મરાઠ્યાંચ્યા ઇતિહાસાચી સાધને : મહારાષ્ટ્રના પ્રસિદ્ધ ઇતિહાસકાર વિશ્વનાથ કાશીનાથ રાજવાડે લિખિત ગ્રંથશ્રેણી. તેના બાવીસ ખંડોમાં લેખકે મરાઠાઓના ઇતિહાસને લગતાં સાધનોનું વિવરણ કર્યું છે. આ ગ્રંથશ્રેણી માટે તેમણે મરાઠાઓના ઇતિહાસને લગતું સમગ્ર દફતર વાંચ્યું હતું, જેમાંથી પહેલા ગ્રંથમાં 1750થી 1761ના સમયગાળાની ભારતના ઇતિહાસની વિગતો આપવામાં આવી છે. તે માટે તેમણે 304 ઐતિહાસિક પત્રોનો ઉપયોગ કર્યો છે. 1898માં પ્રસિદ્ધ થયેલ આ ખંડમાં પાણિપતની લડાઈ તથા તે સમયગાળાને લગતા કેટલાક રાજકીય પુરુષોનાં કાર્યોનો ઉલ્લેખ કર્યો છે; દા.ત., બાળાજી બાજીરાવ, સદાશિવભાઉ, મલ્હારરાવ હોળકર, દત્તાજી શિંદે વગેરે. આ કાર્ય માટે તેમણે કેટલાંક રજવાડાંઓ, કિલ્લા, મંદિરો, મસ્જિદો, મઠો, ઘાટ, ગુફાઓ વગેરેની મુલાકાતો લીધી હતી અને દસ્તાવેજી પુરાવા પ્રાપ્ત કર્યાં હતા. તેમણે 1898થી 1921 દરમિયાન આ બાવીસ ગ્રંથો પ્રગટ કર્યા. આ શ્રેણીનો પ્રથમ ગ્રંથ પ્રગટ કરવામાં તેમને દેવું થયું હતું. બીજા ગ્રંથો ‘ગ્રંથમાળા’ સામયિકમાં હપતેથી, ચિત્રશાળાના માલિકની જવાબદારીથી, ‘ઇતિહાસ-સંગ્રહ’ ત્રૈમાસિકમાં ભારત ઇતિહાસ સંશોધક મંડળ તથા ખાનગી સંસ્થાઓ દ્વારા ક્રમશ: પ્રગટ કરવામાં આવ્યા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે