મલયાળમ ભાષા અને સાહિત્ય

January, 2002

મલયાળમ ભાષા અને સાહિત્ય

ભારતના કેરળ પ્રદેશમાં બોલાતી ભાષા અને તેનું સાહિત્ય.

ભારતના પશ્ચિમ તટનો ઉત્તર ભાગ જો ગુજરાતનો છે તો તે તટનો દક્ષિણ ભાગ કેરળનો. ગુજરાતે ગુર્જરો, પારસીઓ વગેરેને તેમ કેરળે ઈસાઇઓ-યહૂદીઓ વગેરેને આશ્રય આપેલો. આ કેરળ પુરાણ-પ્રસિદ્ધ છે. કાલયવનથી ભાગેલા ભૃગુઓને પરશુરામે કેરળમાં વસાવેલા અને તેઓ પૂર્વજો લેખાય છે આજના નંબૂદીરી બ્રાહ્મણોના. વળી આ પ્રદેશ મલય પર્વત સાથેય સંબંધ ધરાવે છે. મલય એટલે પર્વત અને અળમ્ એટલે પ્રદેશ. એ રીતે આ પ્રદેશમાં બોલાતી ભાષા મલયાળમ તરીકે જાણીતી થઈ. મલયાળમ વ્યાપક મતાનુસાર તમિળની પુત્રી અને અન્ય મતાનુસાર તમિળની ભગિની ભાષા લેખાય છે. તેનો દ્રવિડ ભાષાકુળ સાથેનો સંબંધ સ્પષ્ટ છે. આમ છતાં આ ભાષા પર સંસ્કૃતનોયે પ્રભાવ સારો એવો પડ્યો છે. વળી આ મલયાળમનું એક ભાષા તરીકે આગવું વ્યક્તિત્વ અને મહત્વ પણ છે.

સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ ભાષાની પહેલી કૃતિ ‘રામચરિતમ્’ રચાઈ. તે અરસામાં મલયાળમમાં મણિપ્રવાલમ્ નામની સંસ્કૃત શબ્દોના મિશ્રણથી પ્રચુર એવી સાહિત્યિક શૈલી પણ અસ્તિત્વમાં આવી, જે પંદરમી સદી સુધી ચાલી. આ મણિપ્રવાલમમાં મલયાળમ ભાષા તથા રસનું પ્રાધાન્ય અપેક્ષિત રહે છે. આ મણિપ્રવાલમનું સ્વરૂપ ચમ્પૂકાવ્યોમાંના સંસ્કૃતના બાહુલ્યને કારણે પરિવર્તન પામતુંયે જોઈ શકાય છે. આ મણિપ્રવાલમ્ વિશેનો મહત્વનો શાસ્ત્રગ્રંથ તે ‘લીલાતિલકમ્’ છે, જે પંદરમી સદીની આસપાસમાં રચાયેલો. આ ગ્રંથ મલયાળમ સાહિત્યની પ્રાચીન સમૃદ્ધ પરંપરાના સબળ સંકેતરૂપ છે. ‘વૈશિકતંત્રમ્’ (અગિયારમી સદી પૂર્વે), ‘અનંતપુરવર્ણનમ્’ (આશરે તેરમી-ચૌદમી સદીમાં, ‘ઉણ્ણુનીલિસંદેશમ્’ (સંભવત: ચૌદમી સદી) જેવી અનેક કૃતિઓના આધારે પ્રાચીન મણિપ્રવાલમની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કક્ષાનો પરિચય મળે છે.

જેમ ગુજરાતમાં ભવાયાઓએ તેમ કેરળમાં ચાક્યારીઓએ આટ્ટપ્રકારમ્ નામનો નાટ્યપ્રકાર વિકસાવ્યો. કૂટિયાટ્ટમની પરંપરામાં એ પ્રકારની નાટ્યરચનાઓનાં ‘આટ્ટપ્રકારમ્’ અને ‘ક્રમદીપિકા’ નામ પ્રચારમાં આવ્યાં. કૂટિયાટ્ટમના નવા રૂપના વિકાસમાં કુલશેખર વર્મા તથા ભાસ્કર રવિ વર્માનું પ્રદાન મહત્વનું લેખાય છે. કુલેશ્વરના રાજકવિ તોલનનો પણ આ પ્રકારમાં પદ્યક્ષેત્રે ફાળો ઉલ્લેખનીય છે.

‘વૈશિકતંત્રમ્’માં જો સફળ રીતે વેશ્યાવૃત્તિ કરનાર માતાનો પુત્રીને ઉપદેશ છે તો ‘અનંતપુરવર્ણનમ્’ તિરુવનન્તપુરમ્ નગરનું વર્ણન છે. ‘ઉણ્ણુનીલિસંદેશમ્’ તે મેઘદૂતની રીતે વિકસેલી સંદેશકાવ્યની પરંપરામાંની એક ઉત્કૃષ્ટ કૃતિ છે. એમાં તિરુવનન્તપુરમથી કટત્તુરતિ સુધીની યાત્રાનું મનોહર વર્ણન છે. કલ્પના અને વાસ્તવનું સુંદર સંશ્લેષણ અહીં છે. વિરહવ્યથાનું અહીં હૃદયંગમ નિરૂપણ છે.

તમિળ કવિતાને અનુસરતી પાટ્ટુરચનાઓની પરંપરાનું ઈ. સ.ની ચૌદમી સદીના ઉત્તરાર્ધ અને પંદરમીના આરંભમાં કણ્ણશકવિઓ દ્વારા મણિપ્રવાલીકરણ થતું લાગે છે. આ કણ્ણશકવિઓ તે માધવ પણિક્કર, શંકર પણિક્કર અને રામ પણિક્કર. ભગવદગીતાના ભારતીય ભાષાઓમાં જે પ્રારંભિક અનુવાદો થયા તેમાંનો એક તે માધવ પણિક્કરનો. શંકર પણિક્કરની ‘ભારતમાલા’ તે મહાભારતનો આધાર લઈ લખાયેલી પ્રૌઢ કૃતિઓમાં સર્વપ્રથમ છે. રામ પણિક્કરનું રામાયણ મલયાળમની પ્રથમ પંક્તિની રચનાઓમાં સ્થાન ધરાવે છે. તેમણે રામાયણ ઉપરાંત ભાગવત, ‘ભારત’ અને ‘શિવરાત્રિમાહાત્મ્ય’ રચનાઓ આપી છે. આ કણ્ણશકવિઓ પછી મલયાળમની કાવ્યધારા નવો વળાંક લે છે.

એક બાજુ જેમ મણિપ્રવાલમ્ ને આટ્ટપ્રકારમ્ વગેરેની બોલબાલા હતી તેમ લોકગીતોની – નાટન્ પાટ્ટુકલનીયે હતી. એવી રચનાઓમાં કૃષિપાટ્ટુકલ, યાટ્ટુપાટ્ટુકલ, પુલ્લુવર પાટ્ટુકલ, નિષલકત્તુ અથવા કુરવર પાટ્ટુકલ, પાણર પાટ્ટુકલ, કલ્યાણ-પાટ્ટુકલ, ઓણપ્પાટ્ટુકલ, સંઘક્કલિ પાટ્ટુકલ, વડક્કન પાટ્ટુકલ, તુમ્પિ પાટ્ટુકલ વગેરેનો સમાવેશ થાય છે. આમ કૃષિજીવન, ઉત્સવો વગેરે સાથે સંકળાયેલાં આબાલવૃદ્ધ સૌ જેમાં ભાગ લઈ શકે તેવાં ગીતોની સમૃદ્ધ પરંપરા પ્રશિષ્ટ સાહિત્ય સાથે જ ચાલતી રહેલી જોવા મળે છે.

મલયાળમ ભાષાસાહિત્ય જેમ લોકગીતોથી તો તેની સાથે સાથે જ કૃષ્ણ-વિષયક ગીતોથી–કૃષ્ણગાથા અથવા કૃષ્ણ-પાટ્ટુથી–પણ ઘણાં સમૃદ્ધ થયાં. આ કૃષ્ણગાથા સાથે ચેરુશ્શેરિ નંબૂતિરીનું નામ ઉજ્જ્વળ રીતે સંકળાયેલું છે. એષુત્તચ્છનની પહેલાં પૌરાણિક કથાઓને આધારે કાવ્યરચના કરનારા કવિઓમાં તેઓ સૌથી વધુ વિલક્ષણ છે. મલયાળમમાં અર્વાચીનતાનો ઉન્મેષ સૌથી પહેલાં તેમના દ્વારા પ્રગટ થયો.

મલયાળમ સાહિત્યમાં મણિપ્રવાલમ્ સાહિત્યના સુવર્ણકાળમાં ચમ્પૂકવિઓનું આધિપત્ય જોઈ શકાય. આ ચમ્પૂકાવ્યો સંસ્કૃત ચમ્પૂઓની પરંપરાના છતાં કેરળના જન-વાતાવરણના સંદર્ભમાં વિશિષ્ટ પણ હતાં. તેમાં રામાયણ, મહાભારતની સમગ્રકથાઓ ઉપરાંત પૌરાણિક કથોપાખ્યાનોનોયે આધાર લેવાતો હતો. મોટાભાગનાં ચમ્પૂકાવ્યોના રચયિતાઓ બાબતમાં નિશ્ચિત માહિતી મળતી નથી; આમ છતાં જે મળે છે તેમાં પૂનમ નંબૂતિરી અને મષમંગલમ્ નંબૂતિરીનાં નામો અગત્યનાં છે. પૂનમે ‘રામાયણ ચમ્પૂ’ની રચના કરેલી. મષમંગલમની ચમ્પૂરચનાઓમાં મુખ્ય ‘નૈષધમ્ ચમ્પૂ’ ગણાય છે. તેઓ પૂનમની તુલનામાં વિશેષ મૌલિક જણાય છે. આ ઉપરાંત પણ બીજાં અનેક ચમ્પૂઓમાં ‘ચેલ્લૂરનાથોદયમ્’, ‘નારાયણીયમ્’, ‘કંસવધમ્’, ‘કાલિયમર્દનમ્’ વગેરે ઉલ્લેખનીય છે.

આ ચમ્પૂકાવ્યની પરંપરા હવે મલયાળમ કવિતામાં લુપ્તપ્રાય છે; પરંતુ એ પરંપરાનું મલયાળમ કવિતાના વિકાસમાં મહત્વનું પ્રદાન છે. મલયાળમ કવિતામાં સામાન્ય રીતે જોવા મળતી સુકુમાર ભાવનાઓમાં તેમજ તેની કાવ્યશૈલીના ઘડતરમાં ચાક્યારકત્તુ તેમજ ચમ્પૂપ્રબંધોનો મોટો પ્રભાવ છે. ચમ્પૂપ્રબંધોના ગદ્યે કુંચન નંવ્યાર જેવા કવિઓની પ્રણાલીને માર્ગનિર્દેશન પૂરું પાડ્યું હતું. વલ્લતોળ જેવા અર્વાચીન કવિઓની શૈલી પર પણ ચમ્પૂકાવ્યોનો પ્રભાવ પડેલો જોઈ શકાય છે.

કાવ્યરચનાની ર્દષ્ટિએ મણિપ્રવાલમનો સમય સૌથી વધુ ઉલ્લાસપૂર્ણ હતો. ‘ચંદ્રોત્સવ’ જેવી રચનાઓ, મુક્તકો–પ્રશસ્તિગાથાઓ વગેરેનું આકર્ષક કાવ્યસાહિત્ય ત્યારે રાજ્યાશ્રયે ને લોકાશ્રયે પ્રચાર-પ્રસારમાં હતું. એ સાહિત્યે મલયાળમ ભાષા અને સાહિત્યના ભાવિ વિકાસ માટેની એક મજબૂત પીઠિકા રચી આપી.

સોળમી સદીના ઉત્તરાર્ધમાં મલયાળમના સાહિત્યાકાશમાં એષુત્તછન કવિના ઉદય સાથે નૂતન યુગનાં મંડાણ થયાં. તેમની કવિતામાં મલયાળમ ભક્તિ-કવિતાની સર્વોત્તમ સિદ્ધિ જોવા મળે છે. તેમણે એમની કવિતા માટે રામાયણ અને મહાભારતના વસ્તુનો સરસ રીતે વિનિયોગ કર્યો છે. એક મહાકવિની આધ્યાત્મિક ને સાહિત્યિક પ્રતિભાનું દર્શન એમાં થાય છે. એષુત્તછનની કાવ્યશૈલીથી ઠીક ઠીક જુદાપણું છતાં ભક્તિ અને તત્વદર્શનના સમન્વયવાળી એ યુગની એક વિશેષ ધારાના પ્રતિનિધિ કવિ તરીકે પૂંતાનમનું નામ પણ જાણીતું છે. તેમની ‘ભાષાકર્ણામૃતમ્’ સંસ્કૃત વૃત્તોમાં રચાયેલી સ્તોત્રકૃતિ છે. આ ગાળામાં અનેક પદ-કીર્તનો દ્વારા પણ ભક્તિપ્રવાહની છોળો લોકસમાજને ભીંજવતી રહી હતી.

એષુત્તછન પછી કેટલોક સમય કવિતાક્ષેત્રે નિષ્ક્રિયતા રહી ત્યારે કથકલીએ સાહિત્યક્ષેત્રે બહુ મહત્વનું પ્રદાન કર્યું. કથકલી કૂટિયાટ્ટમનું જ પરિષ્કૃત રૂપ છે. તેનો કાવ્યસાહિત્યને માટેય સારો એવો લાભ લેવામાં આવ્યો. એમાં કૃષ્ણનાટ્ટમ્, રામનાટ્ટમ્ વગેરેના તબક્કાઓ આવ્યા. વેટ્ટત્તુ રાજા કલ્લડિકાટ્ નંબૂતિરી તથા કપિલિંગટ્ટુ નંબૂતિરીએ કથકલીનું સંસ્કરણ કર્યું અને તેને સાહિત્યપ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. કોટ્ટાયમ્ તમ્પુરાન દ્વારા તેમની ‘બકવધમ્’ ‘કલ્યાણસૌત્રન્ધિકમ્’, ‘કૃમીરવધમ્’ તથા ‘કાલકેયવધમ્’ આ સંદર્ભમાં ઉદાહરણરૂપ છે. તેમણે કથકલીના શિલ્પવિધાનને પૂર્ણતાની કક્ષા અર્પી. આ પરંપરામાં પછી ઉન્નાયિ વારિયરનું ‘નલચરિતમ્’ પણ નોંધપાત્ર છે. આ કથકલીનો સુવર્ણયુગ ઉન્નાયિ વારિયરના આશ્રયદાતા મહારાજા કાર્તિક તિરુનાલ અને પછી સ્વતિતિરુનાલના રાજ્યકાળમાં આવેલો પ્રતીત થાય છે. ઇરય્યિમ્મન તંપિ અને કોયિતંપુરાન – આ બંને કવિઓનો એમાં મોટો ફાળો હતો.

એષુત્તછને શરૂ કરેલા નૂતન આંદોલન પછી દોઢ સદી સુધી કથકલી સિવાયનો બીજો પ્રવાહ કેરળમાં પ્રગટ થયો નહોતો. અઢારમી સદીમાં કુંચન નંબિયારના આગમન સાથે મલયાળમ કવિતામાં નવી સ્ફૂર્તિનો અનુભવ થાય છે. નંબિયાર તાજગીભરી, વાસ્તવિક અને હાસ્યવ્યંગાદિના રસે આકર્ષક એવી આમજનતાને સ્પર્શે એવી શૈલીની કવિતા આપે છે. એ જ રીતે રામપુસ્તુ વારિયર પણ ‘પુરાણપુણ્યોપાખ્યાનમ્’ જેવી રચનાઓથી વિશાળ આમવર્ગને આકર્ષે છે.

આ પછી રાજકીય ઊથલપાથલના વાતાવરણમાં કવિતા-કલાને યથેષ્ટ વિકાસ માટેનો અવકાશ ન મળ્યો.

આ પછી જેમ અન્ય ભારતીય ભાષાઓમાં તેમ મલયાળમ ભાષામાં પણ વિદેશીઓના આગમને નવી હવાનો, નવાં મૂલ્યો ને અભિગમોનો, જ્ઞાનવિજ્ઞાનના નવા નવા સંચારોનો પ્રભાવ શરૂ થયો. ખ્રિસ્તી મિશનરીઓની કામગીરીએ ધર્મની સાથે સાથે જ મલયાળમ ભાષા-સાહિત્યમાં નવા નવા સંચારો પ્રેરવામાં કારણભૂત થઈ.

પાદરીઓ દ્વારા મલયાળમ ભાષાના કોશ અને વ્યાકરણના ગ્રંથો તૈયાર થાય છે. અંગ્રેજી અને મલયાળમ ભાષાનું શિક્ષણ શરૂ થતાં એ અંગેનાં પાઠ્યપુસ્તકો તૈયાર થાય છે. આ બધાંમાં રેવ. બેન્જામિન બેઇલી, રેવ. જોસેફ પીટર, ડૉ. ગંડર્ડ, જ્યૉર્જ માથેન, ગાર્ટ વ્હાઇટ, પારચુ મુથતુ, પી. ગોવિંદ પિલ્લૈ, કેરળ વર્મા વગેરેનું પ્રદાન ઉલ્લેખનીય છે. મલયાળમમાં પહેલું સમાચાર-પત્ર ‘કેરળમિત્રમ્’ પ્રગટ કરનાર કોચીનનો દેવજી ભીમજી નામનો એક વેપારી હતો. એ પછી ‘કેરળ-પત્રિકા’, ‘વિદ્યાવિલાસિની’, ‘મલયાલી’, ‘મલયાલા મનોરમા’, ‘વિદ્યાવિનોદિની’, ‘ભાષાપોષિણી’ વગેરે પત્રો પણ ચાલ્યાં, જેના કારણે મલયાળમ ભાષા-સાહિત્યના વિકાસને વેગ અને દિશા મળ્યાં.

અંગ્રેજી સાહિત્યના સંપર્કે ગદ્ય સાહિત્યનો અનેક ક્ષેત્રોમાં વિકાસ થયો. મલયાળમમાં પહેલી નવલકથા છે 1887માં રચાયેલી ‘કુન્દલતા’. ચિરસ્થાયી મહત્વ ધરાવતી પહેલી કલાત્મક નવલકથા 1889માં રચાયેલી ચંદુ મેનનકૃત ‘ઇન્દુલેખા’ ગણાય છે. તેમની ‘શારદા’ નોંધપાત્ર પણ અધૂરી રહી ગયેલી નવલકથા પણ છે. આ નવલકથાપ્રવાહમાં સી. વી. રામન્ પિલ્લૈ (‘માર્તણ્ડ વર્મા-1891, ‘ધર્મરાજા’, ‘રામરાજ બહાદુર’), નારાયણ કુટ્ટુકલન (‘ઉદયભાનુ’ અને ‘પીરપ્પુરમ્’), અપ્પન તમ્પુરાન (‘ભૂતરાયર’), નારાયણ પોડુવાલ (‘કેરળપુત્રન’), રામન નંબીશન (‘કેરલેશ્વરન્’), કૃષ્ણ મેનન (‘ચેરમાનપ્પેરુમાલ’) વગેરેનું પ્રદાન ધ્યાનાર્હ છે. ઐતિહાસિક નવલકથાઓના ક્ષેત્રે કે. એમ. પણિક્કરનું પ્રદાન મહત્વનું છે. તેમણે કેરળના ઇતિહાસને લગતી ચાર અને ભારતના ઇતિહાસને લગતી એક એમ કુલ પાંચ નવલકથાઓ આપી છે. સામાજિક નવલકથાઓમાં કૃષ્ણ મેનન, કૃષ્ણ પિલ્લૈ, અચ્યુત મેનન, કે. એમ. પણિક્કર તેમજ ભવત્રાતન નંબૂતિરીપાદનું કાર્ય અગત્યનું છે. અર્વાચીન નવલકથાપ્રવાહમાં એ. બાલકૃષ્ણ પિલ્લૈ, કેશવદેવ, તકષી શિવશંકર પિલ્લૈ વગેરેએ નૂતન વળાંકો લાવવાનું કામ કર્યું. તકષીની નવલકથાઓ યથાર્થવાદી શૈલીમાં સમાજનું હૂબહૂ ચિત્રણ રજૂ કરે છે. તેમની ‘રંડિડંષિ’ (બશેર ભાત) તથા ‘એમ્મીન’ નવલકથાઓ અખિલ ભારતીય સાહિત્યની વ્યાપક ભૂમિકા પર ધ્યાનાકર્ષક થઈ છે. કેશવદેવની ‘ઓડયિલ નિન્નુ’ અને ‘ઉલક્કા’, વૈકમ મુહમ્મદ બશીરની ‘બાલ્યકાલસખી’ તેમજ ‘ન્ટેપ્પુપ્પીક્કોરાનેન્ટારન્નુ’ (‘મારા દાદાને એક હાથી હતો’) તેમજ એસ. કે. પોટ્ટેક્કાટની ‘વિષકનયકા’ જેવી કૃતિઓએ મલયાળમ નવલકથાક્ષેત્રની સમૃદ્ધિ વધારી છે. આ ક્ષેત્રે કાર્ય કરનાર લબ્ધપ્રતિષ્ઠ સર્જકોમાં પી. સી. કુટ્ટિકૃષ્ણન્, આર. એસ. કુરૂપ, મુટ્ટત બર્કી, વેટ્ટૂર રામન નાયર, જી. વિવેકાનંદ વગેરેનાં નામો પણ ઉલ્લેખનીય છે.

મલયાળમ ભાષામાં નવલકથાના મુકાબલે વાર્તાસાહિત્યનો વિકાસ સવિશેષ થયો છે. શરૂઆતમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે અનુકરણો ચાલ્યાં; પણ પછી સ્વકીય પ્રતિભાવાળા વાર્તાકારો આવ્યા. તેમાં ઓટુવિલ કુંઝિકૃષ્ણ મેનન (‘ચાર વાર્તાઓ’), સી. કુંઝિરામ મેનન, અમ્પાટિ નારાયણ પોડુવાલ, કે. સુકુમારન્ (‘સુકુમારકથામંજરી’) અને સી. બી. કૃષ્ણ પિલ્લૈનાં નામો ઉલ્લેખનીય છે. ઈ. વી. કૃષ્ણ પિલ્લૈ મલયાળમ વાર્તાસાહિત્યના પ્રારંભિક તબક્કાના માર્ગદર્શક વાર્તાકાર મનાય છે. મૂત્તિરિડડોટુ ભવત્રાતન નંબૂતિરીપાદ અને એસ. રામ વારિયર તેમના સમકાલીન વાર્તાકારો હતા. લલિતામ્બિકા અન્તર્જનમ્ જેવી વાર્તાલેખિકાના પણ અનેક વાર્તાસંગ્રહો મળે છે. તકષી શિવશંકર પિલ્લૈ, કેશવદેવ, બશીર, પોનકુન્નમ, બર્કી, એસ. કે. પટ્ટેક્કાટ, કારૂર નીલકંઠ પિલ્લૈ તથા પી. સી. કુટ્ટિકૃષ્ણન્ વગેરેના વાર્તાસર્જને મલયાળમના વાર્તાસાહિત્યને ઘણી વિવિધતા અને સમૃદ્ધિ બક્ષી છે. મલયાળમ સાહિત્યનું સૌથી વધુ જીવંત સાહિત્યસ્વરૂપ કદાચ ટૂંકી વાર્તા છે.

મલયાળમ નાટ્ય-સાહિત્યના વિકાસમાં પ્રાચીન લોકનાટ્ય-લોકનૃત્યની પરંપરાએ–કૂટિયાટ્ટમ્ તેમજ કથકલીએ તેમ પછી સંસ્કૃત તેમજ પાશ્ચાત્ય નાટ્યપરંપરાએ અગત્યનો ભાગ ભજવ્યો છે. અર્વાચીન કાળમાં વિદેશી મિશનરીઓ વગેરેના સંપર્કે જેનોવા નાટક, કારલમાન નાટક, યાકૂબ નાટક અને નેપોલિયન નાટક જેવી રચનાઓ રજૂ થતી હતી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં–1982માં કેરળવર્મા કોયિત્તંપુરાને ‘શાકુન્તલમ્’નો અનુવાદ આપ્યો. મલયાળમનું તે પહેલું પ્રકાશિત નાટક. તે પછી તો અનેક સંસ્કૃત નાટકો મલયાળમમાં ઊતર્યાં ને ભજવાયાં. પછી મૌલિક નાટકોનીયે જે પરંપરા શરૂ થઈ તેમાં કોચુણ્ણિ તંપુરાન(1855–1926)નું ‘કલ્યાણીનાટકમ્’ પ્રથમ છે. એ પછી કુટિયક્કુટ્ટન તંપુરાનનું ‘ચંદ્રિકા’, કે. સી. કેશવ પિલ્લૈનું ‘લક્ષ્મીકલ્યાણમ્’, કણ્ડટ્ટિલ વર્ગીસ માષિલ્લૈનું ‘એક્રાયકુટ્ટી’ વગેરે નાટકો રચાયાં. રવિવર્મા કોયિત્તંપુરાને રચેલ ‘કવિસભારંજનમ્’ તેમજ વયસ્કારે રચેલ ‘મનોરમાવિજયમ્’ ઘણાં રસપ્રદ ને મનોરંજક રહ્યાં. એ પછી પૌરાણિક કથાઓ વગેરેનો થોકબંધ ફાલ આવ્યો. વળી પાશ્ચાત્ય નાટકોનાં – ખાસ કરીને શેક્સપિયર, ઇબ્સન આદિનાં – નાટકોના અનુવાદો પણ થતા રહ્યા અને ભજવાતા રહ્યા. તિરુવટ્ટુર નારાયણ પિલ્લૈ જેવા સમર્થ અભિનેતાઓ દ્વારા સ્થપાયેલી નાટ્યસંસ્થાઓનો નાટક-રંગભૂમિના વિકાસમાં મહત્વનો ફાળો રહ્યો. મુનશી રામ કુરુપના ‘ચક્કી ચંકરમ્’ જેવાં નાટકો પણ સારાં ચાલ્યાં. એક બાજુ ઐતિહાસિક, સામાજિક તેમ રાષ્ટ્રીય નાટકોનોયે તેમજ પ્રહસનોનો પણ જુવાળ આવ્યો. સી. વી. રામન પિલ્લૈ અને ઈ. વી. કૃષ્ણ પિલ્લૈનાં નામો અનેક પ્રહસનો સાથે સંકળાયેલાં છે. ઐતિહાસિક નાટકની પરંપરામાં કુમાર પિલ્લૈ અને પદ્મનાભ પિલ્લૈનો ઘણો મોટો ફાળો રહ્યો છે. વળી સમાજસુધારાના ઉદ્દેશથી નાટકો લખવા-ભજવવાનો ઉપક્રમ પણ ચાલ્યો. રાષ્ટ્રીય નાટકોના પ્રવાહમાં કે. દામોદરન્, ઇડશ્શેરી ગોવિન્દન્ નાયર, કે. રામકૃષ્ણ પિલ્લૈ, કેશવદેવ, પોનકુન્નમ્ બર્કી વગેરેની રચનાઓ ઉલ્લેખનીય છે. સંગીત-નાટકના પુનરુત્થાનનો લાભ પણ મલયાળમના નાટયસાહિત્યને મળ્યો છે. મલયાળમમાં એકાંકી નાટકોના વિકાસમાં અપ્પન તંપુરાન, જી. શંકર કુરુપ, કે. રામકૃષ્ણ પિલ્લૈ, ડૉ. કે. એમ. જ્યૉર્જ, પી. વી. કૃષ્ણન્, ગોપીનાથન્ નાયર, વીરરાઘવ નાયર વગેરેનાં નામો જાણીતાં છે. મલયાળમમાં રેડિયોનાટકો પણ રચાતાં રહ્યાં છે. ત્યાંનું નાટ્યસાહિત્ય ચલચિત્ર ને દૂરદર્શનથી પણ ઠીક ઠીક પ્રભાવિત થતું રહ્યું છે.

મલયાળમનું કવિતાક્ષેત્ર પ્રાચીન કાળથી જ ખૂબ પ્રવૃત્તિમય ને પ્રાણવાન રહ્યું છે. જમાને જમાને એમાં નવા વળાંકો, નવાં પરિમાણો લાવનારા કાવ્યસર્જકો આવતા રહ્યા છે. મલયાળમ કવિતાનો અર્વાચીન યુગ શરૂ થાય છે અંગ્રેજી કેળવણીના ફલસ્વરૂપે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શુદ્ધ મલયાળમ શૈલીની કાવ્યપરંપરામાં નવપ્રસ્થાનનો પવન ફૂંકનારા જે બે પ્રતિભાસંપન્ન કવિઓ મળે છે તે. વેણ્મણિ નંબૂતિરિપ્પાદ, પિતા અને પુત્ર. એમાંયે પુત્રના ‘પુરપ્રબન્ધમ્’નો પ્રભાવ સવિશેષ વરતાય છે. કોટુડ્ડલ્લુર કોચ્ચુણિ તંપુરાન, કંઝિકુટ્ટન તંપુરાન, કાત્તુબ્લિયિલ અચ્યુત મેનન, નેટુવત અચ્છન નંબૂતિરી, શિવોલ્લિ નંબૂતિરી વગેરે કવિઓએ વેણ્મણિ નંબૂતિરિઓની કાવ્યશૈલીનો પ્રયોગવિસ્તાર કર્યો.

સામયિકો દ્વારા કવિતા અને કવિઓની ખ્યાતિ વધવા સાથે કવિતાના વિવેચન-મૂલ્યાંકનની પ્રવૃત્તિનોય આરંભ થયો. મલયાળમ કવિતામાં દ્વિતીયાક્ષર-પ્રાસવાદ અંગે ભારે ઊહાપોહ પેદા થયો. એક બાજુ દ્વિતીયાક્ષરપ્રાસની તરફદારી કરનાર કેરલ વર્મા, કુંઝિકુટ્ટન તંપુરાન, નેટુવત અચ્છન નંબૂતિરી હતા, તો બીજી બાજુ એ. આર. રાજરાજ વર્મા, પુન્નશ્શેરી નંપી અને અન્તપ્પાયી હતા. કેરલ વર્માનું ‘મયૂરસંદેશ’ કાવ્ય દ્વિતીયાક્ષર-પ્રાસવાદના પ્રભાવક ઉદાહરણરૂપ બની રહેલું. આ દ્વિતીયાક્ષર-પ્રાસવાદના ઊહાપોહને પ્રતાપે ઉભય પક્ષો દ્વારા પોતપોતાની કાવ્યશૈલી-પરંપરાને સમૃદ્ધ કરવાના ઉત્કટ પ્રયત્નો થયા. તદનુષંગે મલયાળમમાં અનેક મહાકાવ્યો – ખાસ તો સંસ્કૃતના નમૂના પર – રચાયાં. એ રીતે ‘રામચંદ્રવિલાસ’, ‘ઉમાકેરલમ્’, ‘રુક્માંગદચરિતમ્’, ‘ચિત્રયોગમ્’ અને ‘કેશવીયમ્’ જેવી કૃતિઓ પ્રકાશિત થઈ. એમાં કોટુડ્ડલ્લૂર કોચ્યુણિ તંપુરાનકૃત ‘પાંડવોદય’ તથા ‘વંચરીવંશ’નો તેમજ કટ્ટક્કયમ્ ચેરિયાર માપ્પિલાના ‘શ્રીયેશુવિજયમ્’નોયે નિર્દેશ જરૂરી છે. આ સંસ્કૃત મહાકાવ્યોના અનુવાદની પ્રવૃત્તિ પણ ચાલી. મલયાળમ આ મહાકાવ્યસર્જનની પરંપરા હવે અટકી ગયેલી છે અને તેનું સ્થાન ખંડકાવ્યોના સર્જને લીધું છે. મલયાળમની રોમૅન્ટિક કવિતાનો આરંભ ખંડકાવ્યની પરંપરામાંથી થાય છે. મલયાળમમાં એવી રચનાઓ આપનારમાં કે. સી. પિલ્લૈ (‘આસન્નમરણ–ચિંતાશતકમ્’), કોટુડ્ડલ્લૂર કુંઝિકુટ્ટન તંપુરાન અને કુંટૂર નારાયણ મેનન જેવાનાં નામ ઉલ્લેખનીય છે. એ. આર. રાજરાજ વર્માએ સંસ્કૃત તથા મલયાળમ બેયમાં રચના કરતાં, તેઓ મલયાળમમાં રોમૅન્ટિક કાવ્યશૈલીના માર્ગદર્શક કવિ બની રહ્યા. એમનું ‘મલયવિલાસમ્’ આ સંદર્ભમાં સ્મરણીય છે.

મલયાળમ કવિતામાં ‘પ્રિયવિલાપમ્’, ‘ઓરુવિલાપમ્’ જેવી કરુણ-પ્રશસ્તિઓ પણ રચાવા માંડેલી. ‘રસિકરંજની’, ‘ભાષાપોષિણી’, ‘વિદ્યાવિનોદિની’, ‘મંગલોદય’, ‘લક્ષ્મીબાઈ’, ‘વિવેકોદય’ જેવી અનેક પત્રિકાઓએ મલયાળી કવિતાના વિકાસવ્યાપને આવશ્યક અવકાશ આપ્યો. ‘કવનકૌમુદી’ (1903) તો કેવળ કવિતા માટેનું જ માસિક બની રહેલું. તેના દ્વારા જે યુવાકવિઓ આગળ આવ્યા તેમાં બી. સી. બાળકૃષ્ણ પિલ્લૈ (‘ઓરુવિલાયમ્’–1909) સૌથી વધુ પ્રભાવક હતા. એ પછી એ રોમૅન્ટિક શૈલીનો ચરમ ઉત્કર્ષ સધાય છે મલયાળમના પ્રમુખ કવિઓ કુમારન્ આશાન્, વલ્લતોલ અને ઉલ્લૂર દ્વારા. એમનાં ખંડકાવ્યો અને ઊર્મિકાવ્યો-ઊર્મિગીતોએ મલયાળી કાવ્યપ્રવાહને ખૂબ સમૃદ્ધ અને સભર કર્યો. આશાને સંસ્કૃતના પ્રભાવે કાવ્યસર્જનની શરૂઆત કરી. ગુરુ નારાયણનો પ્રભાવ અધ્યાત્મચિંતનની કવિતા સુધી ગતિવિકાસ સાધે છે. એમની ‘વીણપૂવું’, ‘નલિની’, ‘લીલા’ જેવી  રચનાઓ ઉપરાંત ‘પ્રરોદનમ્’, ‘ચિંતાવિષ્ટ્યાયસીતા’, ‘ચંડાલભિક્ષુકિ’, ‘કરુણા’ વગેરે રચનાઓ પણ ધ્યાનાર્હ છે. તેમણે દીનદલિત સમાજની વેદનાને–વિષમતાને વાચા આપતી ‘સિંહનાદ’ (1919) જેવી રચનાઓ પણ આપી છે. ‘પુષ્પવાડી’, ‘મણિમાલા’, ‘વનમાલા’ વગેરેમાં એમની વિવિધ પ્રકારની ઊર્મિકવિતાનો પરિચય મળે છે. કવિતામાંના ઉત્કૃષ્ટ ભાવાલેખન, તત્વચિંતન, સમાજદર્શન તેમજ વિષમતા અને પરાધીનતા સામેના વિદ્રોહબળને કારણે તેમની કવિતા અર્વાચીન મલયાળી કવિતાને એક મજબૂત ભૂમિકા પૂરી પાડી છે.

આશાનના જ સમકાલીન વલ્લતોલ (જ. 1879–1953) ‘બધિરવિલાપમ્’  (1910) દ્વારા સાહિત્યિક જીવનનો આરંભ કરે છે. તેમણે અનેક ખંડકાવ્યો-ઊર્મિકાવ્યો વગેરે આપ્યાં છે. એમનાં કાવ્યોના સંગ્રહો ‘સાહિત્યમંજરી’ના નામે 1916થી પ્રકાશિત થવા લાગ્યા. તેમાં સંસ્કૃતને બદલે જે દ્રવિડ છંદોના પ્રયોગ થયા છે તે ખાસ ધ્યાનપાત્ર છે. એમણે મહાત્મા ગાંધીને ગુરુ તરીકે સ્વીકારી ‘એન્ટે ગુરુનાથન્’ જેવી રચનાઓ પણ આપેલી. એમની ‘સાહિત્યમંજરી’ના નવ ભાગોમાંની કવિતામાં વિષયવસ્તુ, સ્વરૂપ, છંદોલય આદિની ર્દષ્ટિએ અપાર વૈવિધ્ય છે. સ્વાનુભવનું બળ અને રંગદર્શી મિજાજ તેમની કવિતાનું પ્રબળ આકર્ષણ છે. તેઓ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન-પૌરાણિક ભૂમિકા સાથેની પ્રગાઢ નિસબત કવિતામાં દાખવે છે. તેમણે કૃષ્ણપ્રેમની તેમ રાષ્ટ્રપ્રેમનીયે ઉદાત્ત કવિતા આપી છે. તેમનાં ખંડકાવ્યોમાં ‘મગ્દલન મરિયમ’ (1921) સર્વોત્તમ છે. અંગ્રેજી શિક્ષણથી વંચિત વલ્લતોલ પાશ્ચાત્ય સાહિત્ય અને તત્વવિચારની પણ ઠીક ઠીક અભિજ્ઞા દાખવે છે.

ઉલ્લુર એસ. પરમેશ્વર આયર (1877–1949) કેટલોક સમય જૂની પરંપરામાં કાવ્યસર્જન કરતાં કરતાં અર્વાચીન યુગને અનુરૂપ અનેક નવી લાક્ષણિકતાઓ તેમના કાવ્યસંગ્રહોમાં પ્રગટ કરતા રહે છે. ‘ઉમાકેરલમ્’ પછીની તેમની બધી રચનાઓ સંગ્રહસ્થ છે : ‘અરુણોદયમ્’, ‘તારહારમ્’, ‘કિરણાવલી’, ‘રત્નમાલા’, ‘મણિમંજૂષા’, ‘હૃદયકૌમુદી’, ‘તરંગિણી’, ‘કલ્પશાખી’, ‘અમૃતધારા’, ‘દીપાવલી’, ‘ચિત્રશાલા’, ‘તપ્તહૃદયમ્’ વગેરે. ઉલ્લુરે ઐતિહાસિક, લોકકથા-વિષયક, સામાજિક – એમ વિવિધ પ્રકારનાં વિષયવસ્તુનો એમની કવિતામાં સમર્થ રીતે વિનિયોગ કરી બતાવ્યો છે. ‘પરિશુદ્ધિ’ અને ‘પુરુષાર્થ’ – આ બે બાબતો આ કવિના જીવનદર્શનમાં કેન્દ્રસ્થાને છે. તેમનાં લગભગ બધાં ખંડકાવ્યો આકારર્દષ્ટિએ દીર્ઘ છે. એમાં ‘કર્ણભૂષણમ્’, ‘પિંગલા’ અને ‘ભક્તિદીપિકા’ મુખ્ય છે. તેમની કવિતામાં માનવપ્રેમ ને રાષ્ટ્રપ્રેમની પ્રભાવકતા જોવા મળે છે. કેરળના ચિંતનશીલ અને ભાવનાવાદી કવિઓમાં તેમનું ઊંચું સ્થાન છે.

આશાન્, વલ્લતોલ અને ઉલ્લૂર જેવા સમર્થ કવિઓ પછી મલયાળમ કવિતામાં ઓટ આવ્યાનું કોઈ માને તો તે યથાર્થ નથી. મલયાળમ કવિતા આ કવિઓ પછી પણ વિકસતી રહી છે તે નાલાપાટ્ટન્ નારાયણનની ‘કણ્ણુનીરત્તુલ્લિ’ (અશ્રુબિન્દુ) જેવી રચના જોતાં સમજાય છે. કુટ્ટિપ્પુરચ્ચુ કેશવન્ નાયર, વલ્લતોલ ગોપાલ મેનન, એમ. આર. કૃષ્ણ વારિયર, બી. ઉણ્ણિકૃષ્ણન્ નાયર, પલ્લત્તરામન્ (1892–1950) અને કે. એમ. પણિક્કર જેવા અનેક કવિઓએ મલયાળી કવિતાના પ્રવાહને પુષ્ટિ ને વૈવિધ્ય અર્પવાનો પુરુષાર્થ કર્યો છે. વળી આ કવિતામાં વેણ્ણિકુલમ્ ગોપાલ કુરુપનું તેમજ કવયિત્રીઓમાં બાલામણિ અમ્મા, માધવી અમ્મા, મેરી જૉન, મુતુક્કુલમ્ પાર્વતી અમ્મા વગેરેનું તેમજ પી. કુન્હીરામન્ નાયર, કે. કે. રાજા, એન. ગોપાલ પિલ્લૈ, બોધેશ્વર વગેરેનું પ્રદાન પણ નોંધવું રહ્યું.

મલયાળમમાં પ્રતીકવાદી અને રહસ્યવાદી કવિતા સાથે જી. શંકર કુરુપનું નામ સંકળાયેલું છે. 1917માં તેમનો કાવ્યક્ષેત્રે પ્રવેશ થયેલો. તેમની કવિતામાં વાસ્તવવાદ, રાષ્ટ્રવાદ, ગાંધીવાદ વગેરેનાં તત્વો પણ જોવા મળે છે. આ સંદર્ભમાં તેમનો ‘નવી તિથિ’ કાવ્યસંગ્રહ ઉલ્લેખનીય છે. તેમની કવિતામાં સૌન્દર્યનિષ્ઠા સાથે વિજ્ઞાનબોધનો પણ સુંદર સમન્વય થયેલો પ્રતીત થાય છે. ‘સાહિત્યકૌતુકમ્’ના ચાર ભાગોમાં તેમની બધી પ્રાથમિક કાવ્યકૃતિઓ સંગૃહીત છે. તે ઉપરાંત પણ ‘સૂર્યકાન્તિ’, ‘પૂજાપુષ્પમ’, ‘નિમિષમ્ મૈતુકલ’, ‘સ્વાતંત્ર્યોદયમ્’ ‘ઓલપ્પીપ્પી’ જેવા અન્ય કાવ્યસંગ્રહો તેમના છે.

મલયાળમમાં આશાન્, વલ્લતોલ, ઉલ્લૂર, જી. શંકર કુરુપની કવિતાથી ભિન્ન એક નવી કાવ્યધારા 1935ના મધ્યમાં પ્રગટ થાય છે. આ કાવ્યધારા પર અંગ્રેજી કવિતાનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. આ નવી કાવ્યધારામાં ઇટપ્પલિ રાઘવન્ પિલ્લૈ (‘મણિનાદમ્’) અને ચડ્ડમ્યુષા કૃષ્ણ પિલ્લૈ (‘બાષ્પાંજલિ’, ‘સ્પન્દિક્કુન્ન અસ્થિમાટડ્ડલ’ વગેરે) જેવાનાં નામ-કામ પ્રસિદ્ધ છે. ચડ્ડમ્યુષા પછી પણ મલયાળી કવિતા સાંપ્રત યુગનાં રાજકીય, સામાજિક, આર્થિક અને વૈજ્ઞાનિક પરિબળો સાથે તાલમેળ જાળવતી આગળ વધી છે. તેમાં કેટામંડ્ડલમ્ પપ્પુક્કુટ્ટિ, પી. ભાસ્કરન્, એમ. પી. અપ્પન, માલા નારાયણ નાયક, નાલાંકાલ કૃષ્ણ પિલ્લૈ, વૈલોપ્પલ્લિ શ્રીધર મેનન, એન. વી. કૃષ્ણ વારિયર, ઇડશ્શેરી ગોવિંદન્ નાયર વગેરેનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. મલાયળી કવિતાને આમવર્ગીય બનાવવાની કોશિશ કરતા યુવાકવિઓમાં વયલાર રામવર્મા, ઓ. એન. વી. કુરુપ, ઓલપ્પમણ્ણા, અવિકત્તમ અને ઓ. એમ. અનુજન, જી. કુમારપિલ્લૈ, સી. જે. મણ્ણુમૂડુ વગેરેનાં નામ સ્મરણીય છે. આ મલયાળી કવિતાને આગળ વધારવામાં મલયેશ્યા રામકૃષ્ણ પિલ્લૈ, તૈટકાંટ્ટુ ચંદ્રશેખરન્ નાયર, અયિરૂર સી. માધવન્ પિલ્લૈ, એમ. એસ. કુમારન્ નાયર, ઈશ્વર વારિયર, એન. એન. કક્કડ વગેરે અન્ય અનેકનાં નામ પણ ઉમેરવાનાં થાય એમ છે.

મલયાળી સાહિત્યમાં ગદ્યનો સર્વતોમુખી વિકાસ અર્વાચીન કાળમાં થયો. નિબંધકારોમાં વૈણ્ણમિલ કુંઝિરામન નાયર (‘કેસરી’)થી આરંભી, સી. અચ્યુત મેનન, આર. ઈશ્વર પિલ્લૈ (‘ચિંતાસંતાનમ્’ના 7 ભાગ), મૂર્કાત્તુ કુમારન્, કે. સુકુમારન્, સી. વી. કુંઝિરામન નાયક, પી. કે. નારાયણ પિલ્લૈ, કે. આર. કૃષ્ણપિલ્લૈ અને રાજરાજ વર્મા વગેરે ઉલ્લેખનીય છે. ‘કેસરી’ની નિબંધશૈલીનો ઈ. વી. કૃષ્ણપિલ્લૈ અને ‘સંજયન્’(એમ. આર. નાયર)માં વિકાસ જોવા મળે છે. મલયાળમમાં હજુ આ પ્રકારને વિકસવાનો સારો એવો અવકાશ છે.

સાહિત્યવિવેચનનો વિકાસ પણ મલયાળી સાહિત્યમાં અર્વાચીન કાળમાં થયો છે. તેમાં પત્રકારત્વનો ફાળો મહત્વનો છે. શાસ્ત્રીય ર્દષ્ટિએ પૂરી સજ્જતા સાથે વિવેચનક્ષેત્રનું ખેડાણ કરનાર પહેલા વિવેચક તે એ. આર. રાજરાજ વર્મા. એ પછી પી. કે. નારાયણ પિલ્લૈ (‘સાહિત્યપંચાનન’), કે. રામકૃષ્ણ પિલ્લૈ, સી. અન્તપ્પાયી, અપ્પન તંપુરાન, ડી. પદ્મનાભન્ ઉણ્ણી, સી. એસ. નાયર વગેરેએ આ પ્રકારને વિકસાવવામાં નોંધપાત્ર કાર્ય કર્યું. વિવેચનક્ષેત્રે આવેલા વિકાસ-વળાંકોમાં પ્રગતિવાદી વિવેચક બાલકૃષ્ણ પિલ્લૈ ઉપરાંત પ્રો. જોસેફ મુન્ડશ્શેરી તેમજ માર્કસવાદી વિવેચકો કે. દામોદરન્, એફ. એસ. દેવદાસ અને અચ્યુત કુરુપનું વિવેચનકાર્ય પણ સ્મરણીય છે. કુટ્ટિ કૃષ્ણ  મારાર, ડૉ. કે. ભાસ્કરન્ નાયર, ગુપ્તન્ નાયર, ડૉ. કે. એમ. જ્યૉર્જ, સુકુમારન્ અષિકોડ, ઉલ્લાટ્ટિલ ગોવિન્દન્ કુટ્ટીનાયર, એન. વી. કૃષ્ણ વારિયર, ડૉ. એસ. કે. નાયક, એલ. શ્રીધર મેનન, પી. એમ. શંકરન્ નંપિયાર, સરદાર કે. એમ. પણિક્કર, એમ. પી. પાલ વગેરેએ પણ મલયાળમ વિવેચનસાહિત્યને અનેકધા સમૃદ્ધ કર્યું છે.

મલયાળમ સાહિત્યમાં ઇતિહાસ અને સંશોધનમાં પી. ગોવિન્દ પિલ્લૈથી માંડીને આર. નારાયણ પણિક્કર, આટ્ટૂર કૃષ્ણ પિસરોડી, મુન્ડશ્શેરી માધવ વારિયર, પી. કે. પરમેશ્વરન્ નાયર વગેરેએ મલયાળી સાહિત્યના વિકાસને વિવિધ ભૂમિકાએ રજૂ કરવાના પ્રયાસો કર્યા છે. તેમાં તિરુપિતાંકૂર વિશ્વવિદ્યાલય પ્રકાશિત ઉલ્લૂરનો ‘કેરળ- સાહિત્યચરિત્રમ્’ એક મૂલ્યવાન આકરગ્રંથ છે. મલયાળી ભાષા-સાહિત્યના સંશોધનમાં પી. ગોવિંદ પિલ્લૈ, અપ્પન તંપુરાન્, કટ્ટન તંપુરાન, કુંઝિકુટ્ટન તંપુરાન, રાજા ઉદયવર્મા, કૉલગિરિ શંકર મેનન, શૂરનાટેટુ કુઝન પિલ્લૈ, ઇલંકુલમ્ કુયનપિલ્લૈ, ડૉ. ગોદવર્મા વગેરેનાં નામો ઉલ્લેખનીય છે. ઉલ્લૂર, પિસરોડી અને ડૉ. કે. એમ. જ્યૉર્જે મલયાળી ભાષા વિશે ઘણી મહત્વની ચર્ચાવિચારણા આપી છે.

મલયાળી કોશસાહિત્યમાં ‘શબ્દતારાવલી’ (1923, કંઠેશ્વર પદ્મનાભન્ પિલ્લૈ) ‘નવયુગનિઘણ્ટુ’ (આર. નારાયણ પણિક્કર) વગેરે ઉલ્લેખનીય છે. મલયાળમમાં ઇતિહાસ, વિજ્ઞાન આદિ વિવિધ શાસ્ત્રીય સાહિત્યોનો પણ ઠીક ઠીક વિકાસ થયો છે. તેમાં વેક્કમના પાચ્ચુ મૂત્તતુ. વી. આર. પરમેશ્વરન્ પિલ્લૈ, પી. એ. સૈયદ મુહમ્મદ, ઈ. એમ. શંકરન્ નંબૂતિરીપાટુ, સી. પી. અચ્યુત મેનન, આઇ. સી. ચાકો, કે. આર. કૃષ્ણ પિલ્લૈ, ડૉ. કે. ભાસ્કરન્ નાયર, પી. કે. કોરુ, પી. એન. મૂસદ, ડૉ. ડી. જે. થૉમસ, કે. દામોદરન્, નાલપ્પાટ્ટુ નારાયણ મેનન આદિ અનેક વિદ્વાનોનું પ્રદાન રહેલું છે.

મલયાળમમાં બાલસાહિત્ય, આત્મચરિત્ર ને જીવનચરિત્રસાહિત્ય, પ્રવાસસાહિત્ય, શબ્દચિત્રો ને રેખાચિત્રોનું સાહિત્ય પણ વિકાસ પામેલું છે. એમાં પણ ઉપર્યુક્ત લેખકોમાંથી અનેકે યથાવકાશ પ્રદાન કરેલું છે. સંસ્કૃત, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓના અનુવાદનું કાર્ય પણ મલયાળમમાં વિકસતું – વેગ પકડતું ગયું છે. ભગવદગીતાનો જૂનામાં જૂનો મલયાળી અનુવાદ કણ્ણશ્શ પણિક્કરનો પંદરમી સદીનો મળે છે. કાવ્ય, નાટક, નવલકથા, વાર્તા, નિબંધ આદિમાંયે અનેક અનુવાદો મળે છે. રવીન્દ્રનાથ, શરત્ચંદ્ર જેવા બંગાળી સાહિત્યકારોની કૃતિઓ પણ અનેક અનુવાદકો દ્વારા મલયાળમમાં ઊતરી છે.

મલયાળમ ભાષા-સાહિત્યને વિકસાવવામાં, સમૃદ્ધ કરવામાં મુખ્ય પ્રદાન તો સમર્થ સાહિત્યકારોનું જ છે; આમ છતાં નિમિત્તરૂપે કવિ-સમાજમ્, ભાષાપોષિણી સભા, સાહિત્ય પરિષદ તેમજ પ્રગતિશીલ સાહિત્ય સંઘ જેવી સંસ્થાઓનુંયે યત્કિંચિત્ પ્રદાન રહ્યું છે. ‘કેરળ કળા મંડળમ્’ની પ્રવૃત્તિ અનેક ર્દષ્ટિએ મહત્વની રહી છે. વળી આકાશવાણી, દૂરદર્શન, ચલચિત્રો વગેરેનોયે મલયાળી સાહિત્યના વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપનો ફાળો રહ્યો છે. આમ ભારતીય ભાષાઓમાં ભાષા તેમજ સાહિત્યની વિકાસસમૃદ્ધિની ર્દષ્ટિએ મલયાળી ભાષા-સાહિત્ય મહત્વનું છે.

ચન્દ્રકાન્ત શેઠ