મરગૂબ, બનિહાલી (જ. 1937, બેંકૂટ, બનિહાલ, કાશ્મીર) : જાણીતા કાશ્મીરી કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પરતાવિસ્તાન’ માટે 1979ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે.
1962માં તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ.ની પદવી પ્રથમ વિભાગમાં પ્રથમ આવીને મેળવી. તે પછી 1978માં પીએચ.ડી.ની પદવી મેળવી.
તેમણે ઉર્દૂ અને ફારસીના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. પાછળથી તેઓ હેડમાસ્તર અને તેહસિલ એજ્યુકેશન ઑફિસરના પદ સુધી પહોંચ્યા. ત્યારબાદ તેઓ કાશ્મીર યુનિવર્સિટીમાં ફારસી વિભાગમાં જોડાયા અને હાલ તેઓ ત્યાં રીડર તરીકે ફરજ બજાવે છે.
તેમણે 1960ના દશકાની શરૂઆતથી લેખનકાર્ય શરૂ કર્યું અને સંખ્યાબંધ સાહિત્યિક વિવેચનગ્રંથો, સંશોધનગ્રંથો અને અનુવાદો પ્રગટ કર્યા છે, તેમની પુરસ્કૃત કૃતિ ‘પરતાવિસ્તાન’ને જમ્મુ અને કાશ્મીર અકાદમીનો કલા, સંસ્કૃતિ અને ભાષા ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો છે.
આ ‘પરતાવિસ્તાન’ સત્ય અનુભવોની પ્રામાણિક રજૂઆત, ભાવસભરતા તથા શબ્દલયની મધુરતાને કારણે કાશ્મીરી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.
બળદેવભાઈ કનીજિયા