, કપૂર, કેરુઇંગ, સુખડ, વાંસ, સાગ અને પામ વૃક્ષોનું પ્રમાણ અધિક છે. અહીંથી પ્રાપ્ત થતી વન્ય પેદાશોમાં ઇમારતી લાકડું, મધ, લાખ, ગુંદર વિશેષ ઉલ્લેખનીય છે. ચૂઇંગ ગમ માટે વપરાતો ગુંદર અહીંનાં જેલુટોંગ કુળનાં વૃક્ષોમાંથી મળે છે.
સમુદ્રકિનારાની ક્ષારીય અને જલસંતૃપ્ત જમીનોમાં મેન્ગ્રૉવ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. પશ્ચિમ મલેશિયા તથા સારાવાકના સમુદ્રકિનારે આવેલા કળણ-વિસ્તારોમાં મેન્ગ્રૉવનું પ્રમાણ અધિક જોવા મળે છે. આ વનસ્પતિનું લાકડું બળતણના ઉપયોગમાં અને તેની છાલ ચામડાં કમાવાના ઉપયોગમાં લેવાય છે. 750થી 1,200 મીટરની ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં કાંટાળી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે. 1,200 મીટરથી વધુ ઊંચાઈએ ઓક અને ચેસ્ટરનટ જેવાં વૃક્ષો જોવા મળે છે.
પ્રાણીસંપત્તિ : અહીંનાં જંગલોમાં હાથી, ગેંડા, વાઘ, ચિત્તા, જંગલી બળદ, રીંછ, જંગલી ભુંડ, ચિમ્પાન્ઝી તેમજ અન્ય વાનરો વસે છે. પૂર્વ મલેશિયાનાં જંગલોમાં વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે. વિશ્વભરમાં આવી વૈવિધ્યસભર પક્ષીસૃષ્ટિ ધરાવતા પ્રદેશોમાં મલેશિયા મહત્વનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને અહીં હૉર્નબિલ્સ, બ્રૉડબિલ્સ, સ્વિફ્ટ, પોપટ, લક્કડખોદ, કબૂતર વગેરેનું પ્રમાણ વધુ છે.
જમીનો : ભૂકવચના મોટા ભાગ પર લેટરાઇટીકરણ થવાથી લેટરાઇટજન્ય જમીનો તૈયાર થયેલી છે. જમીનો રાતી, શ્વેત અને ભૂખરા રંગની જોવા મળે છે. ગ્રૅનાઇટ ખડકો પર થયેલી રાસાયણિક ખવાણની પ્રક્રિયાથી નિર્માણ પામેલી જમીનો ખેતી માટે વધુ ઉપયોગી નથી. તળેટી-વિસ્તારની જમીનો કંઈક અંશે ખેતી માટે વધુ ઉપયોગી બની રહેલી છે, કારણ કે તેમાં ખનિજદ્રવ્યો અને સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ અધિક હોય છે. આ પ્રકારની જમીનો કેદાહ અને કેલન્ટનનાં મેદાનોમાં આવેલી હોવાથી ત્યાં ડાંગરની ખેતી વધુ થાય છે. જોહોરના જ્વાળામુખી-વિસ્તારમાં તૈયાર થયેલી જમીનો પણ ફળદ્રૂપ છે, પરંતુ તે અંતરિયાળ ભાગમાં આવેલી હોવાથી તેનો ઉપયોગ થઈ શક્યો નથી.
ખેતી : મલેશિયાની આશરે 34 લાખ હેક્ટર જમીન ખેતી હેઠળ આવરી લેવામાં આવેલી છે. અહીં બે પ્રકારની ખેતી વિકસેલી છે : (i) સ્વાવલંબી ખેતી અને (ii) બાગાયતી ખેતી. સ્વાવલંબી ખેતી હેઠળ ડાંગર, શક્કરિયાં, રતાળું, શાકભાજી અને ફળો જેવા પાકો લેવાય છે; જ્યારે બાગાયતી ખેતી હેઠળ રબર, તાડ, નાળિયેરી, ચા, કૉફી, કોકો, શેરડી, સાબુદાણા, મરી અને અનેનાસ જેવા પાક લેવાય છે. ઉપર્યુક્ત પાકો રોકડિયા પાકો તરીકે ઓળખાય છે.
મત્સ્ય–ઉદ્યોગ : મલેશિયાની ચારે બાજુ દરિયો આવેલો છે. દરિયાકિનારાની લંબાઈ આશરે 1,930 કિમી.ની હોવાથી મત્સ્ય-ઉદ્યોગને સારું પ્રોત્સાહન મળ્યું છે. પશ્ચિમ મલેશિયાને કિનારે આવેલાં માછીમારીનાં મુખ્ય કેન્દ્રોમાં ટ્રેગાનુ, પેહાંગ, પેરાક અને મલાક્કાનો સમાવેશ થાય છે. સારાવાકમાં કુચિંગ, ઓયા અને મીરી જ્યારે સાબાહમાં સેંદાકાન અને ટાવાઉ મહત્વનાં કેન્દ્રો છે. ઉપર્યુક્ત કેન્દ્રોમાંથી લગભગ 1,000 પ્રકારની માછલીઓ પકડવામાં આવે છે. તે પૈકીની 250 પ્રકારની માછલીઓ ખોરાકી ઉપયોગમાં લેવાય છે. તેમાં કૅટફિશ, સી-બ્રીમ, પૉમફ્રેટ, વ્હાઇટિંગ, જ્યૂફિશ, સ્નેપર્સ અને હેરિંગ મુખ્ય છે. આંતરિક ભાગોમાં ડાંગરનાં ખેતરોમાં અને પંકભૂમિના વિસ્તારોમાં કૃત્રિમ તળાવો નિર્માણ કરીને મત્સ્ય-ઉછેર કરવામાં આવે છે.
ખનિજસંપત્તિ : અહીં કોલસો, ખનિજતેલ, કુદરતી વાયુ તથા બૉક્સાઇટ, કલાઈ, સોનું, લોહ, મૅંગેનીઝ, ઍન્ટિમની, પારો, તાંબું વગેરે ખનિજો મળે છે. કલાઈના અંદાજિત જથ્થામાં ઇન્ડોનેશિયા અને ચીન પછી મલેશિયા ત્રીજે ક્રમ આવે છે.
ઉદ્યોગો : મલેશિયામાં ભારે ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે. અહીંનો ઔદ્યોગિક વિકાસ ગૌણ ઉદ્યોગો પર આધારિત છે. સરકાર તરફથી ગ્રામીણ અને શહેરી ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે. ભારે ઉદ્યોગોમાં પરિવહનનાં સાધનો, રાસાયણિક ખાતરો, રસાયણો, વિદ્યુત-સાધનો, વીજાણુ-યંત્રો વગેરેના ઉત્પાદનનો; ઔષધનિર્માણ તથા પ્રવાસન વગેરેનો સમાવેશ થાય છે. નાના પાયા પરના ઉદ્યોગોમાં હસ્તકલા-કારીગરી, ચોખા છડવાની મિલો, રબર-ઉદ્યોગ, હવાચુસ્ત ડબાઓમાં ખાદ્યસામગ્રી પેક કરવાના એકમો, લાકડાં વહેરવાનો ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે.
વેપાર : મલેશિયા મુખ્યત્વે તાડતેલ, રબર, પેટ્રોલ, ડીઝલ, ઇમારતી લાકડું, કલાઈ, કાપડ, વીજાણુ-સાધનો અને યંત્રોની નિકાસ કરે છે. તેનો 22 % જેટલો નિકાસ-વેપાર મુખ્યત્વે સિંગાપોર સાથે ચાલે છે. આ ઉપરાંત યુ.કે., ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ચીન અને ભારત સાથે પણ તે માલની નિકાસ કરે છે. તેની આયાતી ચીજવસ્તુઓમાં યંત્રો, પરિવહનનાં સાધનો, ચોખા, ઔષધિઓ તેમજ ગૃહવપરાશની ચીજોનો સમાવેશ થાય છે. તેનો આયાતી વેપાર જાપાન (27 %), યુ.કે., રશિયા, કૅનેડા અને ભારત સાથે ચાલે છે.
પરિવહન : મલેશિયાના માર્ગોનું નિર્માણ મુખ્યત્વે તેના ભૂપષ્ઠ પર આધારિત છે. મેદાની વિસ્તારોમાં શહેરોનું પ્રમાણ વધુ હોવાથી તેમજ ત્યાં ડાંગર અને રબરની ખેતી થતી હોવાથી માર્ગો વધુ વિકસ્યા છે. પશ્ચિમ મલેશિયામાં આશરે 15,000 કિમી.થી પણ વધુ લંબાઈના માર્ગો આવેલા છે, જ્યારે પૂર્વ મલેશયામાં માર્ગોનું પ્રમાણ ઓછું છે. સારાવાકમાં 1,100 કિમી. અને સાબાહમાં 2,300 કિમી.ના રસ્તાઓ આવેલા છે. પશ્ચિમ મલેશિયાના મુખ્ય ધોરી માર્ગોમાં જોહોર બાહરુથી પેનાંગ અને જોહોર બાહરુથી કુઆલાલમ્પુરનો સમાવેશ થાય છે. પશ્ચિમ મલેશિયામાં 1,700 કિમી. લંબાઈના રેલમાર્ગ છે. તે કલાઈ અને રબરના પટ્ટામાં આવેલાં શહેરોને સાંકળી લે છે. સાબાહમાં માત્ર 15 કિમી. લંબાઈની જ રેલવે છે, જ્યારે સારાવાકમાં રેલમાર્ગ નથી. પૂર્વ અને પશ્ચિમ મલેશિયામાં હવાઈ માર્ગોનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. કુઆલાલમ્પુર અને સુબાંગ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલાં છે. અન્ય હવાઈ મથકોમાં બન્યાન, ઇપોહ, મલાક્કા, કોટા, બાહરુ, કુઆન્તાન, કુચિંગ, કોટા, કિનાબાલુ અને સેંદાકાનનો સમાવેશ થાય છે.
ભૂમિ અને હવાઈ માર્ગોનો વિકાસ થવા છતાં અહીં જળમાર્ગોનું પ્રભુત્વ ઘટ્યું નથી. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારને લીધે તેમનો ઉપયોગ વધુ થાય છે. અહીંનાં મુખ્ય આયાતી બંદરોમાં ડિક્સન, સ્ટીવટનહામ અને પેનાંગની ગણના થાય છે. કુચિંગ, સિબુ, કોટા, કિનાબાલુ અને સેંદાકાન બંદરોનો ઉપયોગ વેપાર અને અવરજવરમાં વધુ થાય છે.
વસ્તી : 1993 મુજબ મલેશિયાની કુલ વસ્તી 1,90,77,000 છે, તે પછીથી 1995માં આશરે 2,01,40,000 જેટલી થઈ હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે. અહીંની કુલ વસ્તીના 55 % મલય, 33.4 % ચીની, 10.1 % હિન્દી અને બાકીના અન્ય દેશોના લોકો વસે છે. આશરે 20 લાખ લોકો અહીં ગેરકાયદેસર વીસા ઉપર વસે છે. દેશના મોટાભાગના લોકો ઇસ્લામ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. અહીંની મુખ્ય (રાષ્ટ્રીય) ભાષા મલય છે; પરંતુ વહીવટી કાર્યોમાં અંગ્રેજી ભાષાનો વધુ ઉપયોગ થાય છે. આ ઉપરાંત અહીં ચીની, ઇબાન અને તમિળ ભાષાઓ પણ બોલાય છે. દેશમાં શિક્ષણ નિ:શુલ્ક છે. મોટેભાગે 90 % બાળકો પ્રાથમિક શિક્ષણ સુધી અભ્યાસ કરી છોડી દે છે. સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. કુલ વસ્તીના સરેરાશ 84 % લોકો શિક્ષિત છે.
અહીંના મોટાભાગના મલય લોકો ખેડૂતો અને માછીમારો છે. ચીની પ્રજા વેપાર સાથે સંકળાયેલી છે; જ્યારે હિન્દીઓ વેપારીઓ, કારકુનો કે મજૂરો તરીકે કામ કરે છે. પૂર્વ મલેશિયાની ગામઠી પછાત જાતિના લોકો ઇબાન, દુસુન, બાજોઉ, મેલાનાઉ અને મુરુત નામથી ઓળખાય છે; જેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને માછીમારીનો છે. પશ્ચિમ મલેશિયામાં છૂટાછવાયા વસતા લોકો ઑરાગ અસ્લી નામની આદિ જાતિના છે. સ્થળ બદલીને થતી ખેતી અને શિકાર એ તેમની મુખ્ય પ્રવૃત્તિઓ છે.
મલેશિયાના વહીવટી વિભાગો (મલાયા દ્વીપકલ્પનાં 11 રાજ્યો, પૂર્વ મલેશિયાનાં 2 રાજ્યો અને ફેડરલ સરહદીય વિસ્તારો)
ક્રમ | રાજ્ય | વિસ્તાર(ચોકિમી.) | વસ્તી(1980) |
1. | જોહોર | 18,965 | 15,80,423 |
2. | કેદાહ | 9,425 | 10,77,815 |
3. | કેલન્ટન | 14,796 | 8,59,270 |
4. | મલાકા | 1,657 | 4,46,769 |
5. | નેગ્રીસેમ્બિલાન | 6,643 | 5,51,442 |
6. | પેહાંગ | 35,965 | 7,68,801 |
7. | પેરાક | 21,005 | 17,43,655 |
8. | પર્લિસ | 818 | 1,44,782 |
9. | પુલાઉ પિનાંગ | 1,044 | 9,00,772 |
10. | સેલાનગોર | 7,997 | 14,26,250 |
11. | ટ્રેન્ગાનુ | 12,928 | 5,25,255 |
12. | સાબાહ | 73,711 | 9,55,712 |
13. | સારાવાક | 1,24,449 | 12,35,553 |
14. | વિલાયહ પેરેસ કુટુઆન | 243 | 9,19,610 |
સમગ્ર મલેશિયા સંઘની કુલ વસ્તીના 85 % લોકો મલય દ્વીપકલ્પમાં વસે છે. દ્વીપકલ્પનો કલાઈ-રબરનો પટ્ટો સૌથી વધુ ગીચ વસ્તી ધરાવે છે. પેનાંગ, પ્રૉવિન્સ વેલેસી, તાઇપિંગ, ઇપોઝ, કુઆલાલમ્પુર, પેટાલિંગ જ્યા, બાટુ ટીગા અને સેરેમ્બાન આ વિસ્તારનાં મુખ્ય શહેરો છે. આ પૈકીના કેટલાક વિસ્તારો અતિગીચ વસ્તી ધરાવે છે. પૂર્વ કિનારે કેલન્ટનનો ત્રિકોણપ્રદેશ પણ ગીચ વસ્તીવાળો છે. આ વિભાગનું મુખ્ય શહેર કોટા બાહરુ છે. અન્ય મુખ્ય શહેરોમાં કુલા ટ્રેન્ગાનુ, કુઆનતાન અને કુઆલા દુનગુન છે. સારાવાકમાં પણ વસ્તીની ગીચતા વધુ છે. કુચિંગ તેનું મુખ્ય શહેર છે. અન્ય શહેરોમાં સારીકેઈ, બિન્ટાગ, મુકાહ, બિન્ટુલુ અને મીરી છે. સાબાહમાં કોટા કિનાબાલુ અને સેંદાકાન પણ વધુ ગીચતા ધરાવે છે. અહીંનાં અન્ય શહેરોમાં બ્યૂફૉર્ટ, ટુઆરાન, કોટા બેલુદ અને પાપારમાં વસ્તીનું પ્રમાણ સામાન્ય છે.
એશિયામાં સૌથી ઊંચો જન્મદર મલેશિયામાં હતો. અહીં ઇસ્લામ સંસ્કૃતિનું પ્રભુત્વ હોવા છતાં 1960 જન્મદર ઘટતો જતો જોવા મળ્યો છે. 15 વર્ષથી વધુ વયના લોકોનું પ્રમાણ 37 % જેટલું છે. પુરુષો અને સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય અનુક્રમે 69 અને 73 વર્ષનું છે. વિશ્વના વિકાસશીલ દેશો પૈકી આ દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં જોવા મળતા રોગોથી આ દેશ મુક્ત હોવા છતાં અહીં મલેરિયાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તબીબી સારવાર નિ:શુલ્ક હોવા છતાં અહીં ચિકિત્સકો અને ચિકિત્સાલયોની ખેંચ વરતાય છે. મૃત્યુદર હજારે 15 જેટલો છે. રિંગિત (ringgit) અહીંનું રાષ્ટ્રીય નાણું છે અને 31 ઑગસ્ટ અહીંનો રાષ્ટ્રદિન છે.
ઇતિહાસ : ઈ. પૂ. 2500થી 1500ના સમયગાળામાં અહીં નવપાષાણયુગની સંસ્કૃતિ સ્થપાઈ હોવાનું માનવામાં આવે છે. ઈ. સ.ની બીજી અને ત્રીજી સદીમાં નાનકડા મલય રાજ્યની સ્થાપના થઈ હોવાનું પણ કહેવાય છે. આશરે હજારેક વર્ષ પહેલાં ભારતની સાહસિક પ્રજાએ અહીં પ્રથમ વાર પગ મૂક્યો હશે. ઐતિહાસિક નોંધ દર્શાવે છે કે આશરે ચૌદમી સદીમાં સુમાત્રૈને (Sumatrain) સર્વપ્રથમ વાર મલાક્કા રાજ્યની સ્થાપના કરેલી. તે સમયમાં મલાક્કા મહત્વનું વેપારી મથક અને ઇસ્લામ ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું; પરંતુ ઈ. સ. 1511માં પૉર્ટુગીઝોએ તેના પર પ્રભુત્વ મેળવ્યું. ત્યારબાદ 1641માં તેને જીતી લીધું. સત્તરમી સદીમાં મિનાંગકાબાઉ લોકોએ સુમાત્રાથી મલાયા સ્થળાંતર કર્યું. અઢારમી સદીમાં સેલીબિસ ટાપુના બુગીનેસે મલાયા પહોંચીને પોતાને સેલાનગોર અને જોહોરના સુલતાન તરીકે જાહેર કર્યો. 1819 અને 1867માં બ્રિટિશ લોકોએ અનુક્રમે મલાક્કાની સામુદ્રધુની સિંગાપોર અને પેનાંગ ટાપુઓ પર પોતાની વસાહતો સ્થાપી. ઓગણીસમી સદીના અંતમાં ચીની પ્રજાએ મલાયામાં સ્થળાંતર શરૂ કર્યું. 1896માં બ્રિટિશ લોકોએ મલાયાને એક રાજ્ય તરીકેનો દરજ્જો આપ્યો; જ્યારે પેરાક, સેલાનગોર અને પેહાંગ રાજ્યોનો એક સંઘ રચાયો.
1890માં બ્રિટિશ લોકોએ મલાયામાં આર્થિક વિકાસ સાધવા પોતાની મૂડીનું રોકાણ કર્યું. વિશેષે કરીને તેમણે પરિવહન અને રબરના બગીચાઓ ઊભા કરવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1941માં જાપાનીઓએ આક્રમણ કરીને મલાયા અને સિંગાપોર ઉપર પ્રભુત્વ મેળવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બ્રિટિશરો મલાયાને એક રાજ્ય તરીકેનો દરજ્જો આપી શક્યા નહિ. 1946માં સંયુક્ત મલાયા રાષ્ટ્રીય સંઘ તરીકે અસ્તિત્વમાં આવ્યું. 1955માં મલાયન ચાઇનીઝ ઍસોસિયેશનનો સમાવેશ સંયુક્ત મલાયા રાષ્ટ્રીય સંઘમાં થયો. આ સંઘ સામ્યવાદીની વિચારસરણીથી વિરુદ્ધમાં હતો. 1957માં બ્રિટિશરોએ પોતાની સત્તા છોડી દીધી અને મલાયાને સ્વતંત્રતા બક્ષી. રાજકુમાર અબ્દુલ રહેમાન વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા. 1963માં મલાયા સંઘમાં સિંગાપોર, સારાવાક અને સાબાહ જોડાયાં; પરંતુ 1965માં સિંગાપોર છૂટું પડ્યું. 1981થી મહાથીર બિન મુહમ્મદ વડાપ્રધાન તરીકે આવેલા છે. 1994થી દેશના વડા તરીકે જાફર બિન અબ્દુલ રહેમાન ફરજ બજાવે છે.
નીતિન કોઠારી