મલબારી, બહેરામજી મહેરવાનજી (જ. 18 મે 1853, વડોદરા; અ. 11 જુલાઈ 1912, સિમલા) : કવિ અને ગદ્યકાર. પિતા ધનજીભાઈ મહેતા અને માતા ભીખીબાઈ. પિતાનું અવસાન થતાં માતાની સાથે મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયેલા. બાળપણ સૂરતમાં. પહેલાં દેશી પદ્ધતિની શાળામાં અને પછીથી પારસી પંચાયતની સ્કૂલમાં. જ્ઞાન મેળવવાની ઝંખના થતાં સૂરતની મિશન સ્કૂલમાં દાખલ થયા. ત્યાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ ગણિતમાં નાપાસ થવાને કારણે ભણવાનું છોડી દીધું. તેમને ગુજરાતી અને અંગ્રેજી ઉપર સારું પ્રભુત્વ હતું.
તેમનો ઝોક સાહિત્ય તરફ વિશેષ હતો. શેક્સપિયર, મિલ્ટન, વર્ડ્ઝવર્થ, સ્પેન્સર આદિ કવિઓનો તેમણે અભ્યાસ કર્યો; પરિણામે અંગ્રેજી અને ગુજરાતી – બંનેમાં કાવ્યો રચ્યાં. ડૉ. વિલ્સન તેમનાથી પ્રભાવિત થયા હતા. સામાજિક અને રાજકીય સુધારણા વિશેના તેમના લેખો ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં છપાતા હતા. 1875માં બીજા મિત્રોની સહાયથી ‘ઇન્ડિયન સ્પેક્ટેટર’ નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું. 1878માં મિ. માર્ટિન વુડની મદદથી ‘ગુજરાત અને ગુજરાતી’ નામનું બીજું પત્ર પણ શરૂ કર્યું. 1883માં દાદાભાઈ નવરોજીના આશ્રય હેઠળ ‘વૉઇસ ઑવ્ ઇન્ડિયા’ પત્ર શરૂ કર્યું, જેના પ્રમુખ લેખક મલબારી હતા.
તેમની કાવ્યરચનાઓમાં સંસારસુધારો, દેશદાઝ અને નીતિબોધ આલેખાયેલાં જોવા મળે છે. ‘નીતિવિનોદ’ (1875) કરુણ ગરબીઓનો સંચય છે. ‘વિલ્સનવિરહ’ (1878) ડૉ. જૉન વિલ્સનના મૃત્યુનું શોકકાવ્ય છે ‘સરોદ-ઇ-ઇત્તેફાક’(1881)માં ફારસી શૈલીનાં ગીતો-કાવ્યો છે. તેમના બીજા કાવ્યસંગ્રહોમાં ‘અનુભવિકા’ (1894), ‘આદમી અને તેની દુનિયા’ (1898) અને ‘સાંસારિકા’(1898)ને ગણાવી શકાય. તેમની કાવ્ય-રચનાઓમાં દલપતરામ અને નર્મદની શૈલીનું અનુસંધાન જોવા મળે છે. શુદ્ધ ગુજરાતી ભાષા અને છંદો લખવાનો તેમનો પ્રયત્ન નોંધપાત્ર છે.
અંગ્રેજી ભાષામાં લખાયેલી રચનાઓ ‘ઇન્ડિયન ન્યૂઝ ઇન ઇંગ્લિશ ગાર્બ’(1876)માં છે. તેમણે 1878માં કરેલો ગુજરાત-કાઠિયાવાડનો પ્રવાસ ‘ગુજરાત ઍન્ડ ધ ગુજરાતીઝ’માં, તો 1890માં કરેલો યુરોપનો પ્રવાસ ‘ઇન્ડિયન આઇ ઑન ઇંગ્લિશ લાઇફ’માં આલેખાયો છે. તેમનું અનૂદિત પુસ્તક તે મૅક્સમૂલરનાં ‘હિબર્ટ લેક્ચર્સ’નું છે, જેમાં હિંદુ ધર્મની ફિલસૂફીને રજૂ કરવામાં આવી છે. એ પુસ્તક મનચેરજી મોબેદજીના સહયોગમાં તૈયાર થયેલું. તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયેલું.
મલબારીના કાવ્યગ્રંથોમાંથી અરદેશર ફરામજી ખબરદારે ચૂંટી કાઢેલી કાવ્યરચનાઓનો સંચય ‘મલબારીનાં કાવ્યરત્નો’ (1917) એ નામે પ્રકાશિત થયેલો. તાજેતરમાં (2001) ગુ.સા.પરિષદ દ્વારા તેની નવી આવૃત્તિ પ્રગટ થઈ છે.
નલિની દેસાઈ