મરી જવાની મઝા (1973) : લાભશંકર ઠાકર રચિત અરૂઢ, ઍબ્સર્ડ શૈલીનાં એકાંકીઓનો સંગ્રહ. અન્ય ઍબ્સર્ડ એકાંકીઓની જેમ, અહીં પણ સ્પષ્ટ, સુસંબદ્ધ નાટ્યાત્મક, હૃદયંગમ કથાવસ્તુ, આગવું વ્યક્તિત્વ ધરાવતાં જીવંત પાત્રો, તર્કબદ્ધ તેમજ સ્વાભાવિક કાર્ય અને સંવાદ, પ્રતીતિકર અથવા ચોક્કસ સ્થળ-કાળનો બોધ કરાવે તેવું વાતાવરણ વગેરે પરંપરિત અને રૂઢ તત્વોનો અભાવ છે તથા અકળ, રહસ્યમય, અર્થહીન પ્રસંગ, કાર્ય, પાત્ર, સંવાદ દ્વારા મનુષ્યની વ્યક્તિત્વહીનતા, છિન્ન-ભિન્નતા, એકલતા, દિશાશૂન્યતા, લાચારી, હતાશા ને વ્યર્થતાનું આલેખન થયું છે. અહીં ‘ફૅન્ટસી’ અને વાસ્તવનું કલાત્મક સંમિશ્રણ છે. લાભશંકરની નાટ્યકલાનું આ એક વ્યાવર્તક લક્ષણ છે, જે તેમના આ પ્રથમ સંગ્રહનાં એકાંકીઓને અન્ય ઍબ્સર્ડ એકાંકીઓ કરતાં વિશિષ્ટ બનાવે છે. પ્રથમ એકાંકી ‘મરી જવાની મઝા’માં મનુષ્યને સતત ભ્રમણશીલ ને ભૂખ્યાતરસ્યા રાખતી, સાઇકલ-છાપાં સાથે સંકળાયેલી યંત્રસંસ્કૃતિની જોડાજોડ બંધિયારપણાને પોષતો સામન્તી પરિવેશ ધરાવતી મધ્યયુગીન સંસ્કૃતિ આલેખવા રાજકુમારીનું કપોલકલ્પિત પાત્ર; કાઠિયાવાડી બોલી અને લઢણોને સુપેરે ઝીલતા ‘કુદરતી’ એકાંકીમાં ‘પૂન (પુણ્ય) કરવા ખાતર નહિ, પણ કુદરતી રીતે થઈ જવું જોઈએ, એવો ધ્વનિ પ્રગટ કરવા મુખ્ય પાત્ર બાબુ દ્વારા સ્વર્ગની ઊડતી મુલાકાતની ઘટનાનું આલેખન; પુણ્યની જેમ પાપ પણ અકસ્માતે જ થઈ જાય છે એ વાત ઠસાવવા માટે ‘ઇરાદો’ એકાંકીમાં, જેનું ખૂન થયું છે તે આધેડ વયના સૂર્યકાન્તનો પ્રવેશ અને તેના દ્વારા ખૂનીની ઓળખ તેમજ કોઈ પણ જાતના ઇરાદા વગર કશું પણ કરતા સદાશિવના પાત્ર દ્વારા પારુની અપરાધગ્રંથિનું નિરસન; ‘નૉનસેન્સ’ એકાંકીમાં આપઘાત પૂર્વે પિપૂડું વગાડવાની ઇચ્છા ધરાવતા, પણ 10 પૈસાના અભાવે તેની પૂર્તિ નહિ કરી શકતા ડિરેક્ટરના મોં પર ઇચ્છાના પ્રતીક સમી ઊગી નીકળતી લાલ રંગની દોઢ ઇંચ લાંબી ચાંચ; ‘કાદવ-કીચડ’ એકાંકીમાં કાદવકીચડરૂપી સાંસારિક એષણાઓથી દૂર ભાગવા મથતા અને સુક્કા વેરાન રણને સ્વર્ગ માની બેસનાર પદ્મનાભના ‘અહીં કાદવ નથી, કીચડ નથી, પાણી નથી, પ્રેમ નથી’ એવા યંત્રવત્ ઉચ્ચારણથી ડોલી ઊઠતું ઇન્દ્રાસન અને તેના તપોભંગ માટે મેનકાનું અવતરણ; ‘ટાઉનહૉલમાં સ્વર્ગ નથી’ એકાંકીમાં ટાઉનહૉલનાં બારણાંને સ્વર્ગનાં બારણાં સમજી ખખડાવતા યુધિષ્ઠિર અને સ્વર્ગ છોડી હોટલમાં જમવાની ઝંખના સેવતા ઇન્દ્ર તથા અંતિમ એકાંકી ‘આ અવાજ મારા મનને ભરી દે છે’માં સમૂળગું પરિવર્તન પામતાં રાઈ અને પર્વતનાં પ્રસિદ્ધ પાત્રો – પર્વત ઊંચો અને ભરાવદાર છે ને શરબત બનાવી રહ્યો છે, જ્યારે રાઈ હાંફતો અને બીમાર છે ને પાણી માટે તરસી રહ્યો છે – અને શરબત બનાવતી વખતે ચમચીથી ઓગાળવામાં આવતા બરફના અવાજથી તૃપ્તિ અનુભવતી આધુનિક લીલાવતી રમીલાનું પાત્ર અને તે દ્વારા પ્રસિદ્ધ ઘટનાનું નવતર આલેખન – આ બધું તેમનાં એકાંકીઓને વિશિષ્ટ અને શૈલીપરક (stylised) બનાવે છે. વળી પાત્રો કે પરિસ્થિતિમાં થયેલા ચમત્કારિક પરિવર્તનને અન્ય પાત્ર સહજતાથી સ્વીકારી લે ને બાકીનું બધું તદ્દન સ્વાભાવિક રહે એ નાટ્યકાર દ્વારા પ્રયોજાયેલી ફૅન્ટસીની પ્રયુક્તિની વિશેષતા છે. નાટ્યોચિત ભાષાની સૂઝ અને નિરૂપણની હળવાશ આ એકાંકીઓના આસ્વાદ્ય અંશ છે; તેમ છતાં ‘મરી જવાની મઝા’, ‘કુદરતી’ અને ‘ઇરાદો’ સિવાયનાં અન્ય એકાંકીઓમાં ક્રિયા કરતાં સંવાદના વિશેષ ભારણને લીધે તેમજ ઘટનાની યોગ્ય માવજતને અભાવે નાટ્યતત્વ પૂરેપૂરું સિદ્ધ થયું નથી. અંતિમ બે એકાંકીઓ તો માત્ર ‘ર્દશ્યો’ જ રહી જાય છે.
મહેશ ચંપકલાલ શાહ