મરી : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper nigrum Linn. (સં. મરિચ, બં. મિરવેલ, હિં. કાલી મિર્ચ, ક. કપ્પમેણસુ, તે. મરિપાલુ, ત. સેવ્વિયં, મિલાગુ; મલ. કુરુમુલાગુ, ગુ. મરી, અં. બ્લૅક પીપર) છે. તે શાખિત, આરોહી અને બહુવર્ષાયુ ક્ષુપ છે અને ભારત, શ્રીલંકા અને અન્ય ઉષ્ણકટિબંધીય દેશોના ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. દક્ષિણ ભારતનાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને થોડા પ્રમાણમાં આસામ અને પશ્ચિમ બંગાળમાં તે વવાય છે. હાલમાં આંધ્રપ્રદેશ, આંદામાન અને ગુજરાતમાં મરીની ખેતીને સફળતા મળી છે. તેની શાખાઓ મજબૂત અને તલસર્પી (trailing) હોય છે અને ગાંઠોએથી મૂળ ઉત્પન્ન કરે છે. આ મૂળ દ્વારા તે આધાર ઉપર આરોહણ કરે છે. પર્ણો સાદાં, ઘેરા લીલા રંગનાં અખંડિત, એકાંતરિક તથા 12.5 સેમી.થી 17.5 સેમી. લાંબાં અને 5.0 સેમી.થી 12.5 સેમી. પહોળાં હોય છે અને બહુશિરી (multicostate), અભિસારી (convergent), જાલાકાર (reticulate) શિરાવિન્યાસ (venation) ધરાવે છે. કેટલીક વાર નીચેથી નીલાભ (glaucuous), તલપ્રદેશ તીક્ષ્ણ-ગોળ કે હૃદયાકાર અને સમાન કે અસમાન હોય છે. પુષ્પો નાનાં, સફેદ અને શુકી (spike)–સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. શુકી પર્ણની વિરુદ્ધની દિશામાંથી નીકળે છે. પુષ્પો દ્વિગૃહી (dioecious) છે, છતાં માદા પુષ્પ ઘણી વાર બે પરાગાશયો અને નર પુષ્પ વંધ્ય સ્ત્રીકેસર (pistillode) ધરાવે છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું હોય છે. ફળ ધરાવતી શુકીની લંબાઈ અને મજબૂતાઈમાં ખૂબ વિવિધતા હોય છે. તેનો અક્ષ અરોમિલ હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનાં અંડાકાર અથવા ગોળાકાર અને પાકે ત્યારે ચળકતાં લાલ હોય છે. બીજ સામાન્યત: ગોળ હોય છે. તેનું બીજાવરણ પાતળું અને શ્વેતક (albumen) સખત હોય છે.

મરી ભારતમાં ઉગાડાતો સૌથી પ્રાચીન પાક છે અને ઉત્તર કાનડાથી કન્યાકુમારીના વર્ષા-વન(rain-forest)માં તે તેની વન્ય (wild) સ્થિતિમાં મળી આવે છે. તેથી દક્ષિણ-પશ્ચિમ ભારતની પર્વતમાળામાં તેનો ઉદભવ થયો હોવાની શક્યતા ગણાય છે, વન્ય સ્થિતિમાં તે દ્વિગૃહી હોવાથી ભાગ્યે જ ફળ ઉત્પન્ન કરે છે, પરંતુ તેની ખેતી કરવામાં આવે તો ફળનિર્માણ ઘણું સારું થાય છે, કારણ કે મોટાભાગના કૃષ્ટ (cultivated) પ્રકારો દ્વિલિંગી હોય છે. દ્વિલિંગી જાતોનો ઉદભવ મનુષ્ય દ્વારા થતી સતત પસંદગી અને તેના વાનસ્પતિક પ્રજનનને કારણે થયો હોવાનું મનાય છે. કેરળના દરિયાકિનારે થતી જાતોમાં દ્વિલિંગી પુષ્પોનું પ્રમાણ 10 %થી 98 % જેટલું હોય છે. વધારે ઉત્પાદન આપતી જાણીતી જાતોમાં તેનું પ્રમાણ 70 %થી 98 % જેટલું હોય છે, વધારે છાયાવાળી સ્થિતિમાં દ્વિલિંગી પુષ્પો કરતાં માદા પુષ્પો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.

ભારતમાં વવાતી મરીની કેટલીક જાતો આ પ્રમાણે છે : બાલમકોટ્ટા, ચેરિયા કાનિયાકંદન, વાલિયાકાનિયાનંદન, ચેરિઆકોડી, ચુમાલા, ડોડ્ડાગા, કાલુવેલી, કરીમુંડા (કરીવલ્લી), કરીમકોટ્ટા, કરીવીલાંચી, કોટ્ટાનંદન, કુંભાકોડી, કુથીરાવલી, મલ્લીગેસરા, નારાયાકોડી, પેરૂમકોડી, ટાટ્ટીસારા, યુથીરાનકોટ્ટા, વોકાલામોરાટા, ચોલામોરાટા, રેસીના-મોરાટા અને ડોડિયા. આ જાતો મુખ્યત્વે ત્રાવણકોર, મલબાર, કાનડા અને મૈસૂરના પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. હાલમાં કેરળ રાજ્ય દ્વારા મરીની નવી જાત ‘પાનિયુર–1’ બહાર પાડવામાં આવી છે, જે સ્થાનિક જાતો કરતાં 3થી 4ગણું ઉત્પાદન વધારે આપતી અને વહેલી પાકતી જાત છે.

આ પાક સારી નિતારવાળી, ગોરાડુ અને ભરભરી જમીનમાં થાય છે. તે 250 સેમી. જેટલા વરસાદમાં ખૂબ જ સારો થાય છે. તેમ છતાં જો આખા વર્ષ દરમિયાન તેનાથી થોડો ઓછો વરસાદ સરખી રીતે પડે તોપણ સારું ઉત્પાદન મળે છે. આ પાક 10° સે.થી 40° સે. તાપમાને અને 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. મરીનો પાક ઉગાડવા માટે મુખ્ય વેલામાંથી જમીનની નજીકથી નીકળેલી ફૂટમાંથી 2થી 3 આંતરગાંઠ ધરાવતા કટકા કાપીને ફેબ્રુઆરી–માર્ચમાં છાયાવાળી જગાએ રોપવામાં આવે છે. આ રોપાઓ જૂન–જુલાઈમાં ખેતરમાં રોપવા માટે તૈયાર થઈ જાય છે. તેની વાવણી થડથી 30 સેમી.ના અંતરે કરવામાં આવે છે. તે આંતરપાક તરીકે આંબા, ચીકુ અને નાળિયેરી સાથે વધારે વવાય છે.

મરી ફળદ્રુપતાહારી (exhausting) પાક છે અને મૃદાને નાઇટ્રોજનયુક્ત ખાતર વધારે પ્રમાણ આપવાની જરૂર પડે છે. ઍમોનિયમ સલ્ફેટ, રૉક ફૉસ્ફેટ અને પોટૅશિયમ ક્લૉરાઇડનું 6:9:12ના પ્રમાણનું મિશ્રણ લગભગ બેગણું ઉત્પાદન આપે છે. છાણિયા ખાતર અને લીલા ખાતરના ઉપયોગથી વધારે સારું ઉત્પાદન મળે છે. મલેશિયામાં ખાતર ઉપરાંત ગ્વાનો (guano), મત્સ્ય-ચૂર્ણ (fish-meal) અને જિંગા-ચૂર્ણ(prawn-meal)નો પણ ઉપયોગ થાય છે.

મરીને સુકારો અને પોલુ નામના બે મહત્વના રોગો થાય છે. આ રોગ મૂળનો કોહવારો અને નાશ તથા પર્ણોનું પીળું પડવું અને ખરી પડવું – જેવાં લક્ષણો દ્વારા ઓળખી શકાય છે. મૂળનો કોહવારો Phytophthora નામની ફૂગથી થાય છે. વિવિધ ફૂગનાશકો(fungicides)નો ફૂગના નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે. રોગગ્રસ્ત વનસ્પતિઓને બાળી નાંખવામાં આવે છે. ચોમાસાનો પ્રથમ વરસાદ થયા પછી મૂળની સપાટીની નજીક કળીચૂનો (slaked lime) આપવામાં આવે છે. આ રોગ માટે અવરોધક જાતો ઉત્પન્ન કરવા માટેના પ્રયત્નો પણ થયા છે.

પોલુ વધારે ગંભીર રોગ છે. તે ફળને પોલું બનાવે છે. એટલું જ નહિ, પરંતુ છોડનો સંપૂર્ણ નાશ કરે છે. આ રોગનાં બે કારણો છે : (1) તે Colletotrichum sp. નામની ફૂગ અને (2) Longitarsus nigripennis Motsch નામની પોલુ, બીટલ અથવા મરીની ચાંચડી દ્વારા થાય છે. ફૂગ પર્ણ અને પ્રકાંડથી ચેપ શરૂ કરી અંતે શુકી અને ફળો સુધી વિસ્તરે છે અને ફળોને પોલાં બનાવે છે. ફળનિર્માણ શરૂ થતાં બૉર્ડો-મિશ્રણનો છંટકાવ રોગનું અસરકારક નિયંત્રણ કરે છે. કીટક ફળમાં ઈંડાં મૂકે છે અને તેમનું એક અઠવાડિયામાં સ્ફોટન થાય છે. તેમાંથી નીકળતી ઇયળો મીંજ (kernel) ખાઈ જતાં ફળ પોલું થઈ જાય છે. 0.25 % ડી.ડી.ટી.ના છંટકાવ દ્વારા રોગનું નિયંત્રણ થાય છે. બીજાં કીટનાશકોમાં લિન્ડેન, ડાઇઍલ્ડ્રિન અને મેલેથિયોનનો સમાવેશ થાય છે.

સંગ્રહ કરવામાં આવેલ સંસાધિત (processed) મરી ઉપર જીવાત ભાગ્યે જ આક્રમણ કરે છે; પરંતુ ભેજનું પ્રમાણ 12 %થી 13 % જેટલું વધતાં પુસ્તક-જૂ (book-lice), ધાન્ય કથીરી (cereal miles), દાણાની ભમરી (grain beetles), સિગારેટ ભમરી (cigarette-beetles) અને ડ્રગ સ્ટોર ભમરી (Sitodrepa panicea) પ્રવેશે છે. મરીની સુકવણી કરતાં તેમનો નાશ થાય છે. ડ્રગ સ્ટોર ભમરી કેરળના કેટલાક વિસ્તારોમાં નુકસાન પહોંચાડે છે. આ માટે ક્લૉરોસૉલયુક્ત ધૂમન (fumigation) અસરકારક હોય છે. સંચિત મરીને Aspergillus niger van Tiegh., A. oryzae (Ahlburg) Cohn. અને A. glaucus Link. ચેપ લગાડે છે. ફૂગ-નિર્માણ અને કીટ-ગ્રસ્તતા(insect-infestation)નું નિયમન મરીનું યોગ્ય શુષ્કન કરવાથી થાય છે.

મરીના વેલાની રોપણી પછી ત્રીજા વર્ષથી તે ઉત્પાદન આપવાનું શરૂ કરે છે. મે-જૂનમાં તેનું પુષ્પનિર્માણ થાય છે. આ સમયે હલકો વરસાદ વધારે ફળ બેસવા માટે જરૂરી છે. ફળ બેઠા પછી પરિપક્વ થવા માટે 6થી 8 માસ લાગે છે. આમ, મરીનો પાક સપાટ પ્રદેશમાં નવેમ્બરથી ફેબ્રુઆરીમાં અને પર્વતીય વિસ્તારમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન તૈયાર થાય છે. મરીના ગુચ્છમાં 2–3 ફળ નારંગીથી લાલ રંગનાં થાય તે સમયે મરીનાં ઝૂમખાં તોડવામાં આવે છે. ત્યારબાદ તેને છાયામાં સાદડી ઉપર સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. તેઓ સુકાઈને 4થી 7 દિવસમાં કાળાં અને કરચલીવાળાં બને છે, જેનો વેપારી રીતે ઉપયોગ કરી શકાય છે. આ સૂકાં મરીનું વજન લીલાં મરી કરતાં 25 % જેટલું મળે છે. સાતમા વર્ષથી તેનું ઉત્પાદન 600થી 800 કિગ્રા./હેક્ટર મળે છે. આ વેલાઓ 25 વર્ષ સુધી સ્થાયી ઉત્પાદન આપે છે.

લીલા મરીના એક નમૂનાનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 70.6 %, પ્રોટીન 4.8 %, લિપિડ 2.7 %, કાર્બોદિતો 13.7 %, રેસાઓ 6.4 % અને ખનિજદ્રવ્ય 1.8 %, કૅલ્શિયમ 270 મિગ્રા., ફૉસ્ફરસ 70 મિગ્રા., લોહ 204 મિગ્રા., થાયેમિન 0.05 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.04 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 0.2 મિગ્રા., અને એસ્કૉર્બિક ઍસિડ 1 મિગ્રા./100 ગ્રા. કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 900 આઇ.યુ./100 ગ્રા.

કાળા મરીના કૂનૂરના બજારના નમૂનાના રાસાયણિક વિશ્લેષણ મુજબ તે પાણી 13.2 %, પ્રોટીન 11.5 %, લિપિડ 6.8 %, રેસો 14.9 %, કાર્બોદિતો 49.2 %, ખનિજદ્રવ્ય 4.4 %, કૅલ્શિયમ 460 મિગ્રા., ફૉસ્ફરસ 198 મિગ્રા., ફાઇટિન ફૉસ્ફરસ 115 મિગ્રા., લોહ 16.8%, આયનીય (ionisable) લોહ 3.2 %, થાયેમિન 0.09 %, રાઇબોફ્લેવિન 0.14 % અને નિકોટિનિક ઍસિડ 1.4 મિગ્રા./100 ગ્રામ, પ્રજીવક ‘એ’ 1,800 આઇ.યુ./100 ગ્રા., ઑક્ઝેલિક ઍસિડ 0.4 %થી 3.4 % જેટલો ધરાવે છે.

મરીમાં સ્ટાર્ચ મુખ્ય ઘટક છે. કાળાં મરીમાં 34.1 % અને સફેદ મરીમાં 56.5 % અને અપવલ્કિત (decorticated) સફેદ મરીમાં 63.2 % જેટલો કાર્બોદિત હોય છે. તેના મંડકણો (starch-grains) ચોખાના મંડકણોને મળતા આવે છે અને બહુકોણીય હોય છે. છતાં નાના (0.5 માઇક્રોનથી 5.0 માઇક્રોન વ્યાસના) હોય છે. નાભિ(hilum)નું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્ર નીચે માત્ર ઉચ્ચાવર્ધક (high power) વસ્તુર્દક્કાચ (objective lense) હેઠળ થઈ શકે છે.

પાઇપરિન (C17 H19 O3 N) નામનું આલ્કેલૉઇડ કાળા મરીની તીખાશ માટેનું મુખ્ય ઘટક છે. તે વનસ્પતિનાં પ્રકાંડ અને પર્ણોમાં હોતું નથી. તે પાણીમાં અલ્પદ્રાવ્ય અને આલ્કોહોલમાં ઝડપથી ઓગળે છે અને જલાપઘટન (hydrolysis) કરતાં પાઇપરિડિન અને પાઇપરિક ઍસિડમાં વિભાજિત થાય છે. તે શરૂમાં સ્વાદરહિત હોવા છતાં લાંબા સંપર્કથી અતિ તીવ્ર તીખો સ્વાદ આપે છે. અન્ય તીખાં આલ્કેલૉઇડોમાં ચેવિસિન, પાઇપરિડિન અને પાઇપરેટિનનો સમાવેશ થાય છે. તેઓ અલ્પ જથ્થામાં હોય છે. ચેવિસિન પાઇપરિનનો રાળયુક્ત સમઘટક (isomer) છે. પાઇપરિનનું પ્રમાણ 4 %થી 10 % જેટલું હોય છે.

કાળાં અને સફેદ મરીની ભસ્મમાં અનુક્રમે પોટૅશિયમ (K2O) 24.4 %થી 34.7 %, 6.1 %; સોડિયમ (Na2O) 1.5થી 5.5 %, 0.8 %; કૅલ્શિયમ (CaO) 11.6 %થી 16.1 %, 33.1 %; મૅગ્નેશિયમ (MgO) 3.3 %થી 13.0 %, 10.6 %; લોહ (Fe2O3) 0.3 %થી 2.2 %, 2.0 %; મૅંગેનીઝ (MnO2) 0.2 %થી 0.8 %, 0.5 %; ફૉસ્ફરસ (P2O5) 8.5 %થી 11.1 %, 30.0 %; સલ્ફર (So3) 4.0 %થી 9.6 %, 3.5 %; ક્લૉરિન 5.4 %થી 8.5 %, 0.7 % અને સિલિકા 1.5 %થી 6.5 %, 2.0 % હોય છે. કાળા મરીમાં તાંબું અને આયોડિન (9 માઇક્રોગ્રામ/100 ગ્રા.) હોય છે.

મરીની લાક્ષણિક સુરભિત (aromatic) વાસ તેના ફલાવરણમાં રહેલા બાષ્પશીલ (volatile) તેલને કારણે હોય છે. ખાંડેલાં કે દળેલાં કાળાં મરીનું બાષ્પનિસ્યંદન (steam distillation) કરતાં 1.0 %થી 2.6 % બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. તેનું વધારેમાં વધારે 4.8 % જેટલું ઉત્પાદન થઈ શકે છે. કાળાં મરી તાજાં હોય ત્યારે નિસ્યંદન કરતાં વધારે પ્રમાણમાં તેલ મળે છે. સફેદ મરીના તાજા નમૂનામાંથી 0.95 % જેટલું તેલ મળે છે.

મરીનું તેલ લગભગ રંગહીન કે આછા લીલા રંગનું હોય છે અને મુખ્યત્વે ટર્પિનો, એલ-ફેલાન્ડ્રેન, કૅર્યોફાઇલેન અને કદાચ ડાઇટર્પિન ધરાવે છે. તેલની લાક્ષણિક વાસ પાઇપરોનેલ, ડાઇહાઇડ્રોકાર્વિયોલ, કૅર્યોફાઇલેન ઑક્સાઇડ, ક્રિપ્ટૉન (C19H14O) અને આલ્કોહોલ (C10H18O) જેવાં ઑક્સિજનયુક્ત સંયોજનોને કારણે હોય છે. તેલમાં સૅસ્ક્વિટર્પિનોની હાજરી હોય છે.

તેલ કલમો (sausage), ડબ્બાબંધી માંસ-સૂપ, ચટણી, કેટલાંક પીણાંઓ અને મદ્યને સુગંધિત કરવા સહબંધક (adjunct) તરીકે વપરાય છે. તેનો સાબુને આછો ગુલાબી રંગ આપવામાં ઉપયોગ થાય છે. તે ઔષધ બનાવવામાં અને યીસ્ટના વૃદ્ધિ ઉત્તેજક (growth-stimulant) તરીકે વપરાય છે.

તેનાં સૂકવેલાં ફળ કાળાં મરી અને ફલાવરણ કાઢી નાખતાં સફેદ મરી તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમનો અથાણાં, મરીમસાલા અને ચોક્કસ પ્રકારના કુલમો (sausaged) બનાવવામાં થાય છે. કાળાં મરી, સફેદ મરી કરતાં તીખાં હોય છે. આખાં મરી મેથીનાં ભજિયાં, ગાંઠિયા અને અન્ય ફરસાણમાં વપરાય છે. અમેરિકામાં કાળાં મરીનો 50 % જેટલો ઉપયોગ માંસ-ઉદ્યોગમાં માંસને સંસાધિત (curing) કરવા અને પરિરક્ષણ (preservation) માટે થાય છે.

અર્વાચીન યુરોપીય ઔષધવિજ્ઞાનમાં કાળાં મરીનો ક્વચિત જ ઉપયોગ થાય છે. કેટલાંક સંયોજિત ઔષધોમાં એક સંઘટક (ingredient) તરીકે તે વપરાય છે. અર્વાચીન ભારતીય ઔષધવિજ્ઞાનમાં કૉલેરા, તાવ પછી આવતી અશક્તિ, ચક્કર (vertigo) અને મૂર્ચ્છા(coma)માં, અજીર્ણમાં ક્ષુધાપ્રેરક (stomachic) તરીકે, અધરાંગ-ઘાત (paraplegia) અને વામાં તેનો ઉપયોગ થાય છે. ગલદાહ (sore throat), હરસ-મસા અને ત્વચાના રોગોમાં બાહ્ય રીતે લગાડવામાં તે ઉપયોગી છે અને ત્વચાને લાલ બનાવે છે.

કાળા મરીમાં રહેલું ઑલિયોરેઝિન જીવાણુનાશક અને ફૂગનાશક ગુણધર્મો ધરાવે છે. 0.1 % ઑલિયોરેઝિન Micrococcus pyogenes var. aureus અને Aspergillus versicolorની વૃદ્ધિને અવરોધે છે. તેનો આલ્કોહોલીય નિષ્કર્ષ M. pyogenes var aureus અને Escherichia coli સામે સક્રિયતા દાખવે છે. તેનો જલીય નિષ્કર્ષ અસરકારક નથી. 0.1 % કરતાં ઓછી સાંદ્રતાએ શ્વેતકણોની જીવભક્ષી (phagocytic) સક્રિયતા ઘટે છે. મરીના નિષ્કર્ષો અતિ રક્તસ્કંદિત (hypercoagulative) અસર દર્શાવે છે. તે રુધિરમાં હિપેરિનની સાંદ્રતા ઘટાડી અને થ્રૉમ્બિનની સક્રિયતા વધારી તેની ગંઠાવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.

કાળાં મરી તેલ અને ચરબી, કારેલાં, ડુક્કર કે ગોમાંસમાં ખટાશ ઉત્પન્ન થતી અટકાવે છે. ઑલિયોરેઝિનમાં રહેલા ટોકોફેરોલ(કુલ 0.54 % α-ટોકોફેરોલ 0.1 %)ની લીધે આ સક્રિયતા જોવા મળે છે.

આયુર્વેદ અનસાર કાળાં મરી તીખાં, કડવાં, ઉષ્ણ, રુચિકર, અગ્નિદીપક, તીક્ષ્ણ, રુક્ષ, અવૃષ્ય, છેદક, શોષક અને પિત્તકર છે અને વાયુ, કફ, કૃમિ, શૂળ, હૃદરોગ, ઉધરસ, શ્વાસ, પ્રમેહ અને અર્શનો નાશ કરે છે. લીલાં મરી પાકકાળે અને રસકાળે મધુર, કિંચિત્ ઉષ્ણ, તીખાં, ગુરુ, અપિત્તલ, અગ્નિદીપક, રોચક, સ્વાદુ અને કડવાં છે અને કફ, વાયુ, કૃમિ અને હૃદરોગનો નાશ કરે છે. સફેદ મરી તીખાં, ઉષ્ણ, રસાયન, અવૃષ્ય, કિંચિત્, રુક્ષ અને સારક છે અને ત્રિદોષ, નેત્રરોગ અને વિષનો નાશ કરે છે.

વાયુથી અંગ જકડાઈ જતું હોય તે ઉપર તેનો લેપ લગાડવામાં આવે છે. ખસ, વિષમજ્વર, શીતપિત્ત, માથાનો દુ:ખાવો, કૉલેરા, હરતાલ અને સોમલવિષ, શરદી, મૂત્રાઘાત, સંગ્રહણી, મૂળવ્યાધિ, ઉદરરોગ, બરોળ, મંદાગ્નિ, ગોળો, આધાશીશી, વાયુવિકાર અને સ્વરભંગ ઉપર તે ઉપયોગમાં લેવાય છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ

બળદેવભાઈ પટેલ