મયૂરમ્ : તમિલનાડુ રાજ્યના તંજાવુર જિલ્લાનું નગર તેમજ મયૂરમ્ તાલુકાનું મથક. ભૌગોલિક સ્થાન : 11° 20´ ઉ. અ. અને 79° 40´ પૂ. રે. આ નગર તમિલનાડુ રાજ્યના કુમ્ભકોણમની પૂર્વમાં કાવેરીના ત્રિકોણપ્રદેશમાં આવેલું છે. બંગાળનો ઉપસાગર અહીંથી પૂર્વમાં 100 કિમી. દૂર આવેલો છે.

અહીંની જમીન ફળદ્રૂપ છે. તેથી ડાંગર, કપાસ અને ચણાની ખેતી વિશેષ પ્રમાણમાં થાય છે. કાવેરી નદીની સિંચાઈનો ખેતીને લાભ મળે છે. ખેતી-આધારિત ઉદ્યોગોમાં અહીં સુતરાઉ કાપડનો ગૃહઉદ્યોગ વિકસ્યો છે. અહીંની સાડીઓ ખૂબ જાણીતી બનેલી છે. આ ઉપરાંત વીણા, તંબૂરા, વાયોલિન, મૃદંગ, તબલાં અને ખંજરી જેવાં સંગીતનાં વાદ્યો બનાવવાના ગૃહઉદ્યોગો પણ વિકસ્યા છે.

આ નગર કુડુલોરથી કારીકલ જતા રેલમાર્ગ પર આવેલું હોવાથી તે રેલજંક્શન પણ છે. અહીં વિનયન અને વિજ્ઞાનની કૉલેજો, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ચિકિત્સાલય, ઔષધાલય-હૉસ્પિટલની સગવડો પણ છે.

આ નગરમાં 400 વર્ષ જૂનું, ચોલા રાજાઓએ બંધાવેલું મયૂરનાથ સ્વામીનું મંદિર આવેલું છે. તેનું શિવલિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે. આ મંદિર આશરે 240 મીટર લાંબું, 17 મીટર પહોળું અને 55 મીટર ઊંચાઈવાળું છે. તેને નવ ગોપુરમ્ આવેલાં છે. અહીં દર વર્ષે ઑક્ટોબર–નવેમ્બર દરમિયાન કુદામુઝુકુ વિઝ્હા નામનો ઉત્સવ પણ ઊજવાય છે.

નીતિન કોઠારી