મલાવ તળાવ : અમદાવાદ જિલ્લાના ધોળકા ગામની પશ્ચિમ ભાગોળે આવેલું તળાવ. તે મીનળદેવીના નામ સાથે જોડાયેલું છે. આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંથી બાંધેલું છે. તળાવની મધ્યમાં આવેલ બકસ્થલ પર એક સમયે નાનકડું મંદિર આવેલું હશે એવું હાલના અવશેષો પરથી જણાય છે. ગામની બાજુએથી આ બકસ્થલ પર પહોંચવાનો પથ્થરનો બે મજલાનો પુલ પણ બાંધેલો છે. ઓવારા અથવા ઘાટની બંને બાજુ દીવાલો પર દશાવતાર તથા નવ ગ્રહનાં શિલ્પ કોતરેલાં છે.
ધોળકાના આ તળાવ સાથે જોડાયેલી અનુશ્રુતિ એવી છે કે આ જળાશય કરવાની જગ્યાએ એક ગણિકાનું મકાન આડે આવતું હતું. તેણે પોતાની જગ્યા વેચવાની ના પાડી. ત્યારે રાજમાતા મીનળદેવીએ બળજબરી ન કરતાં, જળાશયના ઘાટમાં ખાંચો રહેવા દીધો. એ પરથી ‘ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ’ એ કહેવત પડી છે. જોકે આ અનુશ્રુતિની યથાર્થતા શંકાસ્પદ છે.
વાઘેલા વંશના અમલ પછી (ઈ. સ.ની બારમી–તેરમી સદી દરમિયાન) ધોળકા પ્રાધાન્ય ભોગવતું નગર બન્યું. ધોળકા રાજધાની બન્યું ત્યારે તેને છાજે તેવા જળાશય માટે પશ્ચિમે આવેલા મલાવ તળાવન જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હશે. ધોળકાને રાજધાની બનાવનાર લવણપ્રસાદ હતો. તેની પત્નીનું નામ મદનરાજ્ઞી હતું. તે ‘મયણલ્લા’ કે એવા કોઈ શબ્દનું રૂપાંતર હોઈ શકે. આમ મીનળ–મયણ વચ્ચે રૂપસામ્ય છે. આ મદનરાજ્ઞીએ તળાવ બંધાવ્યું હોય ને પાછળથી સિદ્ધરાજની માતા મયણલ્લા(મીનળ)ના નામસામ્યને કારણે તેણે બંધાવ્યું હોવાનો મત ચાલ્યો હોવાનો સંભવ છે.
તળાવના બાંધકામના અવશેષો પરથી તળાવની મધ્યમાં આવેલ મંડપ, તેની પીઠ, પાટડા વગેરે મૂળ કોઈ મંદિર હોવાનું સૂચવે છે. આ તળાવના મૂળ આયોજનમાં એ ચોકસાઈ રખાઈ છે કે તળાવમાં ગમે તેટલું પાણી ભરાય છતાં તળાવની વચ્ચેના દેવાલય પર જવાનો રસ્તો કોરો રહે. આમ મલાવ તળાવ એ મૂળ હિંદુઓએ બાંધેલું ઉત્તમ જળાશય છે અને તેની ઘણા ખૂણાવાળી રચનામાં કોઈ જાતનો દોષ જણાતો નથી.
પાછળથી આ મૂળ રચનામાં ફેરફાર થયેલા જણાય છે. તળાવની વચ્ચે રહેલા મંડપથી પુલ પર થઈને કિનારે આવતાં, તોરણની સામે પૂર્વમાં મોટી ભીંત દેખાય છે. આ વિરોધાભાસી બાંધકામમાં તોરણ જૂનું છે, જ્યારે ભીંતમાં મૂર્તિઓની પીઠિકા, આડી મૂર્તિઓ, હાથી વગેરે હિંદુ ઇમારતોના ભાગ જડેલા જણાય છે. આમ ચારે બાજુ આવેલા ઓવારા તથા ભીંતો પાછળથી બંધાયાં હોવાનો પૂરતો સંભવ છે.
તળાવના આ જીર્ણોદ્ધાર વખતે તળાવની પાળ બંધાઈ છે. પૂર્વ તરફ આ પાળમાં વ્યવસ્થિત ખાંચો પાડ્યો છે. આ ખાંચાની બંને બાજુએ તળાવમાં ઊતરવાનાં પગથિયાં છે. આ ખાંચો પાડીને જે ભીંત બાંધવામાં આવી છે તેમાં પણ મંદિરની મૂર્તિઓ દેખાય છે તથા તેમાં ચૂનાનું ઈંટેરી ચણતર છે. તે પરથી આખું બાંધકામ જીર્ણોદ્ધાર વખતે થયું હોવાનું સ્પષ્ટ જણાય છે. પાછળથી આ બાંધકામ તૂટી જતાં તેનો કાટમાળ તળાવમાં પડ્યો. તે ગણિકાના ઘરનો કાટમાળ હોવાનું કહેવાવા લાગ્યું. અહીં કોઈ રહેઠાણનું મકાન હતું કે કેમ તેનો નિર્ણય તો ઉત્ખનનથી જ થઈ શકે.
ટૂંકમાં તળાવની મૂળ રચનાનો જીર્ણોદ્ધારના સમયે નાશ કરાયો હોય તેમ જણાય છે અને ત્યારપછી તેને માટે કિંવદન્તી પેદા થઈ હોવાનો સંભવ છે.
રશ્મિ ત્રિ. વ્યાસ