મરીમસાલા પાક સંશોધન કેન્દ્ર, જગુદણ

January, 2002

મરીમસાલા પાક સંશોધન કેન્દ્ર, જગુદણ : ગુજરાતનું મુખ્ય મસાલા સંશોધન કેન્દ્ર. ગુજરાતમાં મસાલાના પાકોની અગત્યને ધ્યાનમાં લઈ સરકારે તે પાકોના સંશોધનની કામગીરી 1961–62માં મણુંદ, તા. પાટણ ખાતે શરૂ કરેલ હતી. આ સંશોધનની કામગીરી 1965–66થી 1980–81 સુધી વિજાપુર અને પિલવાઈ કેન્દ્રોમાં ચાલતી હતી. 1981–82માં મસાલાના પાકોની આ સંશોધન-કામગીરી જગુદણ કેન્દ્ર ખાતે  લાવી કેન્દ્રને મુખ્ય મસાલા સંશોધન કેન્દ્રનો દરજ્જો અપાયો.

સારણી : મરીમસાલા પાક સંશોધન કેન્દ્ર, જગુદણ દ્વારા વિકસાવાયેલી મસાલાપાકની વિવિધ જાતો

અ. નં. પાકનું નામ સુધારેલ જાત       નોંધ
1. જીરું ગુજરાત જીરું-1

ગુજરાત જીરું-2

ગુજરાત જીરું-3

રાજ્યનો 90 % વિસ્તાર સુધારેલ જાતો નીચે છે. ગુજરાત જીરું-3 વિશ્વની પ્રથમ સુકારાપ્રતિકારક જાત છે.
2. વરિયાળી ગુજરાત વરિયાળી-1

ગુજરાત વરિયાળી-2

રાજ્યનો 60 % વિસ્તાર સુધારેલ જાત નીચે છે.
3. ધાણા ગુજરાત ધાણા-1

ગુજરાત ધાણા-2

4. સુવા ગુજરાત સુવા-1

ગુજરાત સુવા-2

પિયત વિસ્તાર માટે

બિનપિયત વિસ્તાર માટે

5. અજમો ગુજરાત અજમો-1 પિયત અને બિનપિયત વિસ્તાર માટે
6. મેથી ગુજરાત મેથી-1
7. મરચી ગુજરાત મરચી-1

ગુજરાત મરચી-2

50 % વિસ્તાર આ બે જાત નીચે છે. ગુજરાત મરચી-2 કોકડવા સામેની પ્રતિકારક જાત છે.

કેન્દ્રના હેતુઓ : (1) જીરું, ધાણા, વરિયાળી, મેથી, અજમો, સુવા, મરચી, આદું, હળદર વગેરે મસાલાના પાકો જનીનિક વિવિધતા ધરાવતા જનનરસ(germplasm)ને દેશ તથા વિદેશમાંથી એકઠો કરી તેમની ઉત્પાદનક્ષમતા વધારવી તથા રોગ-જીવાત માટેની પ્રતિકારકતાની ચકાસણી કરી તેમની જાળવણી કરવી. (2) મસાલાના પાકોમાં ઉત્પાદન આપતી સારી ગુણવત્તાવાળી અને રોગ-જીવાત સામે ટકી શકે તેવી જાતો તૈયાર કરી ખેડૂતોને વાવેતર માટે આપવી. (3) પોષણક્ષમ અને મહત્તમ ઉત્પાદન આપે તેવી મસાલાના પાકોની ખેતપદ્ધતિઓ વિકસાવી ખેડૂતોને તેમની જાણકારી આપવી. (4) મસાલાના પાકોની સારી ગુણવત્તા માટે કાપણી પહેલાંની અને પછીની કાર્યપદ્ધતિઓ નક્કી કરી તેમની ખેડૂતોને ભલામણ કરવી. (5) સુધારેલી જાતોનું રાજ્યની જરૂરિયાત મુજબ પ્રજનક (breeder) બિયારણ તૈયાર કરવું. (6) મસાલાના પાકો અંગેના કોઈ પણ ખેડૂતના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવું.

કેન્દ્રની સિદ્ધિઓ : પાકસુધારણા : આ કેન્દ્ર પરથી સારણી મુજબની સુધારેલ અને વધુ ઉત્પાદન આપતી જાતો તૈયાર કરી ખેડૂતોને વાવેતર માટે આપવામાં આવેલ છે.

શસ્યવિજ્ઞાન : ઉપરના દરેક મસાલાના પાકના મહત્તમ અને પોષણક્ષમ ઉત્પાદનની ખેતી-પદ્ધતિઓ; જેવી કે વાવણીનો સમય, બિયારણનો દર, વાવણીની પદ્ધતિ, ખાતર, પિયત, નીંદામણ, કાપણીનો સમય વગેરે નક્કી કરી ખેડૂતોને તેમની ભલામણ કરવામાં આવે છે.

પાકસંરક્ષણ : મસાલાના પાકોમાં આવતા રોગ અને જીવાત માટેનાં કાર્યક્ષમ અને પોષણક્ષમ નિયંત્રણના ઉપાયો નક્કી કરી ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.

મસાલાના પાકો ગુજરાત રાજ્યના  સૂકા અને અર્ધસૂકા વિસ્તારો માટે ખૂબ જ અનુકૂળ અને સારામાં સારું વળતર આપતા રોકડિયા પાકો છે. સંશોધનના પરિણામે દરેક પાકમાં સુધારેલી, વધુ ઉત્પાદન આપતી જાતો અને તે માટેની યોગ્ય ખેતપદ્ધતિઓ તૈયાર કરી ખેડૂતોને આપવામાં આવી છે. આમ ગુજરાત રાજ્ય જીરું અને વરિયાળીના પાકોની ઉત્પાદકતામાં પ્રથમ સ્થાને છે.

ઈશ્વરભાઈ ધનજીભાઈ પટેલ