મયૂરશિખા : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગમાં આવેલા એડિયેન્ટેસી કુળનો એક હંસરાજ (fern). તેનું વૈજ્ઞાનિક નામ Actinopteris Australis (Linn. f.) Link. syn. A. radiata link; A. dichotoma kuhn. (હિં. મયૂરશિખા; ગુ. મયૂરશિખા, ભોંયતાડ; અં. પીકૉક્સ ટેલ) છે. હંસરાજની તે એકલપ્રરૂપ (monotypic) પ્રજાતિ છે. તેનું વિતરણ દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં થઈને આરબ દેશો અને ત્યાંથી દક્ષિણ ભારત, શ્રીલંકા અને મ્યાનમાર સુધી થયેલું છે. તે નાનો ચર્મલ (tough) ભૌમિક હંસરાજ છે અને સમગ્ર ભારતમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તે ખડકોની ભેજવાળી તિરાડોમાં અને કેટલીક વાર પહાડના ઢોળાવ પર કાળી કે લાલ કાંકરેટ (gravel) ભૂમિ ઉપર થાય છે. નીલગિરિ, કુમાઉં, આબુ, શ્રીનાથજી અને મહારાષ્ટ્રમાં તે સામાન્ય છે. તે તળાવના કિનારા ઉપર અથવા ચૂનાની પાકી દીવાલો ઉપર પણ થાય છે. તેની ગાંઠામૂળી (rhizome) ટૂંકી, ભૂપ્રસારી (creeping) અને પર્ણતલો વડે ગાઢપણે ઘેરાયેલી હોય છે. પત્રાક્ષ લીલાશ પડતા રંગથી માંડી સૂકા ઘાસ જેવા રંગનો અને 5 સેમી.થી 15 સેમી. લાંબો હોય છે. પર્ણાંગપત્રો (fronds) નાનાં અને પંજાકાર, દ્વિશાખિત રેખીય ખંડોમાં વિભાજિત થયેલાં હોય છે. ફળાઉ પર્ણાંગપત્ર મોટાં હોય છે. તેની નીચેની સપાટીએ ઘેરા બદામી રંગના બીજાણુધાનીપુંજો (sori) ઉત્પન્ન થાય છે.
સામાન્યત: આ હંસરાજ ત્રિગુણિત (triploid) હોય છે, પરંતુ દ્વિગુણિત (deploid) અપજન્યુક (apogamous) નમૂનાઓ પણ પ્રાપ્ત થયા છે.
પ્રકાંડ અને પર્ણોમાં રુટિન, હેન્ટ્રાઇએકોન્ટેન, હેન્ટ્રાઇએકોન્ટેનોલ, β–સિટોસ્ટેરોલ, β–સિટોસ્ટેરોલ પામિટેટ, β–સિસ્ટોસ્ટેરોલ–ડી–(+)–ગ્લુકોસાઇડ, એક અજ્ઞાત ગ્લુકોસાઇડ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય છે.
આયુર્વેદ અનુસાર મયૂરશિખા રસમાં મધુર અને પચવામાં હલકી હોય છે. તે પિત્ત, શ્લેષ્માતિસાર અને મૂત્રકૃચ્છ્ર રોગમાં ઉપયોગી છે. પુત્રપ્રાપ્તિ માટે ઋતુ દરમિયાન જે સ્ત્રી તેનું મૂળ દૂધ સાથે પીએ છે તેને અવશ્ય ગર્ભ રહે છે. એ રીતે તે વંધ્યત્વનું ઔષધ છે. તે ચોખાના ધોવાણ અને ઘી સાથે પીવાથી સર્વ સાપોનાં વિષ નાશ પામે છે. ગોવા તરફ દીર્ઘકાલીન મલેરિયાના તાવમાં અને કૃમિના રોગોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્ષયના રોગમાં તેની પાણીમાં ભીંજવેલી ગાંઠામૂળી પુષ્ટિકારક ઔષધ (tonic) તરીકે આપવામાં આવે છે.
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ