મલિક, સાક્ષી (જ. 3 સપ્ટેમ્બર 1992, મોખરા, હરિયાણા) : ભૂતપૂર્વ ભારતીય ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ.
હરિયાણાના રોહતક જિલ્લાના મોખરા ગામમાં જન્મ. કુસ્તી શીખવાની પ્રેરણા તેમના કુસ્તીબાજ દાદા બડલુ રામને જોઈને મળી હતી. 12 વર્ષની ઉંમરે રોહતકમાં છોટુ રામ સ્ટેડિયમમાં એક અખાડામાં કોચ ઈશ્વર દહિયા અને મનદીપ સિંહ પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું.

સાક્ષી મલિક
એશિયન જુનિયર ચૅમ્પિયનશિપમાં 2009માં મનીલા ખાતે 59 કિલો કૅટેગરીમાં રજતપદક મેળવ્યો અને 2012માં અલ્માટી ખાતે સુવર્ણપદક મેળવ્યો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં વ્યાવસાયિક કુસ્તીબાજ તરીકે તેમને પહેલી સફળતા 2010માં બુડાપેસ્ટ જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મળી જ્યાં તેમણે 59 કિલો કૅટેગરીમાં ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો. 2014માં ડેવ શુલ્ટ્ઝ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં 60 કિલો કૅટેગરીમાં સુવર્ણપદક મેળવ્યો અને 2015માં કતારમાં દોહામાં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં 60 કિલો કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો. 2016માં ઑલિમ્પિક વર્લ્ડ ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટમાં 58 કિલો કૅટેગરીમાં ચીનની ઝાંગ લેનને હરાવી રિયો ઑલિમ્પિક માટે ક્વૉલિફાય થયા અને આ ઑલિમ્પિકમાં કાંસ્યપદક મેળવ્યો. આમ તેઓ ભારતનાં પ્રથમ મહિલાકુસ્તીબાજ બન્યાં. 2017માં એશિયન ચૅમ્પિયનશિપમાં નવી દિલ્હીમાં ‘કલર્સ દિલ્હી સુલ્તાન’નું પ્રતિનિધિત્વ કર્યું અને 60 કિલો કૅટેગરીમાં રજતપદક મેળવ્યો. ત્યારબાદ 2018માં બિશ્કેકમાં 62 કિલો કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ અને 2019માં શીઆનમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
આ ઉપરાંત કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપમાં 2017માં જ્હોનિસબર્ગમાં 62 કિલો કૅટેગરીમાં સુવર્ણપદક તથા 2013માં જ્હોનિસબર્ગમાં 63 કિલો કૅટેગરીમાં બ્રોન્ઝ પદક પ્રાપ્ત કર્યા. 2022માં બર્મિંગહામ કૉમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણપદક જીત્યો.
રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી શારીરિક શિક્ષણમાં માસ્ટરની ડિગ્રી પૂર્ણ કરી 2016માં તેમણે યુનિવર્સિટીના કુસ્તીનિર્દેશક તરીકેની નિયુક્તિ મેળવી હતી. 2017ની બીજી એપ્રિલે તેમનાં લગ્ન કુસ્તીબાજ સત્યવ્રત કાદિયન સાથે થયાં.
2023માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી અને હાલમાં ભારતીય રેલવેમાં દિલ્હી વિભાગના વાણિજ્ય વિભાગમાં ઉત્તર રેલવે ઝોનમાં કાર્યરત છે. રિયોમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ તેમને સિનિયર ક્લાર્કમાંથી ગૅઝેટેડ ઑફિસર રેન્કમાં બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ JSW સ્પૉર્ટ્સ એક્સેલન્સ પ્રોગ્રામમાં પણ ભાગ લે છે.
કુસ્તીમાં તેમના વિશિષ્ટ પ્રદાન બદલ 2016માં ભારતનું સર્વોચ્ચ રમત સન્માન ‘મેજર ધ્યાનચંદ ખેલરત્ન’ તથા 2017માં ચોથું સર્વોચ્ચ ભારતીય સન્માન પદ્મશ્રી એનાયત કરવામાં આવેલા છે.
રાજશ્રી મહાદેવિયા