મલબાર મહાસ્તરભંગ (Great Malabar Fault) : ભારતીય દ્વીપકલ્પના આખાય પશ્ચિમ કિનારાની ધારે ધારે આવેલો સ્તરભંગ. પશ્ચિમ કિનારાથી અરબી સમુદ્રમાં ઢળેલી સપાટી સ્તરભંગ-સપાટી છે. વાસ્તવમાં કચ્છથી છેક કન્યાકુમારી સુધી એક મહાસ્તરભંગ પસાર થાય છે, આ સ્તરભંગક્રિયા માયો-પ્લાયોસીન કાળગાળામાં થયેલી. તેની અસરથી આજની કિનારારેખાથી વધુ પશ્ચિમ તરફ વિસ્તરેલો ભારતનો મોટો ભૂમિભાગ દરિયા નીચે સરકીને ગરકાવ થઈ ગયો. પશ્ચિમ ઘાટના પર્વતોની પશ્ચિમ ઢોળાવવાળી બાજુ આ સ્તરભંગની સમાંતર છે.
1967ના ડિસેમ્બરની 11મી તારીખે થયેલો કોયનાનો ભૂકંપ આ સ્તરભંગના અસ્તિત્વનો પુરાવો પૂરો પાડે છે. તેનું ભૂકંપ નિર્ગમનકેન્દ્ર મુંબઈથી દક્ષિણે અગ્નિ તરફ આશરે 320 કિમી. દૂર તથા મલબાર કિનારાના રત્નાગિરિથી પૂર્વ તરફ આશરે 55 કિમી. દૂરના સ્થળે સ્થિત હતું. ઉપલબ્ધ માહિતી અનુસાર તેનું ભૂકંપકેન્દ્ર 8 કિમી. ઊંડાઈએ હતું. રિક્ટર માપ મુજબ તેની તીવ્રતા 6.5 જેટલી હતી. હમણાં સુધી ર્દઢ ગણાતા આવેલા દક્ષિણ ભારતીય ભૂકવચમાં આ પ્રકારનો ભૂસંચલનજન્ય ભૂકંપ, કોઇમ્બતુરના ભૂકંપના એક અપવાદને બાદ કરતાં, તેના ઇતિહાસમાં નોંધાયેલો સર્વપ્રથમ હતો. કોયનાનો ભૂકંપ આ સમાંતર બાજુ પર સરકવાની અસર પહોંચવાથી થયેલો હોવાનું ગણાય છે. ઉત્તરે સૂરતથી દક્ષિણે બેલારી સુધીનો આશરે 1,81,300 ચોકિમી. જેટલો વિસ્તાર ભૂસંચલનની ઓછીવત્તી અસર પામેલો. આ ભૂકંપથી કોયનાના ભૂકંપનિર્ગમનકેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં જાનમાલની ભારે ખુવારી થયેલી, પરંતુ બંધ તેમજ જળાશયને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. મુખ્ય આંચકા બાદ 24 કલાક દરમિયાન લગભગ 200 જેટલા પશ્ચાત્કંપ પુણેના મથક પર નોંધાયેલા.
ગિરીશભાઈ પંડ્યા