મફતલાલ ગગલભાઈ (જ. 1873, અમદાવાદ; અ. 1944, મુંબઈ) : આત્મબળ, ઉત્સાહ અને સાહસથી સફળ બનેલા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ તથા દાનવીર. પાટીદાર જ્ઞાતિમાં જન્મેલા મફતલાલના પિતા ગગલભાઈની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી, તેથી મફતલાલ થોડું જ ભણી શક્યા અને તેર વર્ષની વયે નિશાળ છોડીને પિતાની કાપડની ફેરીમાં અને નાનકડી દુકાનમાં જોડાયા. થોડા સમય બાદ પિતાનું અવસાન થવાથી અમદાવાદની એક મિલમાં કારકુનની નોકરી સ્વીકારી. તેમનું કામ બહારથી આવેલા રૂ અથવા બીજા માલસામાનનું વજન કરવાનું અને બિલો ચેક કરવાનું હતું; પરંતુ મિલનો વહીવટ કઈ રીતે ચાલે છે તેનું તીક્ષ્ણ નજરથી અવલોકન કરીને તેમણે ઊંડી સમજણ કેળવી તથા પોતાની માલિકીની મિલ બનાવવાનું સ્વપ્ન સેવવા માંડ્યું. મિલમાં તેમણે ચંદુલાલ મહાદેવિયા નામના ભારતીય અને આર્થર ગૉર્ડન શૉરોક નામના અંગ્રેજ સદગૃહસ્થ સાથે સંબંધો કેળવ્યા હતા. તેથી ત્રણેએ એકત્રિત થઈને મફતલાલ ચંદુલાલ નામની મૅનેજિંગ એજન્સી બનાવીને 1905માં એક જૂની મિલ ખરીદી, તેને ‘શૉરોક મિલ’ નામ આપી, કાપડ-ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. મિલના કુશળ મૅનેજર ગોરધનભાઈની આવડત અને સમજાવટથી 1912માં અને 1916માં બીજી બે જૂની મિલો ખરીદીને અનુક્રમે ન્યૂ શૉરોક મિલ, નડિયાદ અને કૉટન સ્પિનિંગ ઍન્ડ વીવિંગ મિલ, સૂરતની સ્થાપના કરી.
1914થી 1918માં પ્રથમ વિશ્વયુદ્ધમાં બધી વસ્તુઓની તંગી વરતાવા માંડી, તેથી તેમને મોટા ઑર્ડર મળવા માંડ્યા, બહોળો નફો થયો અને ત્રણેય મિલો સમૃદ્ધ બની. આ મિલોને આર્થિક રીતે પગભર કરવા માટે તેમણે મફતલાલ ગગલભાઈ ઍન્ડ ફાઇનાન્સ કંપની બનાવી અને ચોખ્ખા રૂનો પુરવઠો મળતો રહે તે હેતુથી ગુજરાતમાં કેટલીક જિનરીઓ પણ નાખી. તેઓ ઉદ્યોગપતિ બન્યા હતા, છતાં બાળપણમાં કેળવાયેલા વ્યાપારી જીવને અનુરૂપ મુંબઈ, કૉલકાતા, બૅંગાલુરુ અને અમૃતસરમાં કાપડની દુકાનો ઉઘાડીને આખા ભારતમાં તે માટેનું બજાર સરળતાથી વિકસાવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) પૂરું થયું ત્યાં સુધીમાં મફતલાલ અજોડ ઉદ્યોગપતિ બન્યા હતા, તેથી ધંધાના વધુ વિકાસ માટે તેમણે મુખ્ય મથક અમદાવાદથી મુંબઈમાં ખસેડ્યું. ત્યાં પણ બે જૂની મિલો ખરીદીને ન્યૂ ચાઇના મિલ અને સ્ટૅન્ડર્ડ મિલની સ્થાપના કરી. તેઓ પોતે મિલોનો વહીવટ મુંબઈમાં રહીને ચલાવતા હતા, છતાં પદ્ધતિ અને નીતિરીતિ અમદાવાદના ધોરણે જ લાગુ પાડેલી; તેથી કરકસર અને ખર્ચકાપ દ્વારા મિલોને આર્થિક રીતે સધ્ધર બનાવી. બ્રિટિશ મિલોના ઉત્પાદન સામે હરીફાઈ કરી શકે તેવા ધોરણનું કાપડ બનાવવા માટે ભારતના કાપડ-નિષ્ણાતો અને તાલીમબદ્ધ કારીગરોની મદદથી 57 વર્ષની પાકટ વયે તેમણે નવસારીમાં 28 હેક્ટરની જમીનમાં મફતલાલ ફાઇન સ્પિનિંગ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ મિલની સ્થાપના કરી. આ મિલનું નામ ભારતની મિલોમાં પહેલી હરોળમાં લેવાવા માંડ્યું. તેથી મફતલાલને ખૂબ પ્રતિષ્ઠા મળી. નાનપણમાં વિદ્યાભ્યાસ છોડી દેવો પડ્યો હતો, છતાં તેમણે અંગ્રેજી ભાષા શીખવામાં કચાશ રાખી નહિ અને તેના ઉપર જરૂરી પ્રભુત્વ કેળવ્યું હતું અને તેની મદદથી ધંધાના વિકાસ માટે 1921, 1925 અને 1934માં (બે વાર) – એમ ચાર વાર વિદેશપ્રવાસ ખેડ્યા હતા. તેમણે કાપડ-ઉદ્યોગમાં તો ગણનાપાત્ર વિકાસ કર્યો જ હતો, તે સાથે અન્ય ઉદ્યોગોમાં પણ પ્રવેશ મેળવવા માટે કૉલકાતામાં શણની મિલ, મહારાષ્ટ્રમાં ફલટણ શુગર વર્ક્સ અને મુંબઈમાં રત્નાકર સ્ટીમશિપ શરૂ કર્યાં. શણ-ઉદ્યોગમાં નફો થયો, પરંતુ ખાંડ-ઉદ્યોગમાં અન્યના વિશ્વાસે રહેવાથી દાઝવું પડ્યું. વળી વહાણવટા-ઉદ્યોગમાં અંગ્રેજોના ભાવયુદ્ધ સામે ઉકેલ ન જડવાથી હાર ખમવી પડી અને રત્નાકર સ્ટીમશિપ કંપનીને વાલચંદ હીરાચંદે સ્થાપેલી ઇન્ડિયન કો-ઑપરેટિવ નૅવિગેશન કંપની સાથે જોડી દેવી પડી. એકીકૃત થયેલી આ કંપની સમય જતાં સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીના નામે જાણીતી થઈ.
મફતલાલ છૂપી અને જાહેર સખાવતોના દાનવીર હતા. મીરજ, કલોલ, દેવગઢ, રત્નાગિરિ અને કાશીમાં તેમણે ઉદાર હાથે દાન આપ્યાં હતાં. વળી તેમનાં માતાના સ્મરણાર્થે અમદાવાદમાં જમનાબાઈ સરસ્વતી મંદિર અને મોટા પુત્રના સ્મરણાર્થે મુંબઈમાં પ્રાણસુખલાલ મફતલાલ હિન્દુ સ્વિમિંગ બાથ સ્થાપ્યાં હતાં. મફતલાલના મોટા પુત્રનું 1938માં અકાળ અવસાન થવાથી અને વચલા પુત્રની માનસિક અસ્થિરતાથી તેમને મોટો આઘાત અનુભવવો પડ્યો હતો. આથી જીવનસંધ્યાએ ધંધામાંથી રસ ઘટવા માંડ્યો હતો અને તેમાંથી અગાઉ મળતા આનંદનું તત્વ પણ ઓછું થઈ ગયું હતું. અમદાવાદમાં મફતલાલ ગગલભાઈ વિજ્ઞાન કૉલેજ અને બીજી અન્ય સખાવતો તેમના કુટુંબની સમાજસેવી ર્દષ્ટિનું પ્રતિબિંબ પાડે છે.
જિગીશ દેરાસરી