મર્ફી, વિલિયમ પૅરી (જ. 6 ફેબ્રુઆરી 1894, સ્ટોટન, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 1987) : લોહીમાં હીમોગ્લોબિન ઓછું હોય ત્યારે તેને પાંડુતા (anaemia) કહે છે, તે સ્થિતિમાં યકૃત (liver) વડે ચિકિત્સા કરવાની પદ્ધતિ શોધી કાઢવા માટે 1934ના નોબેલ પારિતોષિકવિજેતા. આ જ સંશોધન માટે તેમના સહવિજેતા હતા જ્યૉર્જ હૉઇટ વ્હિપલ (George Hoyt Whipple) અને જ્યૉર્જ ચાર્ડ્ઝ. સન 1928માં અમેરિકન દેહધાર્મિકક્રિયાવિદ મિનોટ (Minot) અને મર્ફીએ વિપ્રણાશી પાંડુતા (pernicious anaemia) નામના રોગની સારવાર

વિલિયમ પૅરી મર્ફી
શોધી કાઢી હતી. તેમણે યકૃતમાંથી મેળવેલા દ્રવ્યનાં ઇન્જેક્શન આપીને દર્દીઓની પાંડુતા મટાડવાના સફળ પ્રયોગો કરી બતાવ્યા હતા. તેમણે તેનો મુખમાર્ગી ઉપયોગ પણ વિકસાવ્યો અને 1948માં યકૃતમાંથી સાયેનોકોબેલેમિન(વિટામિન B12)ને પણ અલગ કરી બતાવ્યું. ત્યારપછીનાં સંશોધનોએ વિટામિન B12ના અવશોષણમાં સહાયક થતા અને જઠરમાં ઉત્પન્ન થતા અંતર્ગત ઘટક(intrinsic factor)ની અનિવાર્યતા દર્શાવી હતી. મર્ફીએ 1920માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ડી.ની ઉપાધિ મેળવી અને 1922થી બૉસ્ટનમાં લોહીના રોગો તથા મધુપ્રમેહ-વિશિષ્ટ સંશોધન-અભ્યાસો કર્યા. આ અગાઉ 1918માં હુમરે યકૃતના અર્ક (liver extract) વડે વિપ્રણાશી પાંડુતાની સફળ સારવાર દર્શાવી હતી, પરંતુ તેના સંશોધન તરફ વ્યાપક દુર્લક્ષ રહ્યું હતું.
શિલીન નં. શુક્લ