મલાક્કા(મલેકા)ની સામુદ્રધુની : અગ્નિ એશિયાના મલય દ્વીપકલ્પ અને સુમાત્રાના ટાપુ વચ્ચે આવેલી સાંકડી સામુદ્રધુની. તે હિન્દી મહાસાગર અને દક્ષિણ ચીની સમુદ્રને જોડે છે. ભૌગોલિક સ્થાન : 2° 30´ ઉ. અ. અને 101° 20´ પૂ. રે. આ સામુદ્રધુની 2°થી 5° ઉ. અ. વચ્ચે આશરે 800 કિમી. લંબાઈમાં વાયવ્ય-અગ્નિ દિશામાં વિસ્તરેલી છે. મલેકા શહેર સામેના તેના સાંકડા ભાગમાં તેની પહોળાઈ માત્ર 53 કિમી. છે, જ્યારે જ્યૉર્જટાઉન(પેનાંગ)ની દક્ષિણ તરફના તેના ઉત્તર છેડા પર તે વધુ પહોળી છે. તેના દક્ષિણ મુખ પર ટાપુ સ્વરૂપે વ્યૂહાત્મક સ્થાન ધરાવતું બંદરી શહેર સિંગાપોર આવેલું છે અને ત્યાંથી વધુ દક્ષિણે રીઆઉ (Riau) દ્વીપસમૂહ આવેલો છે. મલાક્કાની સામુદ્રધુનીમાં આવેલું મલેશિયાનું કેલાંગ (સ્વેટનહૅમ) બંદર પણ આ વિસ્તારનું આગળ પડતું બંદર ગણાય છે. તે રેલમાર્ગે તેમજ સડકમાર્ગે મલેશિયાના પાટનગર કુઆલાલમ્પુર સાથે સંકળાયેલું છે. સામુદ્રધુનીની નજીકનાં મહત્વનાં અન્ય સ્થળોમાં મલેશિયાનાં પૉર્ટ વેલ્ડ, લમુત (Lamut), પૉર્ટ ડિક્સન અને બંદર પેન્ગારમનો સમાવેશ થાય છે; જ્યારે સુમાત્રાનાં બેલાવન (Belawan), મેડન (Medan) અને તાંદજંગબલાઈ(Tandjangbalai)નો સમાવેશ થાય છે. મલય દ્વીપકલ્પના પશ્ચિમ ભાગમાં થઈને વહેતી પેરાક, મલાક્કા અને બેરનામ જેવી ટૂંકી અને વેગીલી નદીઓ આ સામુદ્રધુનીમાં ઠલવાય છે. સામુદ્રધુની સામાન્ય રીતે તો છીછરી છે. અહીં ઉદભવતા પ્રચંડ તોફાની વંટોળથી અને ઝંઝાવાતી પવનોથી ક્યારેક નૌકાવ્યવહાર અવરોધાય છે.
આ સામુદ્રધુની મારફતે સુમાત્રાથી તેલ, મલેશિયાથી રબર તથા બાંકા અને બેલિતુંગ ટાપુઓમાંથી કલાઈ બહાર મોકલાય છે. ઇન્ડોનેશિયા, મલેશિયા તેમજ નજીકનાં સ્થળોમાંથી મેળવાતી માછલીઓની પણ હેરફેર થાય છે. આ સામુદ્રધુનીના બંને કાંઠા પર વર્ષભર માછલીઓ પકડવાનું કામ ચાલે છે.
પશ્ચિમી યુરોપિયનોએ આ સામુદ્રધુનીની ખોજ કરી હોવાનું કહેવાય છે; પરંતુ તે અગાઉ પણ સૈકાઓથી ચીની, ગ્રીક, રોમન, ઈરાની તેમજ અરબ ખલાસીઓ અને નૌકાયાત્રીઓ તેનો અવરજવર માટે ઉપયોગ કરતા હતા. 1498માં ગુડ હોપ(આફ્રિકા)ની ભૂશિર ફરીને આવેલા વાસ્કો દ ગામાનાં એ અરસાનાં 50 વર્ષ દરમિયાન પૉર્ટુગીઝો મલાક્કા ખાતે પહોંચેલા, આ સામુદ્રધુનીમાં મુસાફરી કરેલી અને ચીનના દક્ષિણ કિનારે મકાઓ ખાતે વસાહત પણ સ્થાપેલી. તેમના પછીથી ડચ લોકો આવેલા અને આ સામુદ્રધુની પાર કરી ગયેલા અને ત્યાંથી જાકાર્તાના બટેવિયા ખાતે વસેલા. 1579માં સર ફ્રાન્સિસની દોરવણી હેઠળ અંગ્રેજો પણ આ સામુદ્રધુનીમાંથી પસાર થયેલા. તેમણે અવરજવરના માર્ગ તરીકે આ સામુદ્રધુનીનું મહત્વ આંક્યું. 1819માં સર ટૉમસ સ્ટૅમફર્ડ રૅફલ્સે આ સામુદ્રધુનીને દક્ષિણ છેડે આવેલો સિંગાપુર ટાપુ માત્ર 30,000 ડૉલરમાં ખરીદેલો. આજે તો ચીન, જાપાન, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા માટે આ સામુદ્રધુનીનું અવરજવરના માર્ગ તરીકે ઘણું મહત્વ છે, કારણ કે તેની મારફતે મ્યાનમાર, ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન અને યુરોપ તરફ સરળતાથી જઈ શકાય છે.
ગિરીશભાઈ પંડ્યા