મર્કેટર, જેરાર્ડસ (જ. 3 માર્ચ 1512, રૂપેલમૉન્ડે, ફ્લૅન્ડર્સ; અ. 2 ડિસેમ્બર 1594) : ખ્યાતનામ ભૂગોળશાસ્ત્રી.

તેમણે લૂવેન યુનિવર્સિટીમાં વિશ્વરચના-વિજ્ઞાની ગામા ફિરિસિયસ (Gamma Phyrisius) સાથે ગણિતશાસ્ત્ર, ખગોળવિજ્ઞાન તથા વિશ્વરચના(cosmography)નો અભ્યાસ કર્યો. જાતજાતનાં ઉપકરણો બનાવવાનો તથા મોજણીદાર (surveyor) તરીકેનો અનુભવ મેળવ્યો.

જેરાર્ડસ મર્કેટર

લૂવેનમાં વૈજ્ઞાનિક ઉપકરણો બનાવવાનો વ્યવસાય કર્યો. એમની શરૂઆતની સફળતાને કારણે મર્કેટર રાજવી ચાર્લ્સ પાંચમાના દરબારમાં તેમના નજીકના સંપર્કમાં આવ્યા તથા તેમને માટે વિવિધ ક્ષેત્ર-ઉપકરણો બનાવ્યાં. 1537માં ગામા ફિરિસિયસે બે મોટા ગોલક(globe)ની જોડ બનાવી. મર્કેટરે તેમાં નકશી કરનાર (engraver) તરીકે તેને મદદ કરી. 1552માં મર્કેટરે પોતાનાં બે સર્જનો ભૂગોલક (Terrestrial Globe) અને અવકાશીય ગોલક (Celestial Globe) ચાર્લ્સ પાંચમાને ભેટ આપ્યા. તે સાથે એક ખગોલીય વીંટી (astronomical ring) તેમજ ‘Declaratio’ નામની માર્ગદર્શક પુસ્તિકા આપી, જેમાં આ બંને ગોલક કઈ રીતે વાપરવા તેનું વર્ણન હતું. 1552માં જ, રહાઇનલૅન્ડ (જર્મની) જતા રહ્યા તથા ડ્યૂઝબર્ગમાં પોતાની કાર્યશાળા શરૂ કરી. ત્યાં મર્કેટર તથા તેમનાં કુટુંબીજનો નકશાને લગતા કામમાં ગૂંથાયેલાં રહેતાં હતાં; જેમ કે, સંકલન ચિત્રકામ (compilation drawing), નકશા-આલેખન (map engraving) વગેરે. 1564માં ડ્યૂકના રાજદરબારમાં તેઓ વિશ્વવરચના-વિજ્ઞાની બન્યા. મર્કેટર બુદ્ધિ તથા હસ્તકળા – એમ બંનેના કુશળ પ્રયોજક તરીકે તે ઓળખાતા હતા.

તેમણે આ પ્રમાણે નકશાઓ પ્રકાશિત કર્યા છે : ‘ધ મૅપ ઑવ્ હોલી લૅન્ડ’ (1537), ‘ધ વર્લ્ડ’ (1538), ‘ફ્લૅન્ડર્સ’ (1540), ‘ટેરેસ્ટ્રિયલ ગ્લોબ’ (42 સેમી. વ્યાસ, 1541), ‘સિલેસ્ટિયલ ગ્લોબ’ (1551); ‘યુરોપ’ (1554), ‘બ્રિટન’ (1564); ‘વર્લ્ડ મૅપ’ (1569), ‘મૅપ બેઝ્ડ ઑન ટૉલેમિઝ જિયૉગ્રાફી’ (1578), ‘મૅપ ઑવ્ એન્શન્ટ વર્લ્ડ’, ‘ઍટલાસ ઑવ્ મૉડર્ન મૅપ્સ’ (1585–1595), ‘એન્ટાયર વર્લ્ડ’ (કુલ 107 નકશાઓ), ‘મર્કેટ્સ પ્રોજેક્શન’ – એ મર્કેટરનું અત્યંત પ્રચલિત પ્રદાન છે.

અરુણ રમણલાલ વામદત્ત